૩૦/૧૦/૨૦૨૩
અંકલેશ્વર
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર ખાતે "પ્રા. એ.એસ.પટેલ સેવા નિવૃત્તિ સમારંભ"
અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર, મેનેજમેન્ટ અને આચાર્યશ્રી દ્વારા એકાઉન્ટન્સી વિભાગના અધ્યક્ષ પ્રા. એ.એસ.પટેલનો સેવા નિવૃત્તિ સમારંભ યોજાયો.
એકાઉન્ટન્સી વિભાગના અધ્યક્ષ પ્રા. એ.એસ.પટેલ વય મર્યાદાને કારણે ૩૧ ઑક્ટોબર,૨૦૨૩ના રોજ નિવૃત્ત થાય છે. તેમણે ૩૨ વર્ષ ૬ મહિના અધ્યાપન કાર્ય કર્યું હતું.
આ કાર્યક્રમમાં કૉલેજના ટ્રસ્ટ વતી એડમિનિસ્ટ્રેટર્સ શ્રી ચિરાગ શાહના ધર્મપત્ની તથા જેસીઆઇના પ્રમુખ શ્રીમતી કિંજલબેન ચિરાગભાઈ શાહ તથા જેસીઆઈ શ્યામાબેન ઉપસ્થિત રહ્યા હતા.
પ્રા.એ. એસ. પટેલને આપનારા સન્માન પત્રનું વાંચન ડૉ. જયશ્રી ચૌધરીએ કર્યું હતું.
ડૉ. જયશ્રી ચૌધરીએ આ ક્ષણે તેમના ધર્મપત્ની કુસુમબેન પટેલ, સંતાનો હિરક પટેલ તથા પૌરવી પટેલની સ્મર્યા હતા.
અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી તથા કોલેજના વમળનાથ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈશ્વરસિંહ પટેલ વતી સેવા નિવૃત્ત થતા પ્રા. એ.એસ. પટેલને સ્મૃતિ ભેટ તથા સન્માન પત્ર શ્રીમતી કિંજલબેન શાહે અર્પણ કર્યું હતું.
આચાર્યશ્રી તથા ટ્રસ્ટ દ્વારા તેમને શાલ ઓઢાડીને શ્રીફળ સાકરપુડો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તમામ સ્ટાફ તરફથી પ્રા. એ.એસ. પટેલને ગણપતિની ચાંદીની મૂર્તિ તથા શ્રીફળ અને સવાઈ રકમ અર્પણ કરવામાં આવી હતી.
એડમિનિસ્ટ્રેટર શ્રી ચિરાગ શાહ તથા કૉ-એડમિનિસ્ટ્રેટર શ્રી બળવંતસિંહ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રીમતી કિંજલ શાહે પ્રા. એ.એસ. પટેલના સુખમય, નિરોગી અને સ્વસ્થ જીવનની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આચાર્યશ્રી ડૉ.કે.એ.ચાવડાએ શ્રી એ.એસ. પટેલની એકાઉન્ટન્સીની નિપુણતાને બિરદાવી હતી અને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામના વ્યક્ત કરી હતી.
કોલેજના વરિષ્ઠ અધ્યાપક ડૉ. જી.કે.નંદાએ શ્રી એ.એસ. પટેલના સેવાભાવી પ્રસન્ન અને નિખાલસ સ્વભાવને વખાણ્યો હતો. અને તેમના વ્યક્તિત્વના સદગુણોને સ્મર્યા હતા.
તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પ્રા.એ.એસ.પટેલે પોતાની નિવૃત્તિ નિમિત્તે કૉલેજ મેનેજમેન્ટ તથા સ્ટાફ, ઈ.એન.જીનવાલા હાઇસ્કુલ સ્ટાફ તથા એમ. ટી. એમ. ગર્લ્સ હાઇસ્કુલ સ્ટાફને માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
સહુએ અરવિંદભાઈ એ.એસ.પટેલને સુદીર્ઘ, નિરોગી અને ખુશહાલ જીવનની કામના કરી હતી.
પ્રા.એ.એસ.પટેલે કહ્યું હતું કે, " મારો પ્રારંભિક સમયકાળ સંઘર્ષભર્યો રહ્યો હતો. પરંતુ જ્યારે મને આ કોલેજમાં પ્રોફેસરની નિમણૂકની જાણ થઈ ત્યારે હું રીતસર રડી પડ્યો હતો અને સફળતાપૂર્વક મેં પ્રોફેસર તરીકે કામ કર્યું. સૌથી પહેલા સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. કોલેજ, ટ્રસ્ટ તથા સ્ટાફ મિત્રોએ સુખ દુઃખમાં હંમેશા મને સહકાર આપ્યો છે. આજે આપણે અહીં ટકી શક્યા છે એના મૂળમાં માનનીય શ્રી ઈશ્વરસિંહ પટેલની જહેમતને લીધે આ કોલેજ બચી છે; બાકી અમે ગમે તે જિલ્લાઓમાં વિખેરાઈ ગયા હોત."
કાર્યક્રમને સફળ બનાવવા માટે કૉલેજ કૅમ્પસ ઍમ્બૅસેડર્સ (પૂર્વ)સોહેલ દીવાન, સેવક પઢિયાર અને જ્યોત્સના ડોબરીયા, અવિનાશ ચૌધરી, યુસુફ મલેકે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.જયશ્રી ચૌધરી, સોહેલ દીવાન તથા જ્યોત્સના ડોબરીયાએ કર્યું હતું.