દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.
- દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉધ્ધવ, ગોપી અને કૃષ્ણ તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદો પણ નાટયાત્મક શૈલીેએ રજૂ થાય છે.
દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉધ્ધવ, ગોપી અને કૃષ્ણ તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદોની નાટયાત્મક શૈલીેએ રજૂઆત
'ગરબી કવિ' દયારામ એ આપણો મધ્યકાલીન સાહિત્યનો અંતિમ, તેજસ્વી પ્રતિનિધિ સર્જક છે.
બાળપણથી જ કૃષ્ણભક્ત એવા દયારામનો જન્મ ઈ.સ. ૧૭૭૭માં નર્મદા કિનારે ચાણોદ ગામના સાઠોદરા નાગર કુળમાં થયો હતો. શુધ્ધાદ્વૈતનો પંડિત અને ભગવદ્ ભક્ત દયારામ શ્રીકૃષ્ણનો સમર્પણી ભક્ત હતો અને એટલે જ એણે આજીવન મીરાંની જેમ શ્રીકૃષ્ણને જ પોતાનો પ્રિયતમ માનીને દાસીભાવથી તેની ભક્તિ કરી હતી.
'બ્રાહ્મણ-ભક્ત વિવાદ', 'રૂકમણીસીમંત', 'સત્યભામા વિવાદ', 'અજામિલ આખ્યાન', 'શ્રીહરિ ભક્તિ ચંદ્રિકા', 'ગરૂડ-હનુમાન સંવાદ', 'શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમંજરી' તથા 'શ્રીકૃષ્ણસ્તવન ચંદ્રિકા' જેવી અનેક રચનાઓ રચી છે.
પરન્તુ એની મોટાભાગની રચનાઓમાં દયારામે પુષ્ટિસંપ્રદાયનો વેદાંતમત, શુધ્ધાદ્વૈત કે જેને આપણે બ્રહ્મવાદ પણ કહી છીએ તેનું તથા એ સંપ્રદાયના ભક્તિ સિધ્ધાંતનું નિરૂપણ કર્યું છે.
દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉધ્ધવ, ગોપી અને કૃષ્ણ તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદોની નાટયાત્મક શૈલીેએ રજૂઆત થઈ છે.
જો કે, દયારામ રચિત કૃષ્ણકીર્તનાત્મક સાહિત્યમાં કાવ્યદ્રષ્ટિએ સૌથી આકર્ષક એની ગરબીઓ છે. એમાં દયારામની પ્રતિભા એક ઊર્મિકવિ રૂપે વિશેષ દીપી ઉઠે છે. ઠેર ઠેર શ્રીકૃષ્ણલીલાવિષયક અદ્ભૂત વર્ણનોથી શોભતી 'સારાવલિ', 'બાળલીલા', 'પત્રલીલા', 'કમળલીલા', 'રાસલીલા', 'રૂપલીલા', 'મુરલીલીલા' અને 'દાણચાતુરી' જેવી એની કૃતિઓમાં દયારામ વિશેષ ખીલે છે. આ ગરબીઓનો મુખ્ય વિષય પણ રાધા અને ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિ અને શ્રીકૃષ્ણની એમની સાથેની લીલા છે. એમાં દયારામે ભાગવતનું સમગ્ર વ્રજ ઊભું કરી દીધું છે. દયારામે સ્વયં જ ગોપીઓ સાથે તાદાત્મ્યભાવ અનુભવી પોતે જ એવી કૃષ્ણઘેલી વ્રજાંગના બનીને એની કૃષ્ણરતિ વિવિધ ભાવોથી મન ભરીને ગાઈ છે. એનું અંગે અંગ અનન્ય સૌંદર્યથી સભર છે, એવા શ્રીકૃષ્ણની મોહકતાથી આકર્ષાયેલી ગોપી પોતાના મનોભાવોને આ રીતે પ્રગટ કરે છે જેમ કે,
તારૂં હસવું જાણે વરસે મીઠડાં ફૂલ
- શોભા સલુણા સ્યામની તું જો ને સખી શોભા સલુણા શ્યામની
- કિયે ઠામ મોહિની ન જાણી રે મોહનજીમાં
- કામણ દીસે છે અલબેલા તારી આંખમાં
આવા ગરબી પદોમાં કૃષ્ણનાં સૌંદર્યનું અદ્ભૂત વર્ણન થયું છે. તો કેટલીક ગરબીઓમાં તો સૂરજ ઉગવાની સાથે જ કૃષ્ણના મુખારવિંદના દર્શન ઈચ્છતી ગોપીઓ તેને મળવા કેટલી બધી ઉત્સુક છે, અને તેમની કૃષ્ણમિલનની ઝંખનાને રસોત્કટ વાણીમાં પ્રગટ થાય છે, જેમ કે -
- સામું જો નંદના છોગાળા, મારૂં ચિત્તડું ચોરણવાળા
- ઘેલી મુને કીધી શ્રીનંદજીના નંદે,
- ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ,
- ઓરો આવને સલૂણા હરિ શામળા જો
- મારૂં મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ કાળા
- કાનુડો કામણગારો રે, સાહેલી કાનુડો કામણગારો
શ્રીકૃષ્ણના મોહક સૌંદર્યથી આકર્ષાયેલી કુંવારી કન્યા સમ ગોપી હવે કૃષ્ણનો વિરહ સહી ન શકતાં તે બધી જ સામાજીક કે સ્ત્રીસહજ લજ્જા ત્યાગીને પોતાની માતા સમક્ષ પોતાનું મન રજૂ કરતાં કહે છે કે,
- નંદનો કુંવર પરણાવ રે હો માડી મુને નંદનો કુંવર
- માડી નંદનો કુંવર મારી કેડે પડયો છે
દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉધ્ધવ, ગોપી અને કૃષ્ણ તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદો પણ નાટયાત્મક શૈલીેએ રજૂ થાય છે. એમની ઘણી ગરબીઓ નાટયાત્મક કે પાત્રલક્ષી ઊર્મિકાવ્યો બને છે, જેથી તેની ગરબીની દરેક પંક્તિઓ ગોપીહૃદયની સચોટતા અને નિર્મળતા પ્રગટ કરે છે. સતત કૃષ્ણની કેડે બંધાયેલી કે મુખ ઉપર બિરાજમાન વાંસળીને જોઈને ગોપી સહજ રીતે ઇર્ષ્યાભાવ અનુભવીને વાંસળી ઉપર આરોપ મૂકે છે કે -
- પીજો અધરામૃત પિયુતણું તું વાંસલડી
- માનીતી તું છે મોહન તણી હો વાંસલડી
- અમારે શોક્ય સરખી તું સાલ રે હો વાંસલડી
તો સામે વાંસલડી પણ કૃષ્ણએ પોતાને આપેલા આ સન્માન બદલ એના આરોપનો જવાબ આપે છે કે,
મારે અંગે વાઢ વઢાવિયાં, વળી એ સંઘાડે ચડાવિયાં
તે ઉપર છેદ પડાવિયાં ઓ વ્રજનારી રે
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કો માં શિરોમણિ કીધી.
આમ આ ગરબીઓમાં જેમ કૃષ્ણ-ગોપીનો પ્રણયાનુરાગ સોળે કળાએ ખીલ્યો છે તો ક્યાંક કૃષ્ણની પ્રિય આ ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો રિસામણાંનો ભાવ પણ સુંદર રીતે પ્રગટ થયો છે જેમ કે,
- હાવાં હું સખી નહિ બોલું રે નંદકુંવરની સંગે,
- શ્યામ રંગ સમીપે ના જાવું મારે આજ સખી
- કાનકુંવર કાળા છો અડતાં હું કાળી થઈ જાઉં.
આમ, આ ગરબીઓમાં વિલાસી કલ્પનાથી રાધા-કૃષ્ણ અને ગોપીઓના શૃંગારને લગતી વિવિધ પરિસ્થિતિઓને સર્જીને દયારામે પોતાના પ્રિયતમની લીલા અને કૃષ્ણમય વ્રજાંગનાઓના વિવિધ મનોભાવોને મન ભરીને ગાયાં છે. નાનાં કદમાં સઘનતાથી રજૂ થતી કૃષ્ણમય ગોપીઓના હૈયાની સુકુમાર અને રસભર ભાવોર્મિઓ છે. ટૂંકમાં દયારામની આ ગરબીઓમાં એની કવિતા, રસિકતા, ચિત્ર નિર્માણ કૌશલ્ય તથા શબ્દપ્રભુત્વની વાસ્તવમાં પ્રતીતિ થાય છે અને એટલે જ દયારામ આપણી મધ્યકાલીન વૈષ્ણવ ભક્તિ કવિતાનું ઉચ્ચ શિખર ગણાયો છે.
જીવન
દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.
તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.
વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા.
કૃતિઓ
એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું.
(1) ‘દયારામ રસસુધા’
(2) ‘રસિક વલ્લભ’
(3) ‘પ્રબોધબાવની’
(4) અજામિલાખ્યાન’
વ્રજભાષામાં લખેલી કૃતિઓ
(1)‘વસ્તુવૃંદદીપિકા’
(2) સતસૈયા’
(3)‘પિંગલસાર’
(4)‘કૌતુકરત્નાવલિ’
દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે.[૩] તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.
દllયારામ (૧૭૭૭–૧૮૫૨) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સંત કવિ હતા.
તેમણે મુખ્યત્વે 'ગરબી', 'પદ', 'પ્રભાતિયા' વગેરે રચનાઓ કરી.
દયારામના સાહિત્યમાં કૃષ્ણભક્તિ, પ્રેમ, સ્નેહ અને માનવતાની ભાવનાઓ છે.
લોકભાષા અને લોકછંદોનો ઉપયોગ કરીને તેમણે સાહિત્યને જનમાનસ સુધી પહોંચાડ્યું.
દયારામના ગરબીમાં લોકજીવન, લોકસંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવનાઓનું સુંદર પ્રતિબિંબ જોવા મળે છે
દયારામની સાહિત્યસેવા
તેમની કેટલીક જાણીતી કૃતિઓ:
(1) શ્યામ રંગ સમીપે ન જાઉં
હવે સખી નહીં બોલું,
ઓ વ્રજનારી!
શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે….
કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….
મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે…
(2) ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.
ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..
સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને
નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને
થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને
તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને
દયારામની ગરબીઓ માત્ર મધ્યકાલીન નહીં, સર્વકાલીન ગુજરાતી ગીતોનો સરતાજ છે. દયારામની ગરબી એમની બેવડી પ્રાસરચના -આંતરપ્રાસ તથા અંતર્પ્રાસ- ના કારણે સવિશેષ ધ્યાન ખેંચે છે. કિયા ઠામે મોહિની ના જાણીનો પ્રશ્ન રાધિકા જ્યારે દૃઢાવે છે ત્યારે એ પોતે પણ જાણે જ છે કે મોહિની કયા-કયા ઠામમાં છે પણ આ મિષે એ લાડલાને બે ઘડી લાડ કરવાની તક જતી કરે એમ નથી…
(3) એક ખૂબસૂરત ગબરુ ગુલઝાર સાંવરા !
એક ખૂબસૂરત ગબરુ ગુલઝાર સાંવરા !
તારીફ ક્યા કરું ઉસકી ? હે સબ ભાંત સે ભલા !
ઈસ નગર કી ડગર મેં મેરા ચિત્ત ચૂરા ચલા,
કહતી થી સબ આલમ યે હય નંદ કો લલા.
દેખી મુઝે નિધા કર તબસોં એ દુ:ખ ફેલા,
ચિતવન મેં કછૂ ટોના, કોઈ કછુ કલા.
અનંગ આગ લગી વે તન જાત હય જલા,
જીય જાયગા જરૂર સૈંયા ! સજન નહિ મિલા.
બૂઝતી જો મેં ઐસા, દર્દ બિરહ હય બલા,
તો મેં ઉસી પલક જાય પકરતી પલા.
મિલાઓ કોઈ મહેબૂબ ! દુસરી ન હય સલા,
દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.
ઘણા ગુજરાતી કવિઓ વ્રજભાષામાં નોંધપાત્ર કામ કરી ગયા છે. દયારામ એમાંના એક. એમનું આ પદ ખૂબ જાણીતું છે. બધી રીત બધાથી નોખા સાંવરિયાની પ્રીતિ દયારામ ગોપીભાવે કરે છે. નંદના લાલાએ એક જ નજરમાં કવિના ચિત્ત પર ન જાણે શું જાદુ-ટોણો કર્યો છે કે હવે અંગ-અંગમાં જો સાજન નહીં મળે તો જીવ જાય એ હદે કામની આગ પ્રજ્વળે છે. કોઈ કવિને એના પ્રીતમ પ્રેમી સાથે હવે મેળવી આપો, નહિંતર ગળું કાપીને મરવું પડશે…
(4) ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.
મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢ-તડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મહેર આણિ મનમાં, ઓ વ્રજનારી !
હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખ-દુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !
મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !
માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !
વ્રજની ગોપીઓ દયારામની એક ગરબીમાં કૃષ્ણ વાંસળીને પોતાના કરતાં વધુ વહાલ કરે છે એમ માનીને ‘વેરણ’ અને ‘શોક’ કહી બોલાવે છે એનો પ્રત્યુત્તર વાંસળી આ ગરબીમાં આપે છે. વાંસલી વ્રજનારીને કહે છે કે અમને નહક આળ ન દે. અમારા આગલા જન્મોના પુણ્ય છે. અમે વનમાં ટાઢ-તડકો-મેઘઝડીઓ ખુલ્લા ડિલે મનમાં સુખ-દુઃખ આણ્યા વિના ઝીલ્યાં છે. અંગે કાપા પડાવ્યા, સંઘાડે ચડ્યા અને પછી કાયામાં છીદ્રો પડાવ્યાં ત્યારે મુરારીએ મને હોઠવગી કીધી છે.
(5)કિયે ઠામે મોહની ન જાણી રે,
કિયે ઠામે મોહની ન જાણી રે,
. મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo
ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં
. કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo
ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં
. કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo
શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં
. કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo
કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં
. કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo
ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં
. કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo
દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે
. તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીo
ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. અત્યંત મનોહર ભાષામાં મુગ્ધ ગોપી અહીં કામદેવથી ય રૂપાળા મોહનનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણના કયા અંગમાં કે ગુણમાં એનું ખરું આકર્ષણ છે એ જાણે અહીં ગોપી શોધવાની કોશિશ કરી રહી છે અને અંતે ‘અખિલમ્ મધુરમ્’નો કાયદો સ્વીકારી લઈ તન-મન-ધનથી એના પ્રેમમાં લૂંટાઈ બેસે છે એ આખી રીતિમાં દયારામનું કવિત્વ એના સુભગ રૂપે પ્રકટ્યું છે. મટક-લટક, કેશ-વેશ, નેન-સેન જેવા મધ્યાનુપ્રાસ ગરબીને મીઠી ગાયકી બક્ષે છે.
(6) લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો
“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો
“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો
“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો
“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો
“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો
મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો
એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો
દયારામની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ એમની ગરબીઓ
દયારામની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ એમની ગરબીઓમાં જણાય છે. જનહૃદયને સર કરતી, ભક્તિ અને શૃંગાર બંને રસનાં પૂર વહાવતી રસેશ્વર કૃષ્ણની લીલાઓ નિરૂપતીં ગરબીઓમાં વાણીમાધુર્ય અને ભાષાપ્રભુત્વ સાથે સંગીતનું માધુર્ય ભરેલું છે. તેનાથી કવિને લોકપ્રિયતા મળી અને ગુજરાત ગીતસમૃદ્ધ બન્યું.
ઊર્મિગીતોમાં ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિ
ઊર્મિગીતોના આ કવિએ ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિને આલેખતાં ભાગવતનું વ્રજ ઊભું કરી દીધું છે. ગોપીઓનાં ભાવસંવેદનો, નંદકુંવરનું અમોઘ આકર્ષણ, પનઘટ પરનાં અડપલાં, ઠપકાનાં વેણ, સલૂણા છેલ કૃષ્ણને નિમંત્રણ વગેરેની ગૂંથણીથી ગરબીઓ મોહક બની છે. ‘વાંકું મા જોશો વરણાગિયા, જોતાં કાળજડામાં કાંઈ કાંઈ થાય છે’; ‘મારું મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ કાળા’; ‘ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને’ વગેરે પંક્તિઓમાં લયમાધુર્ય ઉપરાંત કવિની રસિક કલ્પના જોવા મળે છે. પ્રિયતમ સાથે ગોપીનાં લાડ અને રિસામણાં, વિનોદપૂર્ણ ચાટૂક્તિઓ, શ્રીકૃષ્ણનું દાક્ષિણ્ય અને કૃષ્ણવિરહની મર્મવેધક વ્યથા વગેરેનું સરસ આલેખન કરતી ગરબીઓ નાટ્યાત્મક ઊર્મિકાવ્યોના પ્રકારની છે. ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો ?’; ‘પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર, પ્રેમની પીડા’ વગેરેમાં દયારામનાં કવિત્વ, રસિકતા, ચિત્રનિર્માણકૌશલ અને શબ્દપ્રભુત્વની પ્રતીતિ થાય છે.
રાધા અને ગોપીઓની કૃષ્ણ માટેની પ્રેમભક્તિ
તિથિઓનાં બે પદ અને બારમાસીની ત્રણેક કૃતિઓમાં પણ રાધા અને ગોપીઓની કૃષ્ણ માટેની પ્રેમભક્તિ જ રજૂ થાય છે. દયારામની અન્ય રચનાઓમાં સંસ્કૃત કવિતાનાં રસાલંકાર અને વાણીવૈભવ દર્શાવતું ‘ષડ્ઋતુવર્ણન’ અને જશોદાના વાત્સલ્યભાવવાળું ‘પારણું’ ગણનાપાત્ર છે. ‘વિજ્ઞપ્તિ-વિલાસ’નાં પદો દયારામને દીન ભક્ત રૂપે અને ‘મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી’ એ પદ જ્ઞાની ભક્તની છબી રજૂ કરે છે, ‘જેવો તેવો હું દાસ તમારો’, ‘કરુણાસિંધુ ગ્રહો કર મારો’, ‘કૃપાસિંધુ કહાવો રે, કૃપા મને ક્યમ ના કરો?’ વગેરે પ્રાર્થનાઓ ભક્ત હૃદયનો સાચો પોકાર સંભળાવે છે. આ ભક્તકવિ પ્રેમાંશી જનોનું ગૌરવ કરે છે. ‘જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’; ‘પ્રગટ મળ્યે સુખ થાય, શ્રી ગિરધર પ્રગટ મળ્યે સુખ થાય’. ‘તાશી જન’ અને ‘ભગવદી’નાં લક્ષણો દર્શાવતાં પદો પણ દયારામે લખ્યાં છે
ઉપસંહાર
"દયારામને મન કવિતા તો સાધન છે જ્યારે સાધ્ય તો શ્રીકૃષ્ણભક્તિ છે. શુદ્ધાદ્વૈતના ભક્તિસિદ્ધાન્તનું નિરૂપણ અને માયાવાદનું ખંડન કરીને પુષ્ટિભક્તિનો મહિમા ગાતો ‘રસિકવલ્લભ’ (1828) ગ્રંથ સૌથી વધુ નોંધપાત્ર છે."
-કે. કા. શાસ્ત્રી
ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક.
-ક.મા.મુનશી
સંદર્ભ
(1) દયારામ : વિકિપીડિયા
(5) કે. કા. શાસ્ત્રી,"દયારામ " ગુજરાતી વિશ્વકોશ