શુક્રવાર, 7 જાન્યુઆરી, 2022

આજના વર્તમાનપત્ર પાસેથી અમારી અપેક્ષાઓ

 આજના વર્તમાનપત્ર  પાસેથી અમારી અપેક્ષાઓ  

# જયશ્રી ચૌધરી


  • પ્રસ્તાવના


વર્તમાનપત્રની શક્તિને આંકવી હોય તો આ પંક્તિઓ વાંચો. કોઈકે યથાર્થ કહ્યું છે કે , 


 " ખીંચો ન કમાનોં , ન તલવાર નિકાલો ;

 જબ તોપ નિકમ્મી હો તબ અખબાર નિકાલો . "  


" છાપુ " , "  દૈનિક " , " સમાચારપત્ર " , " અખબાર "  વગેરે અનેક નામથી જાણીતા વર્તમાનપત્રથી કોઈ અજાણ્યું નહીં હોય . આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે . પત્રકારત્વને કોઈએ  "લોકશાહીનો આધારસ્તંભ " કહ્યો છે , તે યોગ્ય છે .  કારણકે , વર્તમાનપત્ર લોકમાનસને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે . લોકશાહીમાં જનમતને કેળવવા કે પરિવર્તિત કરવામાં વર્તમાનપત્રો મહત્ત્વનો ભાગ ભજવે છે .આજના સમયમાં કેટલીક સામાજિક વિટંબણાઓ કે અનિષ્ટ સામે જનમતમાં વિદ્રોહ  કેળવવા માટે પણ વર્તમાનપત્રો જાગૃત પ્રહરીની જેમ ઉભાં રહે છે . માનવીના અંગત કે બાહ્ય જીવન પર વર્તમાનપત્રનો વિશિષ્ટ પ્રભાવ રહ્યો છે . વર્તમાનપત્રો આસપાસના જગતમાં કે બહારની દુનિયામાં શું બની રહ્યું છે તેનાથી માનવીને માહિતગાર રાખે છે ; સચેત રાખે છે.  ભારત દેશમાં દિલ્હી ,  કલકત્તા , મુંબઇ , ચેન્નાઈ ,  હૈદરાબાદ , પુના , નાગપુર , અમદાવાદ , રાજકોટ , વડોદરા અને સુરત જેવા શહેરોમાં લોકો જાગે એ પહેલાં  વર્તમાનપત્રો છપાઈ ચૂક્યા હોય છે . આધુનિક સમાજ સમૂહ માધ્યમોના પ્રભાવથી મુક્ત નથી અને સમૂહ માધ્યમો વિશ્વના મોટા ભાગના દેશોમાં સ્વતંત્ર છે . 


 ગુજરાતી વર્તમાનપત્રનો ઈતિહાસ


ઈ.સ. ૧૭૮૦માં ભારતનું સર્વ પ્રથમ વર્તમાનપત્ર " બેંગાલ ગેઝેટ "  જેમ્સ ઓગસ્ટ હીકીએ નામના ડચ નાગરિકે શરુ કર્યુ હતું . " ગુજરાતી પત્રકારત્વના પિતા "  ગણાયેલા  પારસી ગૃહસ્થ ફરદુનજી મર્ઝબાને મુદ્રણની શોધ થતાં પહેલી વાર  ગુજરાતી અક્ષરોનાં બીબાં બનાવનાર જીજીભાઈ બહેરામજી છાપગર નામના પારસીને કમ્પોઝીટર તરીકે સહાયક રૂપે લઈને મુંબઈમાં ફોર્ટમાંથી  ગુજરાતી છાપખાના દ્વારા ઈ.સ.૧૮૨૨ માં " મુમબઈના સમાચાર " સમાચારપત્ર શરૂ કર્યું હતું . શરુઆતમાં તે સાપ્તાહિક હતું સને ૧૮૩૨થી તે દૈનિક બન્યું છે ; જે વર્તમાનપત્ર  " મુંબઈ  સમાચાર " તરીકે આજે પણ ચાલુ છે . એ પછી મુંબઈ ઉપરાંત સુરત , અમદાવાદ અને ગુજરાતના બીજાં મોટાં શહેરોમાંથી વર્તમાનપત્રો શરૂ થયાં.  


 અપેક્ષાઓ  


ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરના આ અતિ શક્તિશાળી યુગમાં વર્તમાનપત્રોનું મહત્ત્વ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. આજે ગણતરીની સેકન્ડોમાં વિશ્વભરમાંથી સમાચાર વાચકો સમક્ષ પહોંચી શકે છે  .


આજે વર્તમાનપત્રનો  "હાર્ડ કોપી " - ન્યુઝ પ્રિન્ટ કાગળ  અને " સોફ્ટ કોપી " -  " ઈ-ન્યૂઝ " એટલે કે " વીજાણુ - સમાચાર " સ્વરુપનો  જમાનો છે.  પરિણામે વર્તમાનપત્રો પાસેથી વાચકોની અપેક્ષાઓ પણ વધી છે . 



આજના વર્તમાનપત્રો પાસેથી વાચકની અપેક્ષાઓ  



  આજનો વર્તમાન પત્રનો મોટો વાચકવર્ગ  ઉચ્ચ શિક્ષણ મેળવેલ બૌદ્ધિકવર્ગ છે . જે ગણતરીની પળોમાં જ  સમાચારપત્રની રસિકતા , તટસ્થતા અને સમાચાર આપવાની ઝડપને પ્રમાણી શકે છે . સનસનીખેજ ખબર હોય ત્યારે વાચક એ ઘટના વિશેની રજેરજ સંપૂર્ણ  અને સાચી માહિતી ઝડપથી મેળવવા ઈચ્છે છે. 


વર્તમાનપત્રનો વાચક વર્ગ , જાતિ , વય , શિક્ષણનું વૈવિધ્ય ધરાવે છે . આ તમામ શ્રેણીનાં વાચકોને  સંતૃપ્ત કરવાનું કામ મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય નથી. 


સાંપ્રત સમયમાં હકારાત્મક પત્રકારત્વનો પણ એક વાયરો વીંઝાયો છે ; જે આવકાર્ય છે . સમાજને સાવધાન કરનારા સનસનીખેજ કિસ્સાઓ સમાચારનો એક ભાગ બને તે જરુરી છે . પરંતુ સાથે સાથે એ દિલધડક અને રોમાંચક સમાચારોની  હરોળમાં સમાજ , શિક્ષણ , સંસ્કાર વગેરે ક્ષેત્રે દીવાદાંડીરૂપ  કામગીરીને પણ સમાચારમાં પ્રાધાન્ય મળવું જોઈએ. જોકે બહોળો વાચકવર્ગ ચટપટી ખબરો વધારે પસંદ કરનારો હોય છે . 


 જાણીતા વર્તમાનપત્રોએ નવી કોલમો અને નવી કલમોને પણ પુરતો અવકાશ આપવો જોઈએ  ; જે સમાજ અને રાષ્ટ્ર ઘડતર માટે ઉપયોગી  વાંચન સામગ્રીથી ભરપૂર હોય .


દરેક વર્ગ ,  જ્ઞાતિ અને વયની વ્યક્તિઓને સમાચારપત્ર પોતીકું લાગવું જોઈએ તે માટે વાચક વર્ગનો પણ એક હિસ્સો વર્તમાનપત્રે રાખવો જોઈએ . જેમાં વાચકવર્ગ પોતાના ગમા- અણગમા,  અભિપ્રાય બેધડક અભિવ્યક્ત કરી શકે. 


વર્તમાનપત્રોને પોતાના વિભાગો ચોક્કસપણે હોય છે જેમાં એ તમામ વાચકવર્ગને રસ પડે એ પ્રકારની સામગ્રી વહેંચે છે . સ્ત્રી , બાળકો ,  શિક્ષણ ,  સંસ્કાર ,  ધર્મ  ...વગેરે . શું વૃદ્ધો માટે એક અલાયદી "  વૃધ્ધ પૂર્તિ "  સપ્તાહમાં કાઢી ન શકાય ?  તેમને અનુરૂપ અલબત્ત એવી કૉલમો જરૂર લખાતી હોય છે . પરંતુ  " બાળ પૂર્તિ " ,  " નારી પૂર્તિ "  ,  " ધર્મ પૂર્તિ "  ,  હોય તો " વૃદ્ધ પૂર્તિ "   કેમ નહીં  ?  " કિન્નર પૂર્તિ " વિશે પણ વિચારી શકાય. વર્તમાનપત્રથી સમાજનો કોઇપણ હિસ્સો અછૂતો કઈ રીતે રહી શકે  ? 


ઊગતા સૂરજને પૂજવાની પરંપરા પરાપૂર્વથી ચાલી આવે છે .  પરંતુ વર્તમાનપત્રો એ કહેવતને અનુસરે એ  વાત  બૌદ્ધિક વાચકોને ગમતી નથી. સત્તાધારી રાજકીય પક્ષોની ભૂલ હોય તો તેના પ્રત્યે દિશા નિર્દેશ કરવાની ફરજ  વર્તમાનપત્રોની હોય કે નહીં ?  ઘણી વાર તો એવું બને છે કે વિપક્ષના સારા કામોને પણ જોઇએ તેટલી પ્રસિદ્ધિ આપવામાં આવતી નથી અથવા એવા સમાચારો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે . એવું શા માટે ? વર્તમાનપત્ર તો તટસ્થ અને નિષ્પક્ષ જ હોવા જોઈએ . પ્રશ્ન એ થાય કે શું સમૂહમાધ્યમોને પણ ખરીદી લેવામાં આવતા હશે  ? વર્તમાનપત્ર તટસ્થ , નિષ્પક્ષ , સત્યનિષ્ઠ , નિર્ભીક અને  રાષ્ટ્રહિતને  વરેલું હોવું જોઈએ.


  સમાચારપત્રને તેની ઓળખ સ્થાપિત કરવા માટે પત્રકારોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે . 


વર્તમાનપત્રોએ રોજગારલક્ષી માહિતી અને હુન્નર-કળા વિકાસલક્ષી માહિતીને પણ વધારે પ્રાધાન્ય આપવું જોઈએ .   વાચકોની ભાષાકીય અને સાહિત્યિક સજ્જતા વધે તેના માટે પણ પ્રયાસ કરવો જોઈએ . ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને  ભારત દેશના આઝાદીના શુરવીરોની ગાથા અને  સ્વાતંત્ર્ય સંગ્રામની  વાતો શ્રેણીબદ્ધ રીતે  રજૂ કરતા રહેવી જોઈએ જેથી નવી પેઢી દેશની સ્વતંત્રતાનું મૂલ્ય સમજે . દેશની સરહદો પર જાન ન્યોછાવર કરતાં શૂરવીર લશ્કરી જવાનો અને દેશની સુરક્ષા માટે ખડેપગે ઊભા રહેતા પોલીસ અને દેશના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખતા આરોગ્યકર્મીઓ અને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા શિક્ષકો , સાહિત્યકારો , કેળવણીકારો , વહીવટી કર્મચારીઓ , સક્રિય સ્ત્રીઓ , સમાજસેવક  રાજકીય નેતાઓ માટે વર્તમાન પત્રે એક અલાયદું પાનું રાખવું જોઈએ એવું નથી લાગતું ? શું ફિલ્મી કલાકારો અને રમતવીરો જ  દેશના ચમકતા સિતારાઓ છે  ? 


કોઈપણ ક્ષેત્રમાં થતા સંશોધનને પ્રેરણા-પ્રોત્સાહન વર્તમાનપત્રે આપવું જોઈએ . ખૂબ જહેમતથી મેળવેલી આઝાદી દેશની અખંડિતતા અને એકતા માટે  ઉપયોગી છે . પરંતુ ધીરે ધીરે તે ફરીથી જાતિવાદના કુંડાળામાં વહેંચાઈ રહ્યો હોય તેવું લાગે છે. એનાં કારણો તપાસવાં કરતાં  દેશના તમામ નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગે ,  એકતાનો ભાવ પ્રગટે તે માટે વર્તમાનપત્રોએ પ્રયાસ કરવો જોઈએ. કારણ કે દેશને સ્વતંત્ર કરવા માટે પત્રકારત્વ એ પણ સબળ ભૂમિકા ભજવી હતી. પત્રકારત્વ સંગઠને સંગઠિત અને મજબૂત થવું જોઈએ . અવારનવાર કાર્યશાળાઓ યોજવી જોઈએ . આ કામ માટે દેશના અગ્રીમ હરોળના વર્તમાનપત્રના તંત્રીઓ સંપાદકો અને પત્રકારોએ એકત્રિત થઈને  ચર્ચા-વિચારણા કરવી જોઈએ .  


વર્તમાનપત્રોએ પણ ચીલાચાલુ ઢાંચાને બદલવા માટે કવાયત કરવી જોઈએ . રેડિયોએ જેમ બદલાતા સમયની સાથે પોતાનું કલેવર બદલ્યું અને પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે . એ જ રીતે વર્તમાનપત્રોએ પણ  મનોમંથન કરવાની જરૂર છે . બદલાતા સમયની સાથે જે બદલાય છે એ જ ટકી રહે છે એ પ્રકૃતિનો નિયમ છે એને વર્તમાનપત્રોએ પણ યાદ રાખવું જોઈએ. 


 વર્તમાનપત્રના કર્મચારી અને પત્રકારોને પણ નોકરીની સુરક્ષા અને સલામતી પૂરી પાડવામાં આવે તો તેઓ નિશ્ચિતપણે વર્તમાનપત્રને વિશ્વાસ અને વફાદારીથી કામનું યોગદાન આપી શકશે .  પત્રકાર પણ આખરે તો માણસ છે એનો પરિવાર  છે. પત્રકારની સુરક્ષા માટે પણ ચોક્કસ વિચાર કરવો ઘટે . પત્રકારની આર્થિક અને દૈહિક સુરક્ષા જળવાવા જોઈએ. કારણકે વર્તમાનપત્રને ચલાવનાર ઈંધણ પત્રકાર છે . 


ભારત ગામડાંઓથી  બનેલો દેશ છે . એટલે વર્તમાનપત્રો ફક્ત   " શહેર દેવી " ને  પ્રાધાન્ય આપે અને "ગ્રામમાતા " ની તસ્વીરને વિસારી દે એ પણ નહીં ચાલે . ગ્રામીણ સંસ્કૃતિ લોકસંસ્કૃતિને પણ વર્તમાનપત્રોએ પોતાનામાં સમાવવા જોઈએ .




વર્તમાન પત્રમાં શું શું ન હોય તો ચાલે ? 


 એક વાત સમજો :  વર્તમાનપત્ર લગભગ પુરો પરિવાર વાંચે છે ! .પરિવારના તમામ સદસ્યો વાંચતા હોય ત્યારે વર્તમાનપત્રમાં એવી સામગ્રી ન હોવી જોઈએ કે જે વૃદ્ધ ,  બાળકો અથવા કિશોર માનસ માટે યોગ્ય ન હોય .


સ્પર્ધાત્મક યુગમાં અમુક નામાંકિત વર્તમાનપત્રો પણ  આશ્ચર્યકારક રીતે ઘણે ભાગે  સ્ત્રીઓના અંગ ઉપાંગોને વિશેષ ઉભાર આપતા રેખાચિત્રો  બિનજરુરી હોય તો પણ અવારનવાર પ્રદર્શિત કરતાં હોય છે  . જાતીયતાને બહેકાવતા લેખો અને ચિત્રોનું જાણે કેટલાંક વર્તમાનપત્રો આલ્બમ બની ગયાં હોય એવું પણ લાગે . વર્તમાન પત્રોનો મૂળ હેતુ ત્યારે વિસરાઈ જતો લાગે છે . 


હા , જીવનના પ્રમુખ પાયા છે : ભૂખ ,  કામ , ક્રોધ અને નિદ્રા . એને નકારવાની વાત નથી . પરંતુ  વાચકોને આકર્ષવા માટેની આ સસ્તી તરકીબ લાગે છે . જો કે ઈન્ટરનેટના આ યુગમાં આ તરકીબ ઘણે અંશે સફળ પણ થતી રહી છે  . પરંતુ વર્તમાન પત્રની એક આગવી ગરિમા છે તે જળવાવી જોઈએ .


  મોબાઈલ (સેલફોન) આવતાં વિશ્વ મુઠ્ઠીમાં સમાઈ ગયું છે . ભોગવાદને પોષવા SEX ખુલ્લેઆમ વેચવામાં આવે છે; ભારત દેશ મૂલત: યોગીઓ દેશ છે.  જે પામવા કરતા ત્યાગીને ભોગવવામાં માને છે. ભારત દેશમાં  કૌટુંબિક ભાવના હજી પણ ટકી રહી છે . આ કૌટુંબિક ભાવનાને મજબૂત કરવાનું કામ વર્તમાનપત્રો દ્વારા થવું જોઈએ . 


આ વિશ્વમાં સારી અને નરસી બન્ને બાબતો રોજબરોજ બન્યા કરે છે એટલે નકારાત્મક બાબતો જે સાચી છે એ પ્રસ્તુત કરવાનું વર્તમાનપત્ર  માધ્યમ છે જ પરંતુ  સાથોસાથ હકારાત્મક બાબતોને પણ વર્તમાનપત્રમાં એટલું જ મહત્ત્વ આપવું જોઈએ  . 


વિશ્વગુરુ બનવાની ક્ષમતા ધરાવતો ભારત દેશ અલબત્ત,  ધર્મના પાયા પર ઊભો છે  . છતાં એકવીસમી સદીના પ્રારંભમાં વર્તમાનપત્રની એ ફરજ પણ બની રહે છે કે પ્રજામાં અંધશ્રધ્ધા  ફેલાય એવા લખાણોને અવકાશ ન હોવો જોઈએ . વર્તમાન પત્રના તંત્રીની એ ફરજ બની રહે છે કે એકેએક અક્ષર એના નજરમાંથી પસાર થયા પછી જ એ વાચક સુધી પહોંચે . 


રાષ્ટ્ર હિત જોખમાય , બિનસાંપ્રદાયિકતાને ગ્રહણ લાગે , દેશની એકતા અખંડિતતા પર  અસર થાય  , કોમવાદ- જાતિવાદ-જ્ઞાતિવાદને પોષણ મળે  એવી બાબતો વર્તમાનપત્રોએ ટાળવી જોઈએ . 


આપણું સંવિધાન પ્રત્યેક નાગરિકને કલમ-૧૯ (૧) (અ) અન્વયે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો  મૂળભૂત હક્ક આપે છે .  પરંતુ  રાજકીય અને સમાજના સર્વોપરી હિતો અથવા વ્યક્તિના હક્કો કે જેની ઉપર ભારતના બંધારણની ૧૯ મી કલમની પેટા કલમ (૨) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના  હક્ક બાબતે  કાયદા દ્વારા જે વાજબી પ્રતિબંધો લાદી શકાય તેને જોખમમાં અથવા મુશ્કેલીમાં મુકાવાનો સંભવ હોય ત્યારે તે અંગે સમાચારો ,  ટિપ્પણી અથવા માહિતી રજૂ  કરવામાં વર્તમાનપત્રો જાતે પૂરતો સંયમ અને સાવચેતી રાખે તે ખૂબ જરુરી છે .


વર્તમાનપત્ર દ્વારા જાહેર હિતમાં ન્યાયાધીશે અદાલતમાં ફરજ દરમ્યાન કરેલ કાર્યોની ટીકા ટિપ્પણી ટાળવી જોઈએ .


અન્યના લખાણો કે વિચારોના યથાતથ ઉપયોગ પ્રત્યે  તેના સંદર્ભનું સૌજન્ય દર્શાવ્યા વિના ઉપયોગ કરવો ન જોઈએ . 


વર્તમાનપત્રોએ ગેર વ્યાજબી વ્યાપારીકરણ સ્વરૂપ ટાળવું જોઈએ . 


દુરાચાર ,  બળાત્કાર , ભ્રષ્ટાચાર , હત્યા , હિંસા , કૌભાંડો સાંપ્રદાયિક વિદ્વેષ અને SEXની  તસવીરો પ્રસ્તુત કરતી વખતે વર્તમાનપત્રોએ વિવેક દાખવવો જોઈએ . યથાર્થતાના નામે અશ્લીલતા અને નગ્નતાનું અતિશયોક્તિભર્યું આલેખન, વર્ણન અને પ્રદર્શન રાષ્ટ્રહિત અને સમાજહિત માટે વિઘાતક છે . 



વર્તમાનપત્રોની ભાષાશૈલી કેવી હોવી જોઈએ  ? 


વર્તમાનપત્રોની ભાષા સીધી-સાદી અને સરળ હોવી જોઈએ . ગાંધીજી કહેતા કે કોશિઓ ( કોશ ચલાવનાર સામાન્ય માણસ ) પણ સમજી શકે એવી ભાષામાં સાહિત્ય સર્જન કરો. તાત્પર્ય એ કે  રાષ્ટ્રપતિથી માંડીને  છેક છેવાડાનો માણસ પણ સમજી શકે  એવી ભાષાનો પ્રયોગ વર્તમાનપત્રમાં થવો જોઈએ  .


વર્તમાનપત્રમાં આલંકારિક  ભાષાની જરુર નથી . કોઇપણ સમાચારનું મથાળું આકર્ષક હોય એ જરૂરી છે . સમાચારનો પ્રારંભે એવો હોવો જોઈએ કે વાચક આખો લેખ વાંચવા પ્રેરાય . સમાચાર વાંચ્યા પછી વાચકને સંતોષ થવો જોઈએ કે એને સમાચારની તમામ વિગત મળી ગઈ છે . 


ભાષામાં સંક્ષિપ્તતા એ વર્તમાનપત્રની ભાષાકીય ઓળખ છે .જેમ વહીવટીય ભાષા હોય છે તેમ વર્તમાનપત્રની પણ એક આગવી સીધી-સાદી અને સરળ છતાં અસરકારક ભાષા હોય છે ખરી . નાટકમાં પુનરુક્તિ શોભે પણ વર્તમાનપત્રમાં પુનરુક્તિ ટાળવી જોઈએ . 


વર્તમાનપત્રમાં ખૂબ સમજદારીથી કાળજીભર્યો ભાષાપ્રયોગ કરવો જોઈએ .  સંદિગ્ધ કે અનિશ્ચિત ભાષામાં માહિતી આપવી જોઈએ . 


વર્તમાનપત્રમાં વાચકને રસ પડે એવી રીતે હકીકતોનું નિરૂપણ પ્રારંભમાં કરવું જોઈએ . કોઈ પણ ઘટનાનું નિરૂપણ કરતી વખતે તેને તાર્કિક રીતે ક્રમબદ્ધ ગોઠવવી જોઈએ .વર્તમાનપત્રનો અહેવાલ પરિણામ પરથી કારણો તરફ દોરી જાય એવો હોવો જોઈએ  .


વર્તમાનપત્રમાં પત્રકારની વ્યક્તિગત  ગ્રંથિઓ , ગમા-અણગમા , પૂર્વગ્રહો દૂર રાખીને વાચકના દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને જ  સમાચારની અભિવ્યક્તિ સધાવી જોઈએ .





વર્તમાનપત્રનો મૂળ મંત્ર : રાષ્ટ્રહિત સર્વોપરિ 

  

 વર્તમાનપત્ર એ કોઈપણ દેશનો અરીસો છે. વર્તમાનપત્ર દેશના આર્થિક , શૈક્ષણિક , રાજકીય , સાંસ્કૃતિક  સામાજિક બાબતોને પ્રદર્શિત કરે છે . વર્તમાનપત્ર યુગો સુધી રહેશે . કુદરતી કે માનવસર્જીત આપત્તિઓ અને તેના શક્ય તેટલા સમાધાનો સહિત  વાચકો સુધી પહોંચનારું વર્તમાનપત્ર વાચકો જ્યારે મીઠી નિદ્રા માણતા હોય છે ત્યારે રાતભર જાગીને કામ કરે છે . રાષ્ટ્ર હિત જેને હૈયે વરેલું છે એવા વર્તમાનપત્રની અને તેના કર્મશીલોને સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે સન્માનવા જોઈએ .


વર્તમાનપત્રોનો મુખ્ય આધાર તેની વિશ્વનિયતા હોય છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકારત્વના આચરણ માટેના માન્ય ધોરણો સિદ્ધાંતો અને આચારસંહિતા પણ ઘડી કાઢવામાં આવ્યા છે .


સ્વાયત્તતા એ વર્તમાનપત્રનો આત્મા છે . જો કે કોર્પોરેટ કલ્ચર આવવાથી સમૂહ માધ્યમોમાં પણ ધરમૂળથી પરિવર્તન થતું રહ્યું છે અને તેની સામે પ્રજાતંત્રમાં ઠીક ઠીક ઊહાપોહ પણ જોવા મળ્યો છે. છતાં એ યાદ રાખવું ઘટે  કે   વર્તમાનપત્ર સ્વાભિમુખ નથી પરંતુ સમાજાભિમુખ છે.  







શ્રી ઠાકોરભાઇ પટેલ : એક વિરલ વ્યક્તિત્વ

  


શ્રી ઠાકોરભાઈ પટેલ

| એક વિરલ વ્યક્તિત્વ |


                                                                                             

શ્રી ઠાકોરભાઈ પટેલ : એક વિરલ વ્યક્તિત્વ

# ડો. જી. કે. નંદા ડો. જયશ્રી ચૌધરી

@ STP College Ankleshwar


https://youtube.com/playlist?list=PLS0CzGUlTfCj_yTzz4Fc5mMhwAWjBjDoO&si=GE1XDzcgEigztwBa



આ લિંકને ટચ કરો અને શ્રી ઠાકોરભાઈ પટેલના જીવન વિશેની ડોક્યુમેન્ટરી નિહાળો...


અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ કૅમ્પસમાં ઉચ્ચ શિક્ષણ જગતનો એક નવોદિત સૂર્ય છે : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ , અંકલેશ્વર .

જે મહાનુભાવને નામે આ કૉલેજ નામાંકિત થઈ છે એમના વિરલ વ્યક્તિત્વ વિશે થોડો આલોકપાત ( પ્રકાશ પાથરવો) કરવો આ પ્રસંગે ઉચિત ગણાશે .

શ્રી ઠાકોરભાઇ પટેલની તસવીર નિહાળીએ છીએ ત્યારે એવું પ્રતીત થાય છે કે એમના મુખમંડળમાં સરળતા , નિર્દોષતા , નિર્મળતા અને નિર્ભીકતાનો એક અપૂર્વ સમન્વય થયો છે . તેજોદિપ્ત આંખો રેડિયમની જેમ સામેની વ્યક્તિ દોષી હોય કે દુશ્મન હોય તેના માનસપટલ સુધી પહોંચી શકે . પ્રશસ્ત ( વિશાળ ) ભાલપ્રદેશ એમનામાં રાજયોગનું લક્ષણ સૂચવે છે . સુદીર્ધ કર્ણ જોઈએ તો બુદ્ધ અથવા ગાંધીજીની અનુભૂતિ થાય , જે આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે . સુસ્પષ્ટ ઓષ્ઠદ્વય પર સમ્યક સ્મિત અને ગંભીર પૌરુષના સંમિશ્રણનો ખ્યાલ આવે છે . તીક્ષ્ણ નાસિકા જોઈને એમની દૂરદર્શિતા અને નિર્ણયક્ષમતાનો નિ:શંક પરિચય મળે.

શ્રી ઠાકોરભાઈ પટેલના મુખમંડળને સર્વાંગી રીતે નિહાળીએ તો એક સર્વગુણ સંપન્ન નાયકની મૂર્તિ ઉપસી આવે છે . ચહેરો આત્મવિશ્વાસથી ભરેલો, શાંતકાંત ( સુંદર ) મુખમંડળ , સુદીર્ધ કંઠપ્રદેશ એમની વિશ્વસનીયતાને વાચા આપે છે . એમનો સુદ્રઢ હ્રદયપ્રદેશ લાગણીસભરતાને રેખાંકિત કરે છે . આનત ( ક્રમશઃ ઝૂકેલો ) સ્કંધપ્રદેશ એમની રજસ્વિતા (રજસ ગુણ) નો પરિચય આપે છે ; જે ખરેખર એક લોકનાયક નું લક્ષણ છે .

એમના અંગસૌષ્ઠવને જોઈને એ લોકનાયક માટે સંપૂર્ણપણે સુયોગ્ય છે એમ કહી શકાય. જાણે કે ,

सर्वगुण संपन्न विशालकुल संभव: । ( સર્વગુણોથી આભૂષિત અને મહાન વંશમાં જન્મેલા મહાનાયક ) એક લોકનાયકનો સાચા અર્થમાં દરજ્જો પ્રાપ્ત કરનાર , સતત કર્મશીલ માનવી , હાંસોટના ખારપટવિસ્તારને ખેતી સમૃદ્ધ કરનાર , ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનારા ઠાકોરભાઈએ હાંસોટ તાલુકા સ્તરે નેતૃત્વને નિખાર્યું અને અંકલેશ્વર-હાંસોટના અગ્રપંક્તિના જવાબદાર નેતા બન્યા . ગ્રામીણ વિસ્તારથી વિધાનસભામાં નેતૃત્વની સંભાવના પૂર્ણ કરી છે.

એમના સમયમાં એમણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ કંઈ પુંજી , વ્યક્તિ , ધન , દોલત , પ્રતિષ્ઠા કે સત્તાથી નહોતી મેળવી પરંતુ સામાન્ય ( તળના ) વ્યક્તિનો વિશ્વાસ જીતીને મેળવી હતી . દુઃખીનું દુઃખ સાંભળવા અને તેના નિવારણની ક્ષમતાનો સમન્વય તેમનામાં હતો . સામાન્ય માનવી માટે તેઓ એક આધાર સ્તંભ હતા .

સાતમી ફેબ્રુઆરી ૧૯૨૬ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે શ્રી ગુમાનભાઈ ગણેશભાઈ પટેલના ઘરે પુત્રરત્નનો જન્મ થયો . જે આ ધરતીના ઈતિહાસમાં એક સાચા લોકનાયક તરીકે ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલ નામે સુપ્રસિદ્ધ છે અને રહેશે .

શ્રી ઠાકોરભાઈ પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો કુડાદરા ગ્રામ પંચાયતના સર્વપ્રથમ સરપંચ બની સેવા કરનાર ઠાકોરભાઈએ એક ઈતિહાસ સર્જ્યો . ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ્યની સ્થાપના થઇ ત્યારે તાલુકાના લોકલ બોર્ડના પ્રતિનિધિ તરીકે પસંદગી પામ્યા . ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે તારીખ પહેલી એપ્રિલ ૧૯૬૩માં પસંદગી પામ્યા . સમાજ સેવાનો વ્યાપ સદૈવ વધતો જ રહ્યો. તારીખ પહેલી એપ્રિલ 1963થી તારીખ ત્રણ ફેબ્રુઆરી 1972 ( સંસ્થા કોંગ્રેસ) સુધી તથા તરીકે 21મી માર્ચ 1972 થી તારીખ બીજી સપ્ટેમ્બર 1974 ( જનતાદળ ) સુધી તારીખ 24મી ફેબ્રુઆરી 1981થી તારીખ 23 ફેબ્રુઆરી 1987 ( ભાજપ ) સુધી તેમણે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કામગીરી કરી તે હાંસોટ તાલુકામાં નેત્રોદ્દીપક ગણી શકાય .

સાચાબોલા અને આખાબોલા એટલા માટે કે કોઈપણ પદાધિકારી કે મોટા વ્યક્તિને સાચું પરખાવનારા ઠાકોરભાઈ રમુજી સ્વભાવે કહેવા જેવી સ્પષ્ટ વાત કહી જ દેતા . અપરાધીને સાંભળવાની ધીરજ , કહેવા જેવી કડવી વાત રૂબરૂમાં કહીને સત્યની પ્રતીતિ કરાવનારા અને સત્યપારખુ ઠાકોરભાઈ ૧૯૭૫માં ધારાસભ્ય તરીકે સૌપ્રથમ અંકલેશ્વર-હાંસોટ મતવિસ્તારનાં ચૂંટાયા અને ૧૯૮૦ સુધી પાંચ વર્ષની ટર્મ વ્યક્તિગત , સામાજિક અને સામૂહિક વિકાસના અનેકવિધ નોંધપાત્ર કામો કરીને પૂર્ણ કરી . ૧૯૯૦માં બીજીવાર અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતવિસ્તારમાં તેઓ વિજેતા બન્યા અને ૧૯૯૫ સુધી બીજા પાંચ વર્ષ સુધી લોકસેવામાં પોતાને સમર્પિત કર્યા .

રાજકીય ક્ષેત્રે અને વ્યક્તિગત , સમાજિક અને સામૂહિક ક્ષેત્રે સતત કર્મશીલ ઠાકોરભાઈએ બીજા અનેક સંસ્થાનોમાં ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ પર રહીને જનહિતના કામ કર્યા. અંકલેશ્વર-હાંસોટ વિસ્તારના કાર્યરત જુદી જુદી સહકારી મંડળીઓમાં પ્રમુખ પદે રહીને સફળ સંચાલન કરતા રહ્યા . આ ઉપરાંત , ગુજરાત જમીન વિકાસ બેંકમાં ભરૂચ-હાંસોટના પ્રમુખ તરીકે , તાલુકા ખેડૂત મંડળના પ્રમુખ તરીકે , હાંસોટ-અંકલેશ્વર તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ભરૂચ જિલ્લા પંચાયતના તાલુકા પ્રતિનિધિ તરીકે, તેમ જ એવી જ અનેક સામાજિક સહકારી સંસ્થાઓ , બેંકો જેવી સંસ્થાઓમાં ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ પર સ્થાન શોભાવ્યું હતું .

હાંસોટ તાલુકામાં પંડવાઈ સુગર ફેક્ટરી આજે પણ કાર્યરત છે . ભૂતકાળમાં નજર નાખીએ તો એની સ્થાપના થઈ હતી ત્યારે શ્રી ઠાકોરભાઈનો જ એમાં સિંહફાળો હતો . અત્યારે એમના સંતાન ઈશ્વરસિંહના જતનને કારણે સુગર ફેક્ટરી ઉત્તરોત્તર પ્રગતિ કરીને ખેડૂતોને ભરપૂર ખુશી આપીને આખા ગુજરાતમાં એક ઉલ્લેખનીય સ્થાન ધરાવે છે.

જ્યાં સુધી રાજનીતિનો સવાલ છે ઠાકોરભાઈ શિસ્તબદ્ધતા અને પક્ષ પ્રત્યેની વફાદારીને કારણે જાણીતા હતા . વિરોધ પક્ષમાં બેસીને પણ પોતાની સચોટ નિર્ભિક છબીના કારણે લોકહિતના કામો સરળતાથી કરાવી શકતા હતા . એમની કારકિર્દીને કારણે ગુજરાતના રાજકીય નકશામાં હાંસોટ-અંકલેશ્વર વિસ્તાર સતત દેદીપ્યમાન રહ્યો .

આ મહાન વ્યક્તિત્વને સંક્ષેપમાં રેખાંકિત કરીએ તો એમના અનેક સદગુણો તરત જ નેત્ર સમક્ષ આવી જાય છે ...જેમકે , મિતભાષી છતાં ભાવનાસભર , બહુલોકસંપર્ક છતાં ચારિત્ર્યશીલ , નિર્ભીક છતાં શત્રુજયી , નિષ્કપટ છતાં સત્યાન્વેષી , ઉદાર છતાં ન્યાય પ્રેમી .

છ્ઠ્ઠી ઓક્ટોબર , 1995 ના રોજ શ્રી ઠાકોરભાઈ પટેલના પાર્થિવ શરીરનો અંત આવ્યો પણ એમના સેવાકીય પ્રવૃત્તિઓની સુગંધ આ વિસ્તારના પ્રત્યેક નાગરિકના મનમાં પ્રસરશે એ વિશ્વાસ છે . આ કોલેજને કારણે અંકલેશ્વર-હાંસોટના યુવાનો ઠાકોરભાઈની સ્મૃતિ તાજી કરશે .

ઠાકોરભાઈના વ્યક્તિગત , પારિવારિક , સામાજિક અને રાજનૈતિક વીરાસત એમના સુપુત્ર ઈશ્વરસિંહને પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થઈ છે . વિધાતા હંમેશા આ વીરાસતને આગળ લઈ જવા માટે પરિવારમાંથી કોઈ એક જ વ્યક્તિની પસંદગી કરે છે : જે ઈશ્વરસિંહ રૂપે આપણી સમક્ષ અત્રે વિદ્યમાન છે .

કોઈ શાયરે કહ્યું છે કે ,

वहाँ तूफान भी हार जाते है ,

जहाँ कश्तियाँ जिद पे होती है ।

સમાજને સમર્પિત શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા એક મૃતઃપાય કોલેજને સંજીવની આપીને ઉભી કરવાનું કામ થયું છે તે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે . આ રીતે ગ્રાન્ટસ-ઈન-એઈડ કોલેજ રૂપે નિર્વિવાદ " ટેકઓવર " નું કામ આ ટ્રસ્ટની સિદ્ધિ અને ધ્યેયપ્રાપ્તિને સુચવે છે . પિતાએ સેવેલું સ્વપ્ન પોતાના સુપુત્ર દ્વારા સાકાર થાય છે એ જોઈને પિતૃલોકમાંથી એમનો અમર આત્મા પોતાના માનવજીવનને ધન્ય ગણતો હશે .

આ પડકારથી ભરેલા સમયમાં સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની થોડી પંક્તિઓ યાદ કરીએ જે આપણા સૌ માટે માર્ગદર્શનનો દીપ પ્રગટાવશે .

बाधाएँ आती हैं आएँ

घिरे प्रलय की घोर घटाएँ

पाँवो के नीचे अंगारे

सिर पर बरसें यदि ज्वालाएँ

निज हाथों में हँसते हँसते

आग लगाकर जलना हो

गा

कदम मिलाकर चलना होगा ।