એકવીસમી સદીમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા
# જયશ્રી ચૌધરી
" નિરાશાઅે જ્યારે પણ ઘેર્યા ત્યારે ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે પ્રેમ અને સત્યનો સદા વિજય થયો છે. દુનિયામાં ઘણાં હત્યારા અને ત્રાસ આચરનારા વ્યક્તિઓ થઈ ગયા. ઘણીવાર એવું પણ લાગ્યું કે વિજય એમને જ મળશે પરંતુ અંતમાં તેમનો વિનાશ થયો. "
સત્યમેવ જયતે ! મહાત્મા ગાંધી...સત્ય, અહિંસા, પ્રેમ અને માનવતાના હકમાં આજીવન કાર્યશીલ રહેનારા મહામાનવ !
વીસમી સદીના ફલક પર પોતાના વિચારોનો પ્રભાવ છોડનારા મહાપુરૂષ મહાત્મા ગાંધીના વિચારો કેટલા પ્રભાવશાળી, અતુલ્ય અને સર્વકાલીન છે ?' મહાત્મા ગાંધી ' , ' બાપુ ' અને ગાંધીજી ના હુલામણા નામથી જાણીતા ભારત દેશના રાષ્ટ્રપિતા ગાંધીબાપુના જન્મને એકસો પચાસ વર્ષો વીતી ગયા. એકવીસમી સદીમાં ગાંધી વિચારો કેટલા પ્રસ્તુત છે તે એક પ્રશ્ન છે.
ગાંધીબાપુ અર્થાત્ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ ૧૨ સંવત ૧૯૨૫ ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના દાદા ઉત્તમચંદ ગાંધી મૂળ પોરબંદરના રહેવાસી હતા પરંતુ રાજકીય કારણોસર જૂનાગઢમાં આવી વસ્યાં હતાં તેમના પુત્ર કરમચંદ ગાંધીના લગ્ન પુતળીબાઈ સાથે થયા હતા. કરમચંદ ગાંધી સ્વભાવે કુટુંબ પ્રેમી ,સત્યપ્રિય અને ઉદાર હતા અને પુતળીબાઈ ધાર્મિક અને વ્યવહાર કુશળ સ્ત્રી હતા . તેઓના પુત્ર એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. ૧૩ વર્ષની વયે ગાંધીજીના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા . એક સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ પત્ની તરીકે કસ્તુરબા ગાંધીજી સાથે જીવનની દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા .
ગાંધી વિચારો
સત્ય અને અહિંસા
માનવતા
કોમી એકતા
ખાદી
અસ્પૃશ્યતા નિવારણ
દારૂબંધી
સ્વચ્છતા
ગ્રામ ઉદ્યોગો
રાષ્ટ્રભાષા
સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ
ખેડૂતલક્ષી વિચારો
વિદ્યાર્થીઓની પ્રગતિ માટેના વિચારો
ગાંધીજીના વ્રત વિચાર ' મંગળ પ્રભાત'
સત્ય અને અહિંસા
" મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય ઈશ્વર છે અને અહિંસા તેને પ્રાપ્ત કરવાનું સાધન. "
- ગાંધીજી
સત્ય અને અહિંસા બે એવા ગુણ છે જે દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જોઈએ. સત્ય અને અહિંસા આચરનાર વ્યક્તિ નિર્ભય હોય છે. સત્ય એ જ ઈશ્વર છે અને સત્યની તાકાત અગણિત છે. સત્યને વળગી રહેવું મુશ્કેલ જરૂર છે પરંતુ તેનું દૂરગામી પરિણામ હંમેશાં સારું હોય છે. સત્યને જીરવવું ઘણું મુશ્કેલ છે. ગાંધીજી માનતા હતા કે સત્ય જ પરમેશ્વર છે અને તેઓ કહેતા કે સત્યને પામવા માટે મારી પ્રિયમાં પ્રિય વસ્તુ છોડવી પડે તો હું એ પણ છોડી શકું છું.
આજે અસત્ય સત્ય ઉપર હાવી થતું જણાય છે પરંતુ સત્ય એ જ છે કે સત્ય સર્વોપરિ છે. આ વાસ્તવિકતા દરેક જણે સ્વીકારવી જોઈએ. સત્યનો રસ્તો અઘરો જરૂર છે ઘણી મુશ્કેલીઓ છે એમાં, થોડા સમયના સુખની લાલચમાં સત્યનો સાથ કદી છોડવો નહીં જોઈએ કેમ કે ઇતિહાસ સાક્ષી છે કે અસત્યનો વિજય ક્યારેય નથી થયો હંમેશાં સત્ય જ જીત્યું છે.
ગાંધીજી માનતા હતા કે સત્યની શોધ પણ પોતાના વિરોધી પર હિંસા આચરવાની પરવાનગી આપતું નથી.
જ્યાં પણ અન્યાય છે એનો વિરોધ થવો જ જોઈએ પ્રશ્ન એ છે કે વિરોધનું ઉદ્દેશ્ય પરિવર્તન છે કે બદલો કેમ કે દંડ આપવાનો અધિકાર એકમાત્ર ઈશ્વરને જ છે . એ વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ અને ઈશ્વરના નિર્ણયને આપણે હાથમાં ન લેવા જોઈએ અને ક્યારેય હિંસા ન આચરવી જોઇએ .
અહિંસાથી ગાંધીજીએ ભારતને સ્વતંત્રતા અપાવી અને આજે જુઓ તો અહિંસા વિલુપ્ત થઈ ગઈ જણાય છે. લોકોમાં ધીરજ અને સહનશક્તિ ખૂટી પડી છે . હિંસા સામે દરેક વ્યક્તિ હિંસા જ કરતો જણાય છે. લાેકાે અહિંસાનો માર્ગ પસંદ નથી કરતા. આજના સમયમાં અહિંસા ખૂબ જ આવશ્યક છે એકવીસમી સદીમાં જો યુદ્ધ થાય તો એનાથી થનાર નુકશાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જો સમગ્ર વિશ્વ અહિંસાને ધ્યાનમાં લઈને ચાલતું હોય તો સંરક્ષણ પાછળ જે નાણાં વપરાય છે એ દરેક દેશ પોતાના દેશના વિકાસ માટે વાપરી શકે તો ગરીબી ભૂખમરો બેરોજગારી દૂર થઇ શકે .
ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચાર એકવીસમી સદીમાં પ્રસ્તુત છે જ પરંતુ તમામ લોકોએ એ વિચારો જીવનમાં ઉતારવાની પણ જરૂર છે.
માનવતા
જીવનમાં સૌને ઉપયોગી બનું ;
અને કરું હું શ્રેષ્ઠ કર્મ .
કોઈ પૂછે મારા ધર્મ વિશે ;
અને કહું માનવતા મારો ધર્મ .
માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે ગાંધીજીના મત અનુસાર બીજાના દુઃખને આપણે પોતાનું દુઃખ સમજવું જોઈએ ભેદભાવ છોડીને માનવતા તેમજ નમ્રતાથી રહેવું જોઈએ.
માનવતા એ તો માણસ હોવાનું ગુણ છે જેનામાં માનવતા જ નથી રહી તેમને માણસ ઘણી જ ન શકાય
આજના સમયમાં લોકો ક્રૂર અને કપટી બન્યાં છે. માત્ર પોતાનો સ્વાર્થ જોતા થયા છે. લોકો બીજાની પીડા દુઃખ દર્દ જોઈ મદદની ભાવના નથી રાખતા. બીજાનું સુખ જોઈ નથી શકતા. ઉપરાંત બીજાને દુઃખ આપતાં, નુકસાન પહોંચાડતા થયા છે. આવા સમયે માનવતા કેળવવી ખૂબ આવશ્યક છે.
વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો આતંકવાદ વધ્યો છે. આતંકવાદીઓ ગમે તેમ લોકોની હત્યા કરી નાખે છે નિર્દયતાથી સ્ત્રીઓ અને બાળકો પર અત્યાચાર ગુજારે છે.
માનવતા એ તો ઈશ્વરે આપેલી ભેટ છે એને ક્યારેય ખોવવી નહીં જોઈએ .
માનવતાનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત અને આવશ્યક છે .
કોમી એકતા
ભારત એક સંગઠિત દેશ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે દરેક ધર્મના લોકો આ દેશમાં હળી મળીને રહે છે.
" હિન્દુ અને મુસલમાન મારી બે આંખો છે . "
ગાંધીજી
કોમી ધોરણો અને અલગ મતદાર મંડળો બ્રિટિશ સરકાર દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા જે આજે પણ દૂર નથી થઈ શક્યા.
દરેક વ્યક્તિને ઈશ્વરે બનાવી છે. કોમ, જાતિ આ બધું મનુષ્યે ઉભું કરેલું છે.
" પૂર્ણ સ્વરાજ એકતા વગર પ્રાપ્ત ન થઈ શકે ."
-ગાંધીજી
ગાંધીજી કહેતા હતા " મેં હું મુસલમાન ઔર હિન્દુ ભી હું ઈસાઈ ભી હું પર જયુ ભી હું ઔર વહી તુમ સબ હો. જબ તુમ ઝંડે લેકર ચિલ્લાતે હો તબ દૂસરે ભાઈ ઘબરા જાતે હૈ ઐસા હિન્દુસ્તાન નહીં ચાહિયે મુઝે. "
આજે આપણા દેશમાં અવાર નવાર કોમવાદ અને જાતિવાદને લીધે હિંસા ભડકી ઉઠે છે . સેંકડો નિર્દોષો ખુવાર થાય છે. દેશ સ્વતંત્ર થયો છે, પરંતુ પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવા માટે એકતા જરૂરી છે . ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. તેની સંસ્કૃતિ અને સંસ્કાર વિવિધ ધર્મના લોકોને પોતાનામાં સમાવવાની ઉદારતા ધરાવે છે. પરિણામે ભારત દેશ વિવિધ પ્રકારના ધર્મ અને સંપ્રદાય અપનાવવાની સ્વતંત્રતા આપે છે.
કોમી એકતાનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત અને આવશ્યક છે .
ખાદી
ખાદી માત્ર વસ્ત્ર નથી પણ વિચાર છે . ગાંધીજી માનતા હતા કે,
" ખાદીનો ઉપયોગ એટલે દેશના
વતનીઓની આર્થિક સ્વતંત્રતા
તેમજ સમાનતાની શરૂઆત. "
ખાદીનો અર્થ છે પૂરેપૂરી સ્વદેશી વૃત્તિ કેળવવી અને રાખવી. એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો દેશમાંથી અને ગામડામાં રહેનારી આમ જનતાની મહેનત તથા બુદ્ધિથી નિપજતી ચીજો વડે પૂરી કરવી.
ખાદીનો એક અર્થ થાય છે સ્વાશ્રયી બનવું, પોતાની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરવું. ખાદી એ આત્મનિર્ભરતા કેળવવા માટેનો તે સમયનો મુખ્ય વિચાર હતો.
આજે દેશમાં એક બાજુ અબજોપતિ વ્યક્તિઓ છે અને એક બાજુ જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુ પણ પ્રાપ્ત ન કરી શકતા લોકો પણ છે. કોળિયા જેટલા લોકો કરોડપતિ છે અને કરોડો ગરીબ છે. આપણે દેશમાં જ રોકાણ કરીએ દેશમાં જ બનાવેલા વસ્ત્રો પહેરીએ તો દેશના નાણાં પણ દેશમાં જ રહેશે અને દેશમાં આર્થિક સંતુલન બનશે.
એકવીસમી સદીમાં ખાદીનો વિચાર પ્રસ્તુત જરૂર છે. પરંતુ એને સંપૂર્ણપણે વળગી રહેવું અશક્ય છે.
અસ્પૃશ્યતા નિવારણ
ગાંધીજી કહેતા હતા કે, ગુલામી બે પ્રકારની છે :
(૧) સ્ત્રીઓની
(૨) અછૂતોની
સ્ત્રીઓની ગુલામી તો આજે ઘણે ભાગે દૂર થઈ ગઈ છે. પરંતુ ઉંચનીચ, જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા વિષયક માનસિકતાનું નિવારણ સંપૂર્ણપણે થઇ શક્યું નથી. એ પ્રકારની માનસિકતા દૂર કરવાની આજે ઘણી જરૂર છે.
આપણે અત્યાર સુધી એ વિચારોને સિંચ્યા છે જેને વર્ષો પહેલાં જડમૂળથી ઉખેડી નાખવાની જરૂર હતી.
અસ્પૃશ્યતાને કારણે હરિજન ભાઇઓ-બહેનોની બાકીના હિન્દુઓ પોતાનાથી બાદ રાખે છે. પરિણામે તેમણે રાક્ષસી અળગાપણું વેઠવું પડે છે. આવી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારતા લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓ હાથ ધરવી જોઇએ . તેના દ્વારા હકારાત્મક વાતાવરણ સર્જવું જોઇએ. સમાજમાં તેમનું પુનઃ સ્થાપન કરીને તેમને પણ ઉજ્જવળ ભવિષ્ય રચવાની તક આપવી જોઈએ.
અસ્પૃશ્ય નો અર્થ થાય છે જેને સ્પર્શી ન શકાય અને એ આપણા દ્વારા જ બનાવવામાં આવેલી સમાજ વ્યવસ્થા છે. જે લોકો ભેદભાવ સહન કરીને પણ જીવન ગુજારે છે એ અસ્પૃશ્ય છે કે એમને નિમ્ન કક્ષાના ગણનારી આપણી વિચારધારા અસ્પૃશ્ય છે ? દરેક મનુષ્ય સમાન હોવા જોઈએ ઉચ્ચસ્તર નિમ્નસ્તર એ બધી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી વ્યવસ્થાઓ છે . આજે આઝાદીના આટલાં વર્ષો પછી પણ આપણે એમાંથી મુક્ત નથી થઇ શક્યા. આપણા વિચારો હજુ પણ આઝાદી પૂર્વેના જ રહ્યાં છે.
આજે દરેક ક્ષેત્રમાં જાતિવાદ જોવા મળે છે. આપણે એને દૂર કરી એક થઈને રહેવાનું છે. " એક ભારત શ્રેષ્ઠ ભારત "નું સ્વપ્ન સાકાર કરવાનું છે.
અસ્પૃશ્યતા નિવારણનો વિચાર એકવીસમી સદીમાં પ્રસ્તુત છે અને ખૂબ જ આવશ્યક પણ છે.
દારૂબંધી
ગાંધીજી દારૂબંધીના હિમાયતી હતા. તેઓ માનતા કે,
દારૂબંધી સૌથી જરૂરી છે.
દારૂ અફીણના વ્યસનમાં સપડાયેલા લોકોને તેમાંથી મુક્તિ અપાવવી જોઇએ.
આસપાસ વ્યસની પીણાંને બદલે તંદુરસ્તી આપનારા પીણાં મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
દારૂ એ ટૂંકા સમયનું સુખ છે, દારૂ પીવાને કારણે વ્યક્તિ પોતાની પરિસ્થિતિ , પોતાનું દુખ થોડા સમય માટે ભૂલી જાય છે પરંતુ એનાથી હકીકત બદલાતી નથી. પોતાની કપરી પરિસ્થિતિઓમાં વ્યક્તિએ તેની સામે ઝઝૂમવું જોઈએ તેનાથી બચવા માટે દારૂ પીવાની ખોટી આદત પાડવી જોઈએ નહીં. દારૂ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે અને પૈસાનો પણ બગાડ કરાવે છે . એક વાર વ્યક્તિને દારૂ પીવાની આદત લાગી જાય છે તો એમાંથી છૂટવું ખૂબ જ મુશ્કેલ છે .
ભારત દેશમાં ગાંધીજીના ગુજરાતમાં તો દારૂબંધી છે. અને એના સારા પરિણામ પણ ગુજરાતના લોકોને મળતા રહ્યા છે. હા એકવીસમી સદીમાં દારૂબંધીનો વિચાર સંપૂર્ણપણે પ્રસ્તુત છે. કારણ કે વ્યસન વિનાશ નોતરે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. વ્યસન વ્યક્તિનું અને તેના પરિવારનું માનસિક અને શારીરિક અને આર્થિક પાસું નબળું કરે છે. આજે યુવાધન વિવિધ પ્રકારનો નશો કરે જે સરવાળે રાષ્ટ્ર માટે અહિતકર છે.
દારૂબંધીનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત છે અને તેનો અમલ કડક રીતે કરાવવામાં આવે એ પણ ખૂબ જરૂરી છે .
સ્વચ્છતા
" ગંદકી ગમે ત્યાં ના ફેલાવીએ
પ્રયાસ કરીએ સૌ સહિયારો,
સ્વાસ્થ્ય સૌનું સારું રહે
સ્વચ્છ રહે દેશ મારાે . "
દરેક વ્યક્તિએ સ્વચ્છતા રાખવી જોઈએ. કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ અને ગંદકી ફેલાવવી જોઇએ નહીં.
સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે . જ્યાં સ્વચ્છતા ન હોય ગંદકી ફેલાયેલી હોય એવી જગ્યાએ માનસિક શાંતિ મળતી નથી, મન અસંતુલિત થઈ જાય છે.
સ્વચ્છતા જીવનમાં ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે કેમકે સ્વચ્છતા તંદુરસ્તી સાથે જોડાયેલી છે . તંદુરસ્તીનો અર્થ થાય છે શારીરિક અને માનસિક બન્ને રીતે સ્વસ્થ રહેવું . સ્વચ્છતા ન રાખવાને કારણે ગંદકી ફેલાય છે. ગંદકીને કારણે રોગો ફેલાય છે અને લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. આ ગંદકીમાંથી ઘણાં બધા બેક્ટેરિયા, વાઇરસ, મચ્છર અને અનેક એવા જીવો ઉત્પન્ન થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આજે જોઈએ તો લોકોને ફિટ રહેવું છે પણ માનસિક સ્વાસ્થ્યની તેમને ચિંતા નથી. વ્યક્તિનું શારીરિક સાથે માનસિક રીતે સ્વસ્થ રહેવું પણ ખૂબ જ જરૂરી છે. આજે લોકોનું માનસિક આરોગ્ય કથળેલું છે. માનસિક અસ્વસ્થતાને કારણે આત્મહત્યા ,રેપ, લૂંટફાટ અને ઝઘડા જેવા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. જો મન નિરોગી હશે તો જ શરીર નિરોગી રહેશે. શુધ્ધ વિચારો કરવા મનમાંથી નક્કામાં મેલા વિચારો કાઢી નાખવાં એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
સ્વચ્છતાનો વિચાર એકવીસમી સદીમાં પ્રસ્તુત છે
ગ્રામ ઉદ્યોગો
ગાંધીજી માનતા હતા કે ભારત દેશ એ ગામડાઓનો બનેલો દેશ છે .
આજે સરકાર દ્વારા ગ્રામ ઉદ્યોગો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે જે બિલકુલ સરાહનીય છે તેનાથી ગ્રામ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. દેશની આર્થિક સધ્ધરતા માટે ગ્રામ ઉદ્યોગો ખૂબ મહત્વનો ફાળો ભજવે છે કારણ કે ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે . ગ્રામ ઉદ્યોગો સ્થાપીને ગામના લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ . ગામને આર્થિક રીતે સધ્ધર કરવા માટે ગ્રામ ઉદ્યોગો આવશ્યક છે .ગામડા વિકસિત થશે, શહેર વિકસિત થશે અને અંતે દેશ વિકસિત થશે. આજે દેશને ૬૮% વસ્તી ગામડામાં વસે છે અને ખેતી પર નિર્ભર છે. ખેતી આધારિત ગ્રામ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ .
એકવીસમી સદીમાં ગ્રામ ઉદ્યોગોનો વિચાર પ્રસ્તુત છે અને દેશના વિકાસ માટે આવશ્યક પણ છે .
રાષ્ટ્રભાષા
" અનેક ભાષા અનેક બોલી
અનેક છે પ્રદેશ
હિન્દી મારી રાષ્ટ્રભાષા
જેનાથી ઓળખાય મારો દેશ "
ભારતમાં અનેક પ્રકારના લોકો વસે છે અને વિવિધ પ્રકારની ભાષાઓ અને બોલીઓ બોલે છે. ગાંધીજી માનતા હતા કે સમગ્ર દેશ માટે એક સામાન્ય ભાષા હોવી જરૂરી છે જેને દરેક લોકો સમજી શકે. ભાષાથી સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા જળવાય છે. આજે જુઓ તો લોકો અંગ્રેજી માધ્યમ પાછળ ઘેલા થયા છે જ્યાં જુઓ ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલી રહી છે. પારકી ભાષા શીખવામાં વિદ્યાર્થીઓ પોતાના કેટલાક કિંમતી વર્ષો ગુમાવી દે છે . અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે એના માટે અંગ્રેજી માધ્યમની શાળાઓની જરૂર નથી . આપણે વિકાસશીલ દેશ છીએ. બીજા દેશો સાથે વ્યાપાર વ્યવહાર માટે આપણને અંગ્રેજી ભાષા ખૂબ ઉપયોગી અને આવશ્યક છે પરંતુ એના માટે આપણે આપણી રાષ્ટ્રભાષા ભૂલવી જોઇએ નહીં. જાપાન ,જર્મની એવા ઘણા દેશો છે જેમણે અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાનો સ્વીકાર કર્યો નથી અને પોતાના દેશમાં પોતાની જ ભાષાથી વ્યવહાર રાખ્યો છે અને એ દેશો આજે વિકસિત પણ બની ગયા છે.
ટેલિવિઝન ફિલ્મો જોઈને આપણે હિન્દી બોલતા જરૂર શીખ્યા છે પરંતુ અભ્યાસમાં આપણને એની વિશે એટલું જ્ઞાન નથી. હિન્દી માત્ર દેશના કેટલાક ચોક્કસ વિસ્તાર માટે જ નથી. સમગ્ર દેશે તેને પદ્ધતિસર શીખવાની અને શીખવાની જરૂર છે. દેશના દરેક રાજ્યોમાં તેમની રાજ્ય ભાષા સાથે હિન્દી ભાષા પણ પદ્ધતિસર શીખવવી જોઈએ. દેશના દરેક નાગરિક રાષ્ટ્રભાષાને વ્યવસ્થિત રીતે જાણતા હોવા જોઈએ.
રાષ્ટ્રભાષા અંગેનો ગાંધીજીનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત છે અને એને યોગ્ય રીતે આચરવો જોઈએ .
સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ
ગાંધીજી માનતા હતા કે સ્વદેશી વસ્તુના ઉપયોગથી લોકો આર્થિક રીતે સધ્ધર થશે અને આર્થિક અસમાનતા દૂર થશે.
વિદેશી રીત ભાતની નકલની આપણે આપણી પ્રગતિ કઈ રીતે માની શકીઅે!
આજે જ્યાં જુઓ ત્યાં બધી જ જગ્યાએ વિદેશી વસ્તુઓ જોવા મળે છે. સ્વદેશી વસ્તુનાે ઉત્પાદન ખર્ચ ઘણીવાર વધી જાય છે જેથી તેમનો ભાવ વધારે હોય છે અને તેની સામે ગુણવત્તા વગરની વિદેશી સસ્તી વસ્તુઓ હોય છે. એક બૌદ્ધિક નાગરિક તરીકે આપણે વિચારવું જોઈએ કે એક જ ઉત્પાદનના બે અલગ અલગ ભાવ શા માટે છે ! વિદેશી વસ્તુ ખરીદીને આપણે આપણા જ દેશના નાણાં બીજા દેશમાં શા માટે મોકલીએ સ્વદેશી ખરીદીને આપણા જ દેશને આર્થિક રીતે સધ્ધર ન કરીએ !
આ બધા વિચારોની સામે એક હકીકત એ પણ છે કે માત્ર અને માત્ર સ્વદેશી વસ્તુઓનો જ સંપૂર્ણપણે ઉપયોગ આજે શક્ય નથી . એક જાગૃત નાગરિક તરીકે આપણે વધુ વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
૨૧મી સદીમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાનો ગાંધીજીનો વિચાર બિલકુલ પ્રસ્તુત છે પરંતુ સંપૂર્ણપણે અમલમાં નથી અને સંપૂર્ણપણે અમલમાં લાવવું પણ અશક્ય છે .
ખેડૂતલક્ષી વિચાર
ખેડૂતને જગતનો તાત ગણવામાં આવે છે .
ગાંધીજીના સમયે અંગ્રેજો દ્વારા ખેડૂતોની જમીન લઇ લેવામાં આવી હતી. તેમની પોતાની જ જમીન માટે તેઓ પાસેથી કર વસૂલવામાં આવતો હતો. જો ખેડૂતો કર ભરી ન શકે તો અંગ્રેજો કરના બદલામાં તેમનાે ઘર વખરીનો સામાન, ઘર અને બીજી મૂલ્યવાન વસ્તુઓ લઈ જતા હતા. તે સમયે ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો જે હિંદ સ્વરાજ મેળવવા માટે કરવામાં આવેલ મહત્વનાે સત્યાગ્રહ હતો .
સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો ખેડૂતોએ સજીવ ખેતી તરફ ગતિશીલ થવું જોઈએ . આજના સમયે ઝેરી દવા અને રાસાયણિક ખાતર વાપર્યા વગર ખેતી કરવી ખૂબ જ આવશ્યક બની છે કારણ કે ઝેરી દવા અને રાસાયણિક ખાતરોને કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે, લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું છે ,જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. આજના સમયે પશુ સંવર્ધનને પણ મહત્વ આપવું જોઈએ. દુધાળા પશુઓ પાડવા જોઈએ જેમની મદદથી દૂધ, દહીં, ઘી જેવી વસ્તુઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત દેશી ખાતર પણ જમીનની ફળદ્રુપતા વધારવામાં કામ લાગી શકે છે.
આજના સમયે ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળવા જોઈએ . ઘણી બધી વાર થતાં આબોહવા પરિવર્તનને કારણે ઘણીવાર પાક નિષ્ફળ જાય છે તે સમયે ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા કરી લે છે આવા સમયે સરકારે અને દેશના દરેક લોકોએ ખેડૂતની સાથે ઉભા રહેવું જોઈએ અને તેમને આમ કરતા અટકાવવા જોઇએ. આવા સમયે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓ ઘણી જ સહાયક નીવડતી હોય છે. દરેક વ્યક્તિના જીવનનો આધાર ખેડૂત પર છે જ .
ખેડૂતોના હિતમાં ગાંધીજીના વિચારો ખૂબ પ્રસ્તુત છે .
વિદ્યાર્થીઓ માટે ગાંધીજીના વિચારો
બાળપણમાં ગાંધીજી માનતા કે કસરતને શિક્ષણ સાથે સંબંધ નથી. પરંતુ મોટપણે તેમના વિચારો બદલાયા. તેમણે માન્યું કે વ્યાયામ , શારીરિક કેળવણીને પણ વિદ્યાભ્યાસમાં સ્થાન આપવું જોઇએ.
તેઓ બાળપણમાં એવું પણ માનતા કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી પરંતુ તેમણે જ પછી કહ્યું કે ,
" નઠારા અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે "
ગાંધીજી
ગાંધીજી માનતા હતા કે ,
વિદ્યાર્થીઓએ રાજકારણમાં કે કોઇ પક્ષમાં ન પડવું. કારણ કે તેઓ વિદ્યા ખોળનારા અને જ્ઞાન શોધનારા છે.
રાજકીય હડતાળો ન પાડવી .
ત્રિરંગી ધ્વજનું સંદેશ જીવનમાં ઉતારી, કોમવાદ કે અસ્પૃશ્યતાને પેસવા ન દેવી.
દર અઠવાડિયે પોતે નવું શીખે ત્યાં આસપાસના ગામમાં શીખવાડવું.
પોતાની વિદ્યાર્થી બહેનો સાથે સ્વચ્છ અને સભ્યતા વાળું વર્તન રાખવું .
ગાંધીજીના માર્ગદર્શન હેઠળ આઝાદી સમયે કેટલાક યુવાનોએ મુક સેવકનું વ્રત લઇને દેશના પછાત વિસ્તારોની સેવા કરી અને પોતાનું જીવન સમર્પિત કર્યું . ગાંધીજીએ આપેલા વારસાને આજની યુવા પેઢીએ જાળવવી જોઈએ અને કેટલાક ચોક્કસ નિયમો પાળવા જોઈએ .
પોતાના જ્ઞાનનો ઉપયોગ નબળા વર્ગોના ઉત્થાન માટે કરવાની ભાવના જગાડવી જોઈએ.
આળસનો ત્યાગ કરીને સ્વાશ્રયી બનવું જોઈએ.
સ્વચ્છતા રાખવી જોઈએ અને વિકાસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ .
વિદ્યાર્થીઓએ રચનાત્મક કાર્યો કરવા જોઇએ .
પોતાનામાં રહેલી રચનાત્મકતાનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવાે જોઈએ .
વિદ્યાર્થીઓ દેશની એ મૂડી છે જે દેશને ઉન્નત કરવામાં વિકસિત કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે .
આજે જોઈએ તો વિદ્યાર્થીઓ જ્યાં ત્યાં રાજકીય સંગઠનોમાં જોડાઈ રહ્યા છે. રાજકીય હડતાળમાં તેમને મદદરૂપ થાય છે અને હિંસક પ્રવૃત્તિઓ પણ આચરે છે. વિદ્યાર્થીઓ તો દેશનું યુવાધન છે વિદ્યાર્થીએ વિચારવું જોઈએ કે તે કઈ રીતે પોતાના પરિવાર, ગામ, શહેર અને રાષ્ટ્રને આગળ લાવી શકે છે અને એ જ રીતે રાજકીય સંગઠનોએ પણ વિચારવું જોઈએ કે પોતાના ફાયદા માટે તેઓએ વિદ્યાર્થીઓનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે નુકસાન તો છેવટે રાષ્ટ્રને જ છે . આ ઉપરાંત વિદ્યાર્થીઓ મનોરંજનમાં ખોવાઈ ગયેલા જણાય છે વિદ્યાર્થીઓએ પોતાના ફ્રી સમયમાં નવું શીખવાનું છે, જાણવાનુ છે નહીં કે પોતાના સમય વેડફવાનો છે.
વિદ્યાર્થીઓ અંગેના ગાંધીજીના વિચારો એકવીસમી સદીમાં પ્રસ્તુત છે .
ગાંધીજીના વ્રત વિચાર ' મંગળ પ્રભાત'
ગાંધીજીએ 'મંગળ પ્રભાત' માં વિવિધ વ્રતોની વાત કરી છે. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય ,અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મસમભાવ , નમ્રતા અને સ્વદેશી વ્રતનો ઉલ્લેખ કર્યો છે.
ભારત એ ભોગવાદી દેશ નથી. આપણી સંસ્કૃતિ ત્યાગને મહત્વ આપે છે. ત્યાગીને ભોગવી જાણવાની વાત કરે છે. ભોગ વિલાસની સત્ય ક્યારેય પ્રાપ્ત નથી થતું . બ્રહ્મચર્ય મન વચન અને શરીરથી પાડવાનું હોય છે .ગાંધીજી માનતા હતા કે જનેન્દ્રિયવિકારનો વિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એ અધૂરી અને ખોટી વ્યાખ્યા છે. વિષયમાત્રનાે નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ભણવા દે એક જ ઈન્દ્રને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે.
બ્રહ્મચર્યનો મૂળ અર્થ છે બ્રહ્મની-સત્યની શોધમાં ચર્યા એટલે કે તેને લગતો આચાર. બ્રહ્મચર્યનો વિશેષ અર્થ છે સર્વેન્દ્રિયસંયમ.
અસ્વાદ એ બ્રહ્મચર્યની સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવે છે.સ્વાદ એટલે સ્વાદ ન લેવાે. અસ્તેયનો અર્થ થાય છે ચોરી ન કરવી . અપરિગ્રહ એટલે વસ્તુનો ખોટી રીતે સંચય ન કરવો.અભય એટલે બાહ્ય ભયમાત્રથી મુક્તિ. જાત મહેનત મનુષ્ય જાત માટે ખૂબ જ અનિવાર્ય છે . સર્વધર્મસમભાવ આપણને બીજા ધર્મ પ્રત્યે સમભાવ અને આદર રાખવાનું શીખવે છે. આ વ્રતમાં નમ્રતા એક વિશેષ સ્થાન ધરાવે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં નમ્રતા કેળવાવી જ જોઈએ.
આ બધાં વ્રતો બ્રહ્મચર્ય સાથે જોડાયેલા છે ૨૧મી સદીમાં આ તમામ વ્રતોની ખૂબ જ આવશ્યકતા છે. આજે જોવામાં આવે તો અવૈધ સંબંધો વધ્યા છે. યુવાનો પણ ભોગ વિલાસ તરફ જતા જણાય છે . ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ વધ્યા છે. લોકો સંગ્રહખોરી કરતા જણાય છે .
૨૧મી સદીમાં ગાંધીજીના 'મંગળ પ્રભાત' ના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જે દેશની કરોડરજ્જુ યુવાનો છે અે યુવાનોના ઘડતરમાં આ વ્રતો પાયાનો ભાગ ભજવશે જો એમને અપનાવવામાં આવે તો.
ઉપસંહાર
ગાંધીજીમાં ભારતીય હોવાનો ગર્વ અને દેશ પ્રત્યે સમર્પણ ભાવ હતા. દેશને ઉન્નત કરવાની જવાબદારી એમણે મક્કમપણે નિભાવી. ગાંધી વિચારો ખુમારીથી જીવતા શીખવાડે છે અને આ વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજના યુવાનો પાસે કોઈ આદર્શ નથી જો તેઓ ગાંધીજીને અને ગાંધી વિચારોને પોતાનો આદર્શ માને તો નિશ્ચિતપણે એક ઉન્નત ભારતનું નિર્માણ થઈ શકે.
ગાંધીજીના વિચારો દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ, બંધુત્વ, સમાનતા માટે માત્ર આજે જ નહીં હંમેશા પ્રસ્તુત હતા, છે અને રહેશે કારણ કે ગાંધીજી માત્ર વ્યક્તિ ન હતા પરંતુ એક જીવંત વિચાર હતાં જે માનવતા અને બંધુત્વની લાગણીને ઉન્નત કરી શકે.
ગાંધી વિચાર ૨૧મી સદી માટે આદર્શ પુરવાર થઇ શકે છે.