શનિવાર, 24 જૂન, 2023

મધ્યકાલીન કવિ વિશ્વનાથ જાનીનું જીવન અને કવન - ડૉ.જયશ્રી ચૌધરી ( શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ,અંકલેશ્વર)

મધ્યકાલીન કવિ
વિશ્વનાથ જાનીના જીવન અને કવન

# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 

પ્રશ્ન-૧  વિશ્વનાથ જાનીના જીવન અને કવન વિશે વિસ્તારથી લખો.

                    પ્રસ્તાવના 

"વિશ્વનાથના લાક્ષણિક કવિગુણો એમને મધ્યકાળમાં કવિગણમાં ઊંચે સ્થાને સ્થાપે છે."
                                   - જયંત કોઠારી
 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતીકી મુદ્રા અંકિત કરતી કૃતિઓનું પ્રદાન કરનાર વિશ્વનાથ જાની પોતાની ભાષાને 'ગુર્જર ભાષા' તરીકે ઓળખાવે છે. મધ્યકાળના કવિ વિશ્વનાથ જાનીનો સમયકાળ 17મી સદીનો માનવામાં આવે છે. 

વિશ્વનાથ જાનીનું જીવન 

(૧) વિશ્વનાથની અટક -જાની 
વિશ્વનાથ જાનીએ પોતાની કૃતિઓમાં પદને અંતે 'જ્યાની' એવો ઉલ્લેખ વારંવાર કર્યો છે.
 દા.ત. 
-"કોટિ કામ મુકી કરીને કરવો એહે ઉપાય રે જાની પ્રભુ જદુવીરને જ્યે કીધે સુખ થાયે"
-"પ્રેમે અવગુણ સઘ લા ઢાંકે, જો જ્યાની તું સમર્યા વાંકે." પદ-૭
- જૂઠા જ્યાની જેહવા તુંને લાગે છે, વાહાલા !.. મુજને.. પદ-૯
 આ 'જ્યાની' શબ્દ દરેક પદના અંતિમ ચરણમાં જોવા મળે છે. તેથી તેમની અટક જાની હશે એવું જણાય છે. તેઓ જ્ઞાતિએ અ ઔદીચ્ય બ્રાહ્મણ હતા .

(૨) વિશ્વનાથ જાનીનું વતન
 વિશ્વનાથ જાની પાટણ કે તેની આજુબાજુના પ્રદેશના વતની હતા. કારણ કે તેમની 'મોસાળા ચરિત્ર'ની રચના પાટણમાં થઈ છે. બીજી બે હસ્તપ્રત પાટણમાંથી મળી આવી છે. તેને આધારે તથા અન્ય સંદર્ભને ધ્યાનમાં રાખીને તેઓ પાટણના વતની હતા એમ અભ્યાસકર્તાઓએ જણાવ્યું છે. જો કે આજે પાટણમાં વસતા જાની કુટુંબો મૂળ પાટણના નહીં પણ મહેસાણા જિલ્લાના ધીણોજ પાસે આવેલ કનોડા ગામથી પાટણ આવીને વસ્યા છે. તેઓ કનોડિયા જાની કહેવાય છે. વિશ્વનાથ જાની પણ મૂળ કાનોડાના વતની હોઈ શકે અને પછી પાટણ જઈને વસ્યા હોય એવી સંભાવના છે.

 (૩) વિશ્વનાથ જાનીનો કુલ ધર્મ 
વિશ્વનાથ જાનીનો કુલધર્મ કદાચ શૈવ હોઈ શકે. એમના 'સગાળચરિત્ર'માં શિવભક્તિ જોવા મળે છે. પરંતુ તેમની અન્ય કૃતિઓમાં કૃષ્ણભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. જો એ વાતને ધ્યાનમાં રાખીએ તો એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાની સંભાવના પણ સાચી લાગે છે.

 (૪)વિશ્વના જાનીનો સમયખંડ 
વિશ્વનાથ જાણી 17 મા શતકના કવિ છે. એમની બે કૃતિઓ 'સગાળચરિત્ર' અને 'મોસાળાચરિત્ર'માં ૧૬૫૨ રચનાવર્ષ મળે છે. તેથી તે 17મી સદીના મધ્યભાગમાં થયા થશે એ વાતને પુષ્ટિ મળે છે. જો 'સગાળચરિત્ર'માં સત્યાસિયા દુકાળનું વર્ણન છે. જે સંવત 1686 થી 88 માં ગુજરાતે અનુભવ્યો હતો. જો વિશ્વનાથ જાનીને દુષ્કાળ જોયાની સંભાવના સ્વીકારીએ તો તેનો જન્મ સંબંધ 1670 ની આસપાસ મૂકવો પડે.

 વિશ્વનાથ જાનીનું કવન 
મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ 
વિશ્વનાથ જાનીના નામે ચાર કૃતિઓ જોવા મળે છે.
 (૧)  'સગાળ ચરિત્ર' - આખ્યાનકૃતિ
(૨) 'મોસાળાચરિત્ર'- આખ્યાનકૃતિ
(૩)  'ચતુરચાલીસી'- પદમાળા
(૪) 'પ્રેમ પચીસી'- પદમાળા
 આખ્યાન કૃતિઓ 
 (૧) સગાળ ચરિત્ર' - આખ્યાન કૃતિ 

'સગાળ ચરિત્ર' (1652) અન્નદાનનો મહિમા કરતી આખ્યાન કૃતિ 

 'સગાળ ચરિત્ર' આખ્યાનકૃતિ છે. મધ્યકાળમાં સગાળની કથા આલેખતી અન્ય આઠ કથા મળે છે. પરંતુ વિશ્વનાથનું 'સગાળચરિત્ર' અન્નદાનનો મહિમા કરે છે. અહીં શિવશિવા(શિવ-પાર્વતી) દુષ્કાળગ્રસ્ત સમયમાં સગાળની કસોટી કરે છે, તે પ્રસંગનું આલેખન થયું છે.આ પ્રસંગમાં કવિએ દસમા કડવામાં ભયંકર દુકાળનું વર્ણન કર્યું છે. આ દુકાળમાં સગાળે કરેલી લોકસેવાનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. સંવત 1686 થી 88 દરમિયાન ગુજરાતમાં સત્યાશિયો દુકાળ અને તેની ભીષણતા ઇતિહાસમાં પણ નોંધાઈ છે અને તત્કાલીન કેટલાક કવિઓની કૃતિઓમાં પણ આલેખાઈ છે. 
સગાળશાની ભક્તિભાવના આતિથ્ય સત્કાર અને નિયમનું વિલક્ષણ વર્ણન કૃતિને શ્રેષ્ઠ બનાવે છે. કુંવર ચેલૈયાને ખાંડતી માતા-પિતાની વાત્સલ્ય ભર્યા વેદનાના ઉદગાર હૃદયસ્પર્શી છે. કવિએ કાવ્યના પ્રારંભે શિવકથા શ્રવણના સુખો વર્ણવ્યા છે. સગાળના પૂર્વ જન્મરૂપ કર્ણના જીવનના બે પ્રસંગો અવાંતરકથારૂપે આલેખ્યા છે. કર્ણના ત્યાગ સમયે કુંતીની વેદનાનું હૃદય સ્પર્શી ચિત્રણ થયું છે. કવિની પ્રારંભની આ કૃતિમાં કરૂણ રસનું અસરકારક આલેખન થયું છે.


 (૨ ) 'મોસાળાચરિત્ર'(૧૬૫૨)- આખ્યાનકૃતિ

 'મોસાળાચરિત્ર'- આખ્યાનકૃતિ છે. તે આ કથાવસ્તુની કૃતિઓની સમગ્ર પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું મામેરુ ભગવાન શ્રીકૃષ્ણએ સગાળશાશેઠ રૂપે મામેરુ  કર્યું એ પ્રસંગની આ કૃતિ પહેલાંન કૃતિઓ કરતાં સારો વસ્તુ વિકાસ દર્શાવે છે. પ્રેમાનંદના 'કુંવરબાઈનું મામેરુ' ને ઘણી સામગ્રી પૂરી પાડે છે. જો કે પ્રેમાનંદ ચડિયાતો કવિ છે, છતાં રસસ્થાનોને ખીલવવામાં વિશ્વનાથ પાછા પડ્યા નથી. પ્રેમાનંદના 'કુંવરબાઈનું મામેરુમાં ક્યાંક ક્યાંક તો એના નિરૂપણો પણ એના એ જ રહે છે. પ્રેમાનંદે વિશ્વના જાનીએ દર્શાવેલા પ્રસંગબીજને વધારે રસાત્મક રીતે ખીલવ્યું છે.

 પદમાળાઓ

 (૧ ) ચતુર ચાલીસી

 શૃંગારભાવને પ્રગટાવતી 'ચતુર ચાલીસી' 40 પદોની માળા છે. જે કૃષ્ણ ગોપીના પ્રણય, રાસ અને મનામણાંના પ્રસંગોને આલેખે છે. આ જયદેવના 'ગીતગોવિંદ'નું અનુસરણ કરતી કૃતિ છે. લગભગ 375 કડીઓમાં વહેંચાયેલી આ પદમાળા પ્રસંગ આલેખન કરતાં ભાવ આલેખન તરફ વધારે ઢળે છે. કૃતિમાં સંવાદનો વધારે આધાર લેવામાં આવ્યો છે, તેથી તેની કથનશૈલી નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. 40 પદોમાં કવિએ નાટ્યાત્મક આરંભ કરીને સુરુચિપૂર્ણ રીતે શૃંગારનું સંયત નિરૂપણ કરીને રમણીય શબ્દચિત્રો આપ્યા છે. આ કૃતિમાં ભાવ અને ભાષાની મધુરતા કૃતિને આસ્વાદ્યતા આપે છે.

 (૨)  પ્રેમપચીસી પદમાળા
 શ્રીમદ ભાગવતના 46-47મા બે અધ્યાયોમાં નિરૂપાયેલી ઉદ્ધવ સંદેશની કથાને જાનીએ પ્રેમપચીસીમાં નવા દૃષ્ટિકોણથી નવીન રીતે રજૂ કરી છે. 'પ્રેમપચીસી'માં કુલ 25 પદો છે. આ બધા પદો વસુદેવ-દેવકી, કૃષ્ણ, નંદ-યશોદા અને ગોપીઓ વગેરેની ઉક્તિઓ રૂપે આલેખાયેલ છે. સંવાદ હોવાથી કૃતિને નાટ્યાત્મક ઊર્મિકાવ્યનો ઘાટ મળે છે. નંદ-યશોદા, વસુદેવ-દેવકીનો વાત્સલ્યભાવ તથા કૃષ્ણની સંવેદનાઓનું હૃદયસ્પર્શી મૂર્ત ચિત્રણ થયું છે. કૃષ્ણ-ગોપીના શૃંગાર ભાવ કરતાં  નંદ-યશોદા, વસુદેવ-દેવકીના વાત્સલ્યભાવને મળેલું પ્રાધાન્ય પ્રેમ પચીસીને અનન્ય બનાવે છે.

 ઉપસંહાર 
'સગાળાચરિત્ર' અને 'મોસાળાચરિત્ર' નામના બે આખ્યાનો તથા 'ચતુરચાલીસી' અને પ્રેમપચીસી' નામની બે પદમાળાઓ વિશ્વનાથ જાની પાસેથી મળે છે. આ રચનાઓ વિશ્વનાથ જાનીને મધ્યકાળના મધ્યમકક્ષાના નોંધપાત્ર કવિ તરીકે સ્થાન આપે છે.  કથાકથન નહીં પણ ભાવનિરૂપણ એ તેમની વિશ્વનાથ જાનીની વિશેષતા છે, ખાસિયત છે.
સંદર્ભ
(૧ ) પ્રેમપચીસી સં.પ્રસાદ બ્રહ્મભટ્ટ
(૨) ગુજરાતી વિશ્વકોશ -જાની, વિશ્વનાથ (૧૭ મી સદી)જયંત કોઠારી