" ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ ”
વિદ્યાર્થીઓ ઉપયોગી
સમીક્ષાત્મક લેખ
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar
પ્રશ્ન-૧ “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ”ને આધારે ઉમાશંકર જોશીની વાર્તાકાર તરીકેની સિદ્ધિ મર્યાદાઓ ચર્ચો.
અથવા “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ”ને આધારે ઉમાશંકર જોશીની વાર્તાકાર તરીકેની વિશેષતા મર્યાદા ચર્ચો.
અથવા
“ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ”ને આધારે ઉમાશંકર જોશીની વાર્તાકાર તરીકેની વાર્તાકલા મૂલવો.
જવાબ:
પ્રસ્તાવના
ઉમાશંકર જોશીની સર્વતોમુખી સર્જક છે. પ્રતિભાશાળી સર્જક ઉમાશંકર જોશી ઈયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કર્યું છે. અને ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર બનાવ્યું છે. એમના "નિશીથ" સંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા નાટક, એકાંકી, નિબંધ, ચરિત્ર, સંસ્મરણો, પ્રવાસ, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ.. એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોના તમામ ક્ષેત્રોમાં સત્વશીલ સર્જન કર્યું છે. ગાંધીયુગના સર્જક ઉમાશંકર જોશી મુખ્યત્વે કવિ તરીકે સુપ્રસિદ્ધ છે, પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં ધૂમકેતુ અને દ્વિરેફની જેમ સુંદરમ અને ઉમાશંકર જોશીનું પણ વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. ઉમાશંકર જોશીએ ‘વાસુકિ’ ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું.
“ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ”
ઉમાશંકર જોશીએ (૧) શ્રાવણી મેળો (૨) વિસામો એમ બે સંગ્રહો આપ્યા છે. આ બે સંગ્રહની કુલ ૩૭ વાર્તાઓ છે. ઉમાશંકર જોશી સંપાદિત “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” 1985માં પ્રગટ થઈ છે. તેમાં આ 37 વાર્તાઓમાંથી ચૂંટેલી 14 વાર્તાઓ છે.
આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ છે. (૧)પીપાસુ(૨) અમુચમુ (૩) પરબીડિયાં (૪) ગુજરીની ગોદડી (૫)ઝાકળિયું (૬) છેલ્લું છાણું (૭) મારી ચંપાનો વર (૮)પગલીનો પાડનાર(૯) હિલ્લી (૧૦)બે બહેનો (૧૧)તરંગ (૧૨)કલંકિની (૧૩) મુકુલનાં બહેન (૧૪) શ્રાવણી મેળો. લેખકે પોતાના પ્રથમ સંગ્રહ “શ્રાવણી મેળો”માંથી નવ અને “વિસામો”માંથી પાંચ વાર્તાઓ અહીં પસંદ કરેલ છે.
ઉમાશંકર જોષીનો ટૂંકી વાર્તા વિશેનો ખ્યાલ
“ ટૂંકી વાર્તામાં કંઈક આછું અમથું ઘટનાસૂત્ર હોવાનું. ઘટનાની પોતાની કોઈ કિંમત નથી. વાર્તામાં ઘટનાની કિંમત છે કોઈને કોઈ ભાવના ઉદ્ઘાટન-આકલનને એ શક્ય બનાવે છે તે કારણે. એ શક્ય બન્યાનો સબૂત વાર્તાલેખકના ભાષાકર્મ દ્વારા મળે છે. આમ, ટૂંકી વાર્તાનો પુદગલ છે ભાવપ્રાણિત ઘટના. કહો કે ભાવપરિસ્થિતિ. ભાષાનું એમાં પ્રફુલ્લસુરેખ આકારિત થવું એનું જ નામ ટૂંકી વાર્તા.”
-ઉમાશંકર જોશી
વાર્તાકાર ઉમાશંકર જોશી ની વિશેષતાઓ
-પાત્ર માનસને બખૂબી ઉજાગર કરતી વાર્તાઓ
-સર્જકની હેસિયતથી પ્રયોગશીલ વાર્તાકાર
-વાર્તાની ટેક્નિક પ્રત્યેની સભાનતા
-માનવમનની વિચિત્રતાનું સફળ રીતે નિરૂપણ
-વાતાવરણ પ્રધાન વાર્તા
ગ્રામ પરિવેશ ઝીલતી વાર્તાઓ ‘છેલ્લું છાણું' , ‘ઝાકળિયું’, 'ગુજરી ની ગોદડી’, ' મારી ચંપાનો વર' કલાગુણે ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છે.
બહુમુખી સર્જક પ્રતિભાનો સર્જક : ઉમાશંકર જોશી
બહુમુખી સર્જક પ્રતિભાનો સર્જક ઉમાશંકર જોશીએ ટૂંકી વાર્તાઓ લખવાનો પ્રારંભ કર્યો ત્યારે ઉમાશંકર જોશી ‘વિશ્વ શાંતિ’ના કવિ તરીકે સુખ્યાત બની ચૂક્યા હતા. ‘ગંગોત્રી’ની પણ ઘણી બધી કવિતાઓ લખાઈ ચૂકી હતી. ‘સાપના ભારા’ના એકાંકીઓ અને ‘નિશીથ’ની કવિતાઓનો એ ઉત્તમ સમયગાળો હતો. કવિ ઉમાશંકરની ઉભરતી સર્જકતા કવિતા સિવાયના અન્ય સાહિત્ય સ્વરૂપોમાં પણ ખીલી ઉઠી હતી.
વાર્તાકાર તરીકે પ્રયોગોશીલ ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશીની ઘણી બધી વાર્તાઓની રચના રીતિ પરસ્પરથી ભિન્ન છે. ભાવ પરિસ્થિતિઓ પણ ભિન્ન ભિન્ન છે અને જુદી જુદી રીતે આકારિત થતી જોવા મળે છે. કથાકાર તરીકે સામાજિક વાસ્તવ પ્રત્યે ઝુકાવ હોવા છતાં ટેકનીક પરત્વે ઉમાશંકર અત્યંત સભાન છે. તેમને મતે ટૂંકી વાર્તા લેખકની કોઈ વિશિષ્ટ ભાવપરિસ્થિતિને સાકાર કરવા મથતી શુદ્ધ કલા સર્જનની પ્રવૃત્તિ છે. એટલે આ વાર્તાઓને ચોથા દાયકાની ગાંધી માર્ક્સ પ્રેરિત ભાવનાવાદ કે વાસ્તવવાદની અભિવ્યક્તિ રૂપે નહીં કલા સ્વરૂપની દ્રષ્ટિએ જોવી રહે છે.
મનોવૈજ્ઞાનિક ભૂમિકામાં લખાયેલી વાર્તાઓ
ચરિત્ર પ્રધાન વાર્તા ‘પિપાસુ’
પ્રથમ પુરુષમાં કહેવાયેલી આ વાર્તાના કેન્દ્રમાં સુમંત છે. કથક સુમંતનો મિત્ર છે અને તે એના ભૂતકાળને જાણે છે. એ ભૂતકાળની ભૂમિકામાં વર્તમાનને આલેખતા જઈ એના વિલક્ષણ વર્તાવને સમજવાનું સૂત્ર વાચકને પણ પકડાવે છે. પ્રથમ પુરુષમાં કહેવાતી રીતિનો લાભ લઇ સુમંત વિશે ઘણું કહી દેવાય છે. ખાસ તો તેની ‘અતાગ પિપાસા' વિશે. એ ભૂમિકા પછી સુમંતના જીવનમાં એક સાંજે જે કંઈ ‘ઘટે’ છે એનું બયાન એની પાસેથી સાંભળી, એના શબ્દોમાં કથક વાચક સામે ધરે છે. ભાવ પરિસ્થિતિના આ રીતના સંકલનથી વાર્તા વાચાળ લાગતી નથી. એટલું જ નહીં, સુમંતની પિપાસાનો સંકેત કલાત્મક રીતે સ્ફૂટ થાય છે.
માનવ માનવ વચ્ચે રહેલી દૂરતાની સદા વાત કરતી અને અંદરથી કોઈકનીય મમતા પામવાની અદમ્ય પિપાસા હોવી આ બે વિરોધબિંદુઓની સહોપસ્થિતિ વાર્તાની શક્તિ બને છે.
અમુચમુ : મનોવિજ્ઞાનની ભૂમિકામાં બે જુદાજુદા મિત્રોના વર્તનનું હળવાશથી અર્થઘટન
આ વાર્તામાં વાર્તાકાર ઉમાશંકર જોશી મનોવિજ્ઞાનની ભૂમિકામાં બે અભિન્ન મિત્રોના વર્તનનું હળવાશથી અર્થઘટન કરે છે. જોકે વાર્તામાં કટ્ટર માનસવૈદ્ય એવા શિક્ષક વિજુદાદાના ચિકિત્સાવૃત્તિથી થતા પ્રશ્નો અને એમના મનમાં જાગતી પ્રતિક્રિયાઓ થોડી મુખર બની જાય છે. ‘કંટાળો’ શબ્દ આ વાર્તામાં ચાવીરૂપ છે. તેનું ઉદભવસ્થાન મનોવૈજ્ઞાનિક છે. વિજુદાદા માનસવૈદ્ય હોવા છતાં મિત્રો વચ્ચે જાગેલા આ ‘બોધ’નું મૂળ ક્યાં છે, તે પકડી શકતા નથી.
‘મુકુલના બહેન' પણ મનોવિજ્ઞાનની ભૂમિકામાં લખાયેલી વાર્તા
‘મુકુલના બહેન' મનોવિજ્ઞાનની ભૂમિકામાં લખાયેલી વાર્તા છે અને જરા વિશિષ્ટ પ્રકારની વાર્તા છે. શીર્ષક સૂચવે છે તેમ વાર્તાના કેન્દ્રમાં મુકુલ નામનું માતા વિનાનું બાળક છે. વાર્તામાં મુકુલના પિતા પ્રીતમલાલ અને એનાં બહેન -શિક્ષિકા-માલિનીબહેન વચ્ચે કડીરૂપ બને છે. એટલું જ નહીં, એ બાળક દ્વારા માલિની પ્રીતમલાલના મૃત પત્ની પ્રત્યેના ઉત્કટ પ્રેમભાવનો અંદાજ મેળવે છે. અને તેથી પ્રીતમલાલ પ્રત્યે માલિનીનો પ્રેમ વળે છે. મુકુલ એમાં નિમિત્ત છે લગ્ન પછી પ્રીતમ લાલ પૂછે છે. વાર્તામાં પ્રીતમલાલનું ચરિત્ર સુંદર રીતે પ્રગટ થયું છે. બાળકને ધ્યાનમાં રાખીને પ્રૌઢ મનોની લીલા આલેખતી બહુ ઓછી આવી વાર્તાઓ લખાઈ છે.
‘પરબીડિયાં' એક વિશિષ્ટ વાર્તા
‘પરબીડિયાં' એક વિશિષ્ટ વાર્તા છે. એક નવી ભાવોપરિસ્થિતિનું આલેખન આ વાર્તામાં થયું છે. વાર્તાનો સુર અને શૈલી સાદ્યંત વ્યંગ્યાત્મક રહ્યાં છે. વવિડંબનનો વાર્તાકાર પ્રભાવક ઉપયોગ કરી શક્યા છે. એ પ્રભાવ વાર્તા પ્રથમપુરુષમાં કહેવાતાં દ્વિગુણિત બની જાય છે. વાર્તાનો ‘હું’ તે રાજ્યોનો આજનો કાનૂન મંત્રી છે. જે આ વાર્તાના અન્ય પાત્રોની જેમ સ્વતંત્રતા આંદોલનનો સૈનિક હતો. સૌ નેતાઓનો ચળવળ વખતનો ઇતિહાસ જાણે છે.
‘બે બહેનો' અને ‘તરંગ’માં મનોવૈજ્ઞાનિક ટેકનિકનો આધાર
‘બે બહેનો' અને ‘તરંગ’માં વાર્તાકાર મનોવૈજ્ઞાનિક ટેકનિકનો આધાર લે છે. રચના સમયની દ્રષ્ટિએ આ વાર્તાઓ પરર્વતી સમયગાળાની છે. સ્વપ્નની ટેકનીક પ્રત્યે આ વાર્તાકાર ‘શ્રવણ’ને પક્ષપાત છે. વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું હોત તો કદાચ આ પ્રકારના પ્રયોગોની દિશામાં વાર્તાકારને જવું ગમ્યું હોત. એ વિશે સ્વયં વાર્તાકારે બીજે નિર્દેશ કરેલો છે.
નાની બહેન લલિતાના અવચેતન મનની પ્રક્રિયા ઝીલાઈ છે. મોટી બહેન સૂર્યા ગોપીકાંત સાથે જવા નીકળે છે ત્યારે ગોપીનાથ લલિતાને પણ આવવા કહે છે. તેનું સગપણ સૂર્યા સાથે થયું છે પણ લલિતા સાથે એના મનમાં અસ્પષ્ટ આકર્ષણભાવ અવશ્ય જોઈ શકાય છે. વાચકને સંકેત આપ્યા વિના લલિતાના મનમાં ડોકિયું કરાવે છે. જેમાં તે જાણે મોટી બહેનના અવસાન પછી ગોપીકાંત સાથે સંસાર માંડે છે. પણ આ લલિતાના અચેતન મનની સૃષ્ટિ છે. એની વાર્તાના અંતમાં જતા ખબર પડે છે.
ગ્રામમાનસનું યથાર્થ ચિત્રણ કરતી વાર્તાઓ
મનોવૈજ્ઞાનિક વાસ્તવની કલાત્મક વાર્તા સ્થાપના દ્વારા અને એકાંકીઓની જેમ જ કામ પરિવેશ અને ગ્રામમાનસનું યથાર્થ ચિત્રણ ઉમાશંકર જોશીની કેટલીક વાર્તાઓમાં જોવા મળે છે.
‘પગલીનો પાડનાર'
‘પગલીનો પાડનાર' વાર્તા પુત્રનું મુખ જોવાની શાંતારામની તીવ્ર વાસનાને વાર્તાકારે ગ્રામ પરિવેશ અને ગ્રામ માનસ દ્વારા પ્રગટ થવા દીધી છે. પુત્ર કિસનની લીલી વાડી જોવાની શાંતારામની એષણા તીવ્રથી તીવ્રતમ થતી નાની મોટી પ્રતિક્રિયાઓ દ્વારા નિરુપાઈ છે. પડોશીની નાની જયતીના “પગલીનો પાડનાર” ગાનથી તો આ એષણા શાંતારામમાં વિકૃતિની કક્ષાએ પહોંચતી જોવા મળે છે. પગલીના પાડનારની આશામાં ડોસાને મરણ સ્થિતિએ પહોંચાડવામાં કોઈને થોડી અતિ થતી હશે. પણ વાર્તાના સહજ વિકાસ ક્રમમાં જ તે આવે છે. વાર્તાકારે એવી પરિસ્થિતિ નિર્મી છે કે એક બાજુ શાંતારામની અંતિમ ક્ષણો હોય અને બીજી બાજુ કિસનની વહુને પુત્ર અવતરે. શાંતારામની મૃત્યુ પથારીએ પૌત્ર જન્મની વધામણી કહેવામાં આવે છે ત્યારે એને મનમાં થાય છે કે, “શીદને મારી મરતી વખતે દુખિયારાની મશ્કરી કરો છો ?”અને આખું ગામ કહે છે કે,” લો આટલું સુખ કમી હતું તે ડોસા પામીને મૂઆ.” પરંતુ આ વાક્ય જુઓ : “ ડોસાએ ખોળિયું બદલ્યું, મારા ભાઈ ! આગલા ખંડમાંથી અંદરના ખંડમાં ગયા એટલું !” ડોસા પોતે પોતાના પૌત્ર રૂપે જન્મ્યા એવી લોક માનસની આકાંક્ષાપૂર્તિની વાત અહીં કહેવાઈ છે.
‘કલંકિની’માં ગ્રામ માનસની ભૂમિકા
‘કલંકિની’માં પણ ગ્રામ માનસની ભૂમિકા છે. વાર્તા શુદ્ધ ઘટના પ્રધાન છે. છતાં ઘટના કહી જવામાં વાર્તાકારને રસ નથી. એ ઘટના બનવાની પ્રક્રિયામાં વાર્તા રચાતી જાય છે. શુદ્ધ ચરિત્ર સાધન નંદજી દ્વારા ખોટા આપવાથી ગામ નજરે કલંકિની ઠરનાર નિર્દોષ, શુદ્ધ શીલવાન લખીને વાર્તાને અંતે કોઈ ચરિત્રહીન બાવા સાથે ભાગી જવાનું થાય એ પરિસ્થિતિમાં એક વિડંબનાત્મક સૂર પ્રગટ થાય છે.
હિલ્લી' અસરકારક જૂની ઢબની વાર્તા
‘હિલ્લી' અસરકારક જૂની ઢબની વાર્તા છે પણ વાર્તાના અંત ભાગમાં હીલ્લીનું સ્વાભાવિક ભાવ સંક્રમણ વાર્તાને વિલક્ષણ બનાવી રહે છે. પોતાની માની શોધ અને એ માટે રોજની બસની પ્રતીક્ષાની વાત પ્રભાવક બની છે. હિલ્લી પોતાની મા વિશે બાવાજીને પૂછતી ત્યારે તેઓ કહેતા, “ તું જ તારી માં છે.” ધના સાથે પરણ્યા પછી સંતાન થતા બાવાજી તેને કહે છે કે “તું તારું નામ હવે બદલી નાખ. આનું નામ હવે હિલ્લી.” ખરેખર તો બિલ્લી નામ અનાથ બાળકીને દૂધ પીવડાવવા માટે રાખેલી બકરીનું નામ હતું. અને તેને યાદ દેવડાવે છે કે હું તને કહેતો હતો કે તું જ તારી માં છે. તો હિલ્લીને તેમાં બધા શબ્દો નવા ભાવમાં સમજાયા છે.
‘છેલ્લું છાણું’ કરુણ અંત ધરાવતી હૃદયસ્પર્શી વાર્તા.
‘છેલ્લું છાણું’ કરુણ અંત ધરાવતી હૃદયસ્પર્શી વાર્તા છે. ઉમાશંકર જોશીની વાર્તામાં અહીં નાટ્યકાર ઉમાશંકર વાર્તાકારની મદદે આવે છે. વાર્તા-પ્રધાનપણે સંવાદથી જ ગતિ કરે છે. સંવાદમાં તો આકરી ટપાટપી છે. ટપાટપીમાં એક શબ્દ એવો આવે કે ટપાટપીને આગળ લઈ જાય. જીવીના હાથમાંનું છાણું વેણીરામના આંગણામાં ટુકડે ટુકડા થઈ વેરાઈ ગયા પછી થતા ઝઘડામાં વેણીની માં જીવીની સાસુના શબ્દો સાંભળી, જીવ ટાઢો રાખવાનું કહીને જ્યારે કહે છે કે, “ તું તો કટમ્બણ મૂઈ છે- પછી તરત જ, “ કટમ્બણ ગયું મસાણમાં.” એવો જવાબ સામો અપાય. એમાંથી મસાણમાં જવાની વાત આવે તે તરત તે વખતે છાણું લઈને કુટુંબી તરીકે નીકળવાની વાત સ્વાભાવિક રીતે નીકળે. વેણીમાં કહે છે-“ તમે બે જણાં શરાપ દેશો તોય આ મારાં છોકરાને છાણું દોર્યા વિના છૂટકો છે ?” આ શબ્દો ઠંડા વેરના જ છે.
વાર્તાકારે સાસુ વહુના મરણનું અનુમાન કૂનેહપૂર્વક વાચક પર છોડી દઈ વાર્તાને મેલોડ્રામિક થતી બચાવી લીધી છે.
છેલ્લું છાણું વાર્તાનો અંત
ટાઢમાં ધ્રુજતી જીવીને સાસુ કહે છે, “મરી જશું એ જ ને ? ભલે કંઈ નહીં. તને લાગે છે એટલી બધી ટાઢ ?... નથી, ખરું ? ખૂબ નથી ટાઢ, ખરું ?
“જરી પેલો સાલ્લોને પેલી તૂટેલી ગોદડી મને ઓઢાડને.”
ટાઢ અને આ ઘરની દરિદ્રતિ વિશે હવે કશું કહેવાનું નથી રહેતું. બારણું વાસ્યુ છે, પણ બારણામાં કઈ રહ્યું નથી, પવન વાયા કરે છે. હવે આ ઘરમાં ત્રીજું પાત્ર તે આ પવન. પછીના સાસુ વહુના સંવાદની મર્મ ભેદી પ્રભાવકતા ગુજરાતી ભાષામાં તો વિરલ છે. પોતાના મરી ગયા પછી સાસુ વહુને, તો વહુ સાસુને છાણું લઈને નીકળવાનું કહે છે: પછી એ બે ઊંઘ્યા કે નહીં એની ખબર પડી શકે તેમ નથી.
કારણ કે આખી રાત બારણા પર પછડાઈ પછડાઈને પવન સામસામા બે સવાલજવાબો સાંભળ્યા જ કરતો હતો-
“હં ?”
“હં !”
વાર્તામાં છેવટે વેણીને પુત્ર મંગુનો પ્રવેશ થાય છે. જીવી કોઈ જવાબ આપતી નથી એટલે તે છાણાના દેવતાથી સળગાવેલું બોયું જીવીના હાથે ચાંપે છે. આ ક્રિયા દ્વારા વાર્તાકાર સિદ્ધ કરે છે સાસુ વહુનું છાણું તો હવે વેણીને જ દોરવાનું રહ્યું. પણ શિશુ દ્વારા અજાણ્યે થતી અગ્નિ ચાંપવાની ક્રિયામાં આ બે નજીકના કુટુંબો વચ્ચેના ખારનું નિરસન સૂચવાય છે. દુઃખ સહન કરવાની આખરી સીમારૂપ જીવીના “ ખસ-હં” એ છેલ્લા શબ્દો સાથે વાર્તાનો અંત પ્રભાવક બની રહે છે.
‘તરંગ’એક જુદી વાર્તા
‘તરંગ’શીર્ષકમાં પ્રશ્ન સૂચક છે. વાર્તામાં જે બને છે તે ખરેખર અજીતના મનનો તરંગ છે કે બનેલો સાચો પ્રસંગ છે ? હજી હમણાં જ મૃત્યુ પામેલા મિત્ર મોહનને જુએ છે- એટલું જ નહીં, બંને વચ્ચે સંવાદ થાય છે પરંતુ વાર્તામાં એવા સંકેતો છે. જેથી વાર્તા પૂરી થતાં વાચક સમજી જાય છે કે મોહનને એ સાક્ષાત જુએ છે.
‘મારી ચંપાનો વર'- ગુજરાતી ભાષાની વિશેષ વાર્તા
‘મારી ચંપાનો વર' ઉમાશંકર નહીં જ નહીં, ગુજરાતી ભાષાની વિશેષ વાર્તા છે. અ-મૉરલ-નીતિનિરપેક્ષ આવી વાર્તા સદીના ચોથા દશકમાં ગુજરાતી ભાષામાં લખાઈ છે તેની નોંધ લેવી જોઇએ. ખૂબી તો એ છે કે ક્યાંય સુરુચિનો પણ ભંગ થતો નથી. પણ એ વાત મહત્વની નથી મહત્વ તો વાર્તાકાર જે રીતે પોતાની સામગ્રી સાથે કામ પાર પાડે છે તેનું છે. વર્તાકાર લક્ષ્મીના વૈધવ્ય જીવનની વાત લક્ષ્મીના અપૂર્વ રૂપના સંદર્ભમાં આલેખી વાચકની સહાનુભૂતિ જીતી છે એવું નથી એ સહાનુભૂતિ તો જીતે છે બાળ ચંપા પ્રત્યેના લક્ષ્મીના વલણથી.” હું લક્ષ્મી નથી, ચંપાની બા છું.” એ ભાવ સાથે આત્મવિલોપન કરી દીકરીને ઉછેરતી લક્ષ્મીને બતાવવામાં આવી છે. પરંતુ જ્યારે લક્ષ્મી પોતાની દીકરી માટે વર શોધે છે ત્યારે જાણેઅજાણે પોતાની પસંદગીનો વર શોધે છે. પોતાની બહેનપણી ગૌરીનું મૃત્યુ થયું છે એના પતિની તે પસંદગી કરે છે. લક્ષ્મી પૂનમલાલ વચ્ચે બંધાતા સંબંધો અત્યંત વ્યંજનાથી આલેખાયેલા છે. વાર્તાકાર અંતે લખે છે, “ અને ચંપા, બાનું વેર લેવા જાણે બમણા વ્હાલથી દીકરીને ઉછેરતી રહી.” આ છેલ્લું વાક્ય વાર્તા સંદર્ભે અત્યંત સાંકેતિક છે. ચંપા પણ પોતાની મા લક્ષ્મીના આચરણનુ અનુકરણ કરશે કે શું ?એ પ્રશ્ન સાથે વાચકને એકાએક અચંબો પામતો રાખી વાર્તાનો અંત લાવવામાં વાર્તાકારની મોટી સિદ્ધિ છે.
‘ગુજરીની ગોદડી' એક વિશિષ્ટ વાર્તા
‘ગુજરીની ગોદડી' એક વિશિષ્ટ વાર્તા છે. ટૂંકી વાર્તાને ઉમાશંકર જોશી ઊર્મિ કવિ અને લલિત નિબંધની સહોદર કહે છે. એમણે લખ્યું છે કે ઘણી ટૂંકવાર્તાઓ એવી હોય છે કે જેને લલિત નિબંધ ન કહેવા માટે કોઈ કારણ ન હોય. આ એવા પ્રકારની વાર્તા છે. રચનાકારના સ્વાનુભવનો અંશ એમાં એટલો અનુભવાય છે કે કોઈ એને લલિત નિબંધ કહી શકે. એ રીતે વાર્તાની રચનારીતિ જરા મુક્ત છે અને અંત પણ ખુલ્લો છે. વાર્તાના કેન્દ્રમાં નાયક તરીકે ખાસ કોઈ એક પાત્ર નથી. હા, લેખકે કહ્યું છે તેમ ઠંડી ગુજરીની ગોદડીની નાયિકા છે. એ રીતે આ વાતાવરણ પ્રધાન વાર્તા છે. અહીં વાર્તાકાર ઉમાશંકર જોશી માનવતાવાદી હ્યુમિનિસ્ટ ઉમાશંકર તરીકે અછતા રહેતા નથી. પણ એ બોધ વાર્તાના ચરિત્ર દ્વારા જ પ્રગટ થાય છે.
‘ઝાકળિયું’ વર્ગ સંઘર્ષની વાર્તા
‘ગ્રામ પરિવેશની વાર્તા છે. પરંતુ એ આ પરિવેશની અન્ય વાર્તાઓ કરતા વ્યાપક સંદર્ભ ધરાવે છે. એક રીતે વર્ગસંઘર્ષની આ વાર્તા છે. પ્રથમ પુરુષમાં કહેવાતી આ વાર્તામાં વાર્તા કથકની ચેતના એક વિવેકશીલ કિશોરની છે. જે કિશોર અવસ્થાની એ ચેતનાને સમયમાં જરા દૂર રહી વિશ્લેષણ કરી શકે એટલો મોટો થયો છે. એટલે તો વાર્તાનું પહેલું વાક્ય છે, “છેક નાનપણની વાત છે.” પ્રથમ પુરુષની કથનરીતિ લેખકકીય ટીકા ટિપ્પણનું વ્યવધાન વાર્તાને નડતું નથી. આ વાર્તા આજે પણ એટલી જ પ્રભાવક લાગે છે. ગુજરાતીમાં પ્રગતિવાદ આવ્યા પહેલાની પ્રાગતિક ચેતનાની આ વાર્તા છે. પ્રગતિ હોવા છતાં તે જરાય બોલકી નથી, તેથી તેની ઘેરી અસર વાચક પર પડે છે. કવિ ઉમાશંકર કરતા ‘ઝાકળિયા’ની હોળીની પોઢી જવા કરતી ઝળોના વર્ણનથી વાર્તાનો અંત કરતા વાર્તાકાર ઉમાશંકરનો કલાત્મક સંયમ દાદ માંગી લે છે.
‘શ્રાવણી મેળો' વર્ગ સંઘર્ષની
‘શ્રાવણી મેળો' વર્ગ સંઘર્ષની વાર્તા છે. પરંતુ આ વાર્તામાં આદિવાસી વિસ્તારમાં ભરાતા મેળાનું જે ઉત્સવી વાતાવરણ છે અને વાતાવરણની સાથે પ્રણયસંવેગોની જે ચઢઉતર છે તે વધારે છાઈ રહે છે. મેળાના સમયે આનંદમાં ઉલ્લાસમય મોજા પર બે હૈયા ક્ષણિક સવાર થયેલા લાગે છે પણ પછી વિષાદની ગર્તામાં ધકેલાઈ જાય છે. એ વિષાદ વાચકના હૈયામાં પણ ઘર કરી જાય છે. ચકડોળમાં બેઠેલા દેવો અને અંબી એકબીજાનું ગામ કે નામ જાણ્યા વગર, તેમને પોતાને ખબર પડે તે પહેલા એકબીજાને પસંદ કરી લે છે.
પરંતુ વાર્તાકાર યુગલના અને વચ્ચે એક પાત્રનો પ્રવેશ કરાવે છે. જે આ મેળાના વાતાવરણમાં સૌથી વિસંવાદી છે. બાપનું દેવુ ભરાય તે પહેલા પરણવાની દેવાને ઉતાવળ નહોતી. પણ આ તો થતામાં થઈ ગયું અને વીરચંદ શેઠની નજરે અંબી સાથે જતો દેવો ચડે છે. દેવો અંબી પ્રણયમગ્ન અર્ધસ્પૂટ શબ્દોના ઉજાસમાં છે ત્યાં દુરિતનો પડછાયો પડે છે. શેઠ ચતુરાઈથી અંબીથી દૂર દેવા સાથે શબ્દોની આપલેમાં ખેતરની વાત આવતા કહે છે, “એ તો ચડી ગયા ચોપડે ક્યારના !”
દેવાના બાપ કાના તરારને દેવો અંબી સાથે આવે છે એવા ખબર વીરચંદ શેઠ દ્વારા મળ્યા હશે, તેથી બે ખાટલા જોડે એમણે પાથરી રાખ્યા હતા. પણ દેવો 'બે'ના વિચારે મગજ ઝાલ્યું ન રહેતા ખૂણામાંથી કુહાડો ઉપાડી કાળી ઘોર રાત્રિમાં વીરચંદના ઘર તરફ ધસી જાય છે. અને આ પ્રેમની વિફલતાના કારણમાં આર્થિક શોષણ પડેલું જણાય છે અને એ રીતે વર્ગ સંઘર્ષના બીજી વાર્તામાં જોઈ શકાય છે. વાર્તાનો અંત પણ એક ઉચિત હતો. બીજા શ્રાવણે, મેળા વખતે, ચક્કર લેતા ચકડોળ સામે શૂન્ય નજરે જોતી ઉભી અંબીને બતાવી છે. રાજની તુરગ/જેલમાં દેવો શું કરતો હશે ? એની પણ કલ્પના છેલ્લે વાર્તાકારે કરી છે.
ઉપસંહાર
આમ, ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યને ઉત્તમ વાર્તાઓ આપી છે. કવિ ઉમાશંકર જોશી તરીકે તેઓ ખ્યાતનામ છે; પરંતુ વાર્તાકારોમાં ઉમાશંકર જોશી પણ નોંધપાત્ર રહ્યા છે, એ વાતની સાબિતી “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” વાંચતા આપણને મળે છે.
સંદર્ભ
(૧) “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” સંપાદન-ઉમાશંકર જોશી
(૨) ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” માં “આ વાર્તાઓ” વિષયક ભોળાભાઈ પટેલનો પ્રારંભિક લેખ.
(૩)“અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ” ડૉ. રમેશ એમ ત્રિવેદી