Course Content
Unit - 1 : આધુનિકતાની વિભાવના
૧.૧. આધુનિક સાહિત્યનાં લક્ષણો
૧.૨. આધુનિક સાહિત્યને પ્રેરનારાં પરિબળો
Unit - 2 : ‘તોખાર’ – સિતાંશુ
Unit - 3 : અનુઆધુનિકતાની વિભાવના
૧.૧. અનુઆધુનિક સાહિત્યનાં લક્ષણો
૧.૨. અનુઆધુનિક સાહિત્યને પ્રેરનારાં પરિબળો
Unit - 4 : ‘ચૂંટેલી કવિતા’ ઉષા ઉપાધ્યાય– ચયન : ઉષા ઉપાધ્યાય
(પસંદગીનાં કાવ્યો – ૨૦)
| | |
|---|---|
| ૧. નભ વચ્ચે આ કયો ખલાસી | ૨. અમીરાત |
| ૩. આખ્ખું આકાશ તારી આંખમાં | ૪. અચાનક |
| ૫. અમે વૃક્ષની જાત | ૬. કોરોનાકાળ |
| ૭. જળબિલ્લોરી | ૮. મોસમ આવી છે |
| ૯. વરસાદ | ૧૦. મીરા |
| ૧૧. આપ આવો છો ? | ૧૨. શું લખું ? |
| ૧૩. કોરોના : મૃત્યુની છાયા | ૧૪. ખોબોક જળમાં પલળવું |
| ૧૫. મિસ્કીન_ચિનુ_રાજેન્દ્ર | ૧૬. નચિકેતા |
| ૧૭. અહેસાસ | ૧૮. મેશ |
| ૧૯. ઊંટ | ૨૦. પાવનભૂમિ |
Reference Books
૧. ‘તોખાર’ – સિતાંશુ
૨. ‘ચૂંટેલી કવિતા’ ઉષા ઉપાધ્યાય– ચયન : ઉષા ઉપાધ્યાય (ફ્લેમિંગો પ્રકાશન)
૩. સાહિત્યમાં આધુનિકતા – સુમનશાહ
૪. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ– પ્રમોદકુમારપટેલ
૫. આધુનિકતા: એક સંકુલ સંપ્રત્યય– બિપિન આશર
૬. અનુ આધુનિકતા અને આપણે– સુમન શાહ
૭. આધુનિકોત્તર સાહિત્ય – સુધા પંડ્યા.
૮. અન્વેષણ – સંધ્યા ભટ્ટ
૯. ઉષા ઉપાધ્યાય : અભિવાદન ગ્રંથ.
Evaluation Method
* Internal Assessment : 50 Marks
* External Assessment : 50 Marks
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘનવન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે.
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
પૃથ્વીનું મીન ફાંસે,
અરે પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
૨. અમીરાત
કોણ મને લઈ ચાલ્યું
ધરતું હૈયાની અમીરાત !
નહીં મંદિર, નહીં કંકુ-ચોખા
નહીં ધૂપ-દીપની વાત,
છતાં અજબ આ કોણ પળેપળ
છાઈ રહે દિનરાત !
કશું બોલવું નહીં, છતાં શો સંભળાતો રહે સાદ !
નયન નિમીલિત રહે, છતાં શો અમલ ચડે અહોરાત !
સમય સજીવન, કંપ હવામાં
રેલે સઘળે ચેતન,
નિશદિન જોજન દૂર ને તો યે
પુલકિત શાને મન !
નથી માંગવું, મળવું યે નહીં, ધરવી નહીં સોગાત,
હોવું એનું એ જ પળેપળ છલકે બની મિરાત.
૩. આખ્ખું આકાશ તારી આંખમાં
મારી નજરુંના નાજુક આ પંખીના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં...
અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં.
સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં,
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં.
૪. અચાનક
મન મુંઝાતું હોય મારું ત્યાં સાવ અચાનક મળ,
સાવ અચાનક અમથું સજન કો'ક દિ' આવી મળ.
ઘેરાતી સાંજ હોય
ઘેરાતું આભ હોય,
ઘેરાતા હૈયાંમાં
વાતો ઘેઘૂર હોય,
શેરીએ જાતાં સાવ અચાનક સામે આવી મળ,
સાવ અચાનક અમથું સજન કો'ક દિ' આવી મળ.
ઝૂકેલી જૂઈ હોય
કળીઓની ઝૂલ હોય,
મઘમઘતી ફોરમમાં
ઘૂંટાતા ઘેન હોય,
સાવ અચાનક વીંટળાતી કોઈ લ્હેરખી સમું મળ,
સાવ અચાનક અમથું સજન કો'ક દિ' આવી મળ.
૫. અમે વૃક્ષની જાત...
અમે વૃક્ષની જાત
અમે ના ખળખળ વહીએ સંગે.
ડાળ-પાનમાં રહે ઝીલાતો
જળનો નાતો સ્હેજ !
ફૂલ-કળીમાં છલકે સઘળે
જળનું ઝલમલ તેજ,
પામિયા અચળપણાના શાપ
અમે ના ખળખળ વહીએ સંગે.
થાય અધિકું કદી, ઝૂકીને
નિરખી લઈએ જળમાં,
વળી સમેટી જાત, ઊતરીએ
સદીઓ જૂનાં તળમાં,
પામિયાં મૂળ-માટીનું રૂપ
અમે ના ખળખળ વહીએ સંગે.
હશે અધિકાં મારાં કરતાં
પરપોટાનાં ભા'ગ,
ભલે પલકભર વહે ઝીલતાં
મેઘધનુષી રાગ,
અમારે ઝીલવી નરદમ ધૂપ
અમે ના ખળખળ વહીએ સંગે.
૬. કોરોનાકાળ
– બધાં રસ્તાઓ – દરવાજા હોય ભલે બંધ,
અમે કોરોનાકાળ ગયાં ઠેકી, કે મારી કમ્પ્યૂટર વિન્ડો થઈ ખુલ્લી.
કોરોના ફેફસામાં પહોંચીને ગૂંથે
એ પહેલાં મુંઝારાનું જાળું,
લોકડાઉન આવ્યું ને કૉલેજો બંધ
પણ મનને દેવું રે કેમ તાળું ?
તને રોજરોજ મળવા મેં મારી'તી કેટલીયે ગુલ્લી !
હવે મુંઝાતો જાઉં, ત્યાં મારી કમ્પ્યૂટર વિન્ડો થઈ ખુલ્લી.
મને જોતાંમાં વેરાતી બોરસલ્લી તું
તને ઓચિંતા આમ હવે ખોઉં?
ઘરમાં રહેવાનું ને ભીંતો જોવાની
ને ફિલ્મો યે કેટલી હું જોઉં ?
મારાં મુંઝાતાં મન સામે હળવેથી બારી એક ખૂલી,
પરીઓની જેમ તું ઉતરી આવી, જ્યાં મારી કમ્પ્યૂટર વિન્ડો થઈ ખુલ્લી.
વ્હારે આવ્યાં છે કાંઈ એપલ-ગુગલ
ને વળી ઉપરથી મીટ અને ઝૂમ,
તને પાર્કિંગમાં-કેન્ટિનમાં શોધવાની નૈ
મળે સ્ક્રીન ઉપર તારી રૂમઝૂમ,
આવી શકાય, કદી નૈ રે અવાય, બધી ફિકર તું સાવ ગે ભૂલી,
તારાં સ્મિતનાં પતંગિયાઓ રમવા તું મૂક, મારી કમ્પ્યૂટર વિન્ડો છે ખુલ્લી.
૭. જળબિલ્લોરી
આકાશી આંબાને આવ્યો મોર અને છે જળબિલ્લોરી,
ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.
આ વાદળનાં પાનાં ખોલીને કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલ થાપ જરી, કે
આકાશી નટ રમતો વીજલ દોર અને છે જળબિલ્લોરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.
વરસાદે ભીંજાતાં-ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.
૮. મોસમ આવી છે
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની...
વાદળ વરસે ને કહે ઘરમાં તું કેમ છે ?
વાયરો વહે ને કહે ઉડવું હેમખેમ છે ?
મોસમ આવી છે સવા લાખની
હવે છત્રી સંકેલ તારા કામની...
ભીડેલાં બારણાંની કેવી આ ભીંસ છે !
ટહુકામાં ઓગળતી મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની...
૯. વરસાદ
પહેલાં ધરતી પર ગુલમ્હોરે-ગરમાળે જવાળા ઊઠી,
જાણે ધગધગતી આગ, જાણે ધગતા અંગાર.
ક્યાંક શીમળે-કેસૂડે રંગ રાતા છલક્યાં ને,
અગન જવાળા ઊઠી, ગગન જવાળા ઊઠી.
પીળી ધરતીએ નાંખ્યો એક ઘેરો નિઃશ્વાસ,
બોલી શાને જલાવ, ઓ રે શાને જલાવ !
જોને કીડી ને કુંજર ને દૈયડ-દરજીડો સૌ,
તાકી રહે આભ, ઊંચે તાકી રહે આભ.
કોઈ તરસ્યું તળાવ, ગગન ગોખે ઠર્યું,
એવું આભમાંથી મૂંગું એક આંસુ સર્યું.
ત્યાં તો ઉમટ્યા વંટોળ, ગગન ગાજ્યા વંટોળ,
ગાંડા હાથી શા ભાનભૂલ્યા ગરજ્યા વંટોળ.
જાગ્યા ડમરુના નાદ, ગાજ્યા ત્રિભંગી તાલ,
પછી ત્રામ તિરકીટ, ત્રામ તિરકીટ વરસ્યો વરસાદ,
પછી ત્રામ તિરકીટ, ત્રામ તિરકીટ વરસ્યો વરસાદ.
૧૦. મીરાં
મીરાંને મેવાડ શું, શું દ્વારિકા !
હરિનામનાં અજવાળામાં હરપળ હરતી-ફરતી,
મધદરિયે તોફાન ઊઠે તોય નૌકા એની તરતી,
ઊઠે અચાનક આંધી તોયે ક્યાં ચિંતા એ કરતી! મીરાંને...
હથેવાળો હરિ સાથે એને શેં પજવે કોઈ હીણાં!,
આંધીનાં કણ થઈને વરસે ફોરાં ઝીણાં ઝીણાં!,
ભાવમધુરી ગૂંજે હૈયે હરિનામની વીણા. મીરાંને...
૧૧. આપ આવો છો
સુવાસિત આ પવન છે એટલે, કે આપ આવો છો,
નજાકત છે ફૂલોમાં એટલે, કે આપ આવો છો.
ગગનમાં ચાંદ મલકે છે, દિશાઓ આજ મહેકે છે,
ઝરણ ઝાંઝર બન્યાં છે એટલે, કે આપ આવો છો.
ઝૂકેલી ડાળ પર નવમંજરી ઉલ્લાસથી હસતી,
ઘટા હળવે ઝૂમે છે એટલે, કે આપ આવો છો.
બની ચંચળ હવા ખેલી રહી છે કેશમાં કોનાં !
અજબ કોઈ રાગ છેડે એટલે, કે આપ આવો છો !
સમયનું પોયણું ખોલી રહ્યું છે પાંખડી હળવે
હયાતી આ સભર છે એટલે, કે આપ આવો છો.
૧૨. શું લખું?
તારા વિનાની જાય છે, એ પળ વિશે હું શું લખું ?
આ આંખને આવી મળેલાં, જળ વિશે હું શું લખું ?
તું હોય અક્ષર રેતમાં, ભૂંસું તરત પળવારમાં,
ભીતર સુધી જે કોતરાયું, તળ વિશે હું શું લખું ?
ચોમેર રણ ને ધોમ તડકો, ચાલવું ખુલ્લાં પગે,
પહોંચ્યાં ચરણ તરુવર તળે, એ કળ વિશે હું શું લખું ?
એક્કેક મૂકી ઈંટને રચતાં રહ્યાં'તા જે ભુવન,
ધબ્બ...ટીંબો, એ સમયના છળ વિશે હું શું લખું?
મેં હાથમાં રેખા પડાવી ફક્ત તારા નામની,
ખોવાય રસ્તો વ્યોમમાં, વાદળ વિશે હું શું લખું?
૧૩. કોરોના : મૃત્યુની છાયા
શક્ય છે કે શ્વાસનાં પંખી હવે ઊડી જશે,
ચણ ખૂટ્યું છે, શ્વાસનાં પંખી હવે ઊડી જશે.
જળ ઉપર, રંગોળી કરવાની રમત રમતાં રહ્યાં
સ્થિર ક્યાં રે ! શ્વાસનાં પંખી હવે ઊડી જશે.
આટલું ખેંચાણ તો ક્યારેય કો'નું ના હતું,
ગુંજતા એ, શ્વાસનાં પંખી હવે ઊડી જશે.
આ ધરાને કેટલી ચાહી હતી મન-પ્રાણથી !
ને છતાં યે, શ્વાસનાં પંખી હવે ઊડી જશે.
શબ્દ મારાં સાચવીને રાખશે વહેતો પવન,
એટલું હૈ, શ્વાસનાં પંખી હવે ઊડી જશે.
૧૪. ખોબોક જળમાં પલળવું
ખોબોક જળમાં પલળવું-તરવું મને ગમતું નથી,
આ ખંડકોમાં સબડતું, ‘હોવું’ મને ગમતું નથી.
કે સાદ કરતી હર પળે ખુલ્લાશ આ આકાશની,
આ છત અને ભીંતો બની, વસવું મને ગમતું નથી.
ને કોઈ ઝૂકી ડાળ પર હું પુષ્પ થૈ ખીલું ખરું,
પણ રેત થૈ ખંડેરની, ખરવું મને ગમતું નથી.
આ નભ વિશે વાદળ બનું, વરસાદ ને ઝરણું બનું,
પણ કોઈના કિલ્લે બુરજ, બનવું મને ગમતું નથી.
ને આપવો જો હોય તો આપો અનલહકનો અનલ,
અમથા કશા અંગારનું, અડવું મને ગમતું નથી.
૧૫. મિસ્કિન-ચિનુ-રાજેન્દ્ર
જ્યાં ચાંદ ઉતરે ને સુરજ પણ દાદ દે,
છે આ ગઝલ એવી, સુજન સૌ દાદ દે.
મિસ્કિન-ચિનુ-રાજેન્દ્ર છે જો મંચ પર,
તો ખુદ સમય આવી કવિને દાદ દે.
ઓજસ સકલ સાકાર થૈ મિસ્કિન બન્યું,
વાણી બની દરબાર ઝૂમી દાદ દે.
છે કેટલા ભભકા અહીં ઈર્શાદના !
કે શબ્દ ખુદ સજદા કરીને દાદ દે.
ને સાવ નોખી ભાત છે રાજેન્દ્રની,
ગિરનાર પણ આસન લગાવી દાદ દે.
ને કેટલું સૌભાગ્ય છે આ આપણું,
ગરવા કવિજન આજ અમને દાદ દે.
૧૬. નચિકેતા
અંધકારની પાટ ઊંચકાતી નથી,
બેડી પડી છે હાથમાં
જીરવાતી નથી,
ગુલામીમાં ગુલામોની ચીસ સંભળાવશું કોને?
ગુલામીમાં સબડતી ચેતના શી વેદના સહેતી !
વિવશતા કાં જનોના ગાત્રને થિજાવતી રહેતી?
ઋચાઓ વેદની સૂણતાં
જીવ્યાં જે મસ્તકે ઉન્નત,
વિશાળા આ જગતમાં જીવવાનું
શિર નમાવીને ?
ચમકતી રાત અહીંયા છે,
દિવસને પાંખ આવી છે,
મકાનો આભને આંબે
ને... માનવ વેંતિયા લાગે.
અહીં છે મોલ મોટાં ને
બધાંયે તોલ ખોટાં છે
હજુ આપો, નવું આપો,
ફરી આપો, સતત આપો,
અહીં છે શોર ‘આપો’નો
અને એ મોલની સામે
ઊભું આ કોણ તાકે છે?
દિવાલો કાચની ઠેકી
નજર એની ઉપાડે છે,
કણસતું સાવ ધીમેથી
ઉદર ખાલી પુકારે છે,
તન યુવા, મન વૃદ્ધ
એવો દેહ કાંપે છે –
ન જાણે લાગતું શાને કે જાણે
યુગયુગોનો પટ વટાવી
ટાઢ-તડકો વેઠીને
ખુલ્લાં પગે પથ કાપતો
આવી ઊભો છે કો' નચિકેતા
અને પૂછી રહ્યો છે પ્રશ્ન
“છે શાને દેવતા અમ્મર?
નથી કાં એમને કોઈ ડર?”
૧૭. અહેસાસ
મારામાં જાગી ઊઠે છે
એક નવો અહેસાસ
રેવાની ઉછળતી-કૂદતી લહેરોમાંથી
હું બની ગઈ છું
ધારાને સાચવતી
કિનારાની માટી...
૧૮. મેશ
હું જન્મી
ત્યારે છઠ્ઠીના દિવસે
નાનીમાએ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી
હોંશે હોંશે કાજળ પાડીને
મારી આંખમાં આંજ્યું હતું.
હજુ ગયા વરસે જ
મારી દીકરીને ત્યાં દીકરી જન્મી
ત્યારે મેં પણ
છઠ્ઠીના દિવસે
હોંશભેર કાજળ પાડી
મારી દોહિત્રીની
સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું.
આજે,
આ ઢળતી સાંજે
આગજનીમાં બળીને
કાળામેશ થઈ ગયેલાં
મારાં શહેરનાં
મકાનોને જોતાં થાય છે
કોની છઠ્ઠી માટે
પડાઈ હશે
આટલી બધી મેશ?
૧૯. ઊંટ
હતા દીવાલે ગયા સમયના
ઠાઠ અને અસબાબ સમા કૈં
ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;
પરસાળ વચાળે
અમીયલ નેણાંવાળી બાયું
સુપડે સોતી ધાન
કાંબીના રણકા શું હસતી'તી,
હતા આંગણે લીમડા હેઠે
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ
મૂછોના તાવ
કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં
ઝગતા તેગઝર્યા અંગાર
અને ત્યાં દૂર
સમયને કાંધે લઈ
ગાંગરતું ઊભું ઊંટ
વાટ કોઈ નવી ખેપની જોતું,
જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર
હવાની શી લાગી કૈં ગંધ
અચાનક થડકી ઊઠ્યું
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું
વાંભ વાંભની ઠેક ભરીને
હડફેટે ઘર ધડૂસ કરતું
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને
અને હવામાં હવે તરે છે
ગીધ સમી મડદાંની તીખી ગંધ,
સાંજની રુંઝ્યું ઢળતાં
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન
ગણે છે ઝાળ ચેહની,
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ
નગરની તૂટી મોતનમાળ નીરખતી
સ્તબ્ધ ધરા પણ
હજુ રહી છે કંપી !
હજુ રહી છે કંપી !
૨૦. પાવનભૂમિ
ગુજરાતનાં ગરવા ગૃહે, કિલ્લોલતાં રહીએ સદા,
પાવનભૂમિ આ ગુર્જરી, અમ હૃદયદલ સીંચે સદા.
છે આ હવામાં સાદ શો, સાહસ અને તપ-શૌર્યનો,
છે આ ભૂમિમાં જાગતું તપ ગાંધી ને સરદારનું,
છે તીર્થ અંબાજી અને સોમનાથ, ડાકોર, દ્વારિકા,
પાવાપુરી, ગઢપુર અને હરસિધ્ય મંદિર સાચનું,
તાપી-મહી-સાબર નીરે તન-મન રહે ઉજળા સદા,
પાવનભૂમિ આ ગુર્જરી અમ હૃદયદલ સીંચે સદા.
છે સાગના સોટા સમી નારી સ્વમાની ને મીઠી,
નર છે અહીંના ઉદ્યમી, શ્રીકર બની છે ગુર્જરી,
રાસે રમે નર–નાર ધ્રુજવીને ધરા ઉલ્લાસથી,
ને એ જ ઉલ્લાસે કરે, સેવા-સખાવત નિર્મળી,
કર્મે નિરંતર રત રહી, ધર્મે રહીશું દૃઢ સદા,
પાવનભૂમિ આ ગુર્જરી, અમ હૃદયદલ સીંચે સદા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો