અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર ખાતે વીર કવિ નર્મદ જયંતીની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. જેમાં મુખ્ય વક્તવ્ય આપતાં આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદાએ કહ્યું હતું કે, "વીર નર્મદની વીરતા અને જુસ્સો એમના વ્યક્તિત્વમાં, એમના નિર્ણયોમાં, એમના વર્તનમાં અને એમના સર્જનમાં સુપેરે દેખાય છે. સમાજ સુધારક, અનેકવિધ સાહિત્ય સ્વરૂપોમાં પહેલ કરનારા નર્મદે, " હું તારે ખોળે છઉં"-કહીને કલમને ખોળે જીવન અર્પણ કરવાનું હિંમત ભર્યું પગલું ભર્યું હતું. અર્વાચીનોમાં આદ્ય વીર નર્મદને વંદન.."
ડૉ. જયશ્રી ચૌધરીએ નર્મદના "જય જય ગરવી ગુજરાત" અને "ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે." કાવ્યનું પઠન કર્યું હતું અને નર્મદના એમના પત્ની ડાહી ગૌરી અને પુત્રવત્ ગણીને ભણાવેલા જુવાન રાજારામને ઉદ્દેશીને કહેલા અંતિમ શબ્દોની સ્મર્યા હતા.
ડૉ. જગદીશ કંથારિઆએ નર્મદનો અભ્યાસ, વ્યવસાય તથા તેમણે કરેલા અવનવા સર્જન વિશે વાત કરી હતી. અને એમના પુસ્તકો પ્રદર્શિત કર્યા હતા. સમાજના જાગૃત પ્રહરી તરીકે "ડાંડિયો"નર્મદની ઓળખ છે એમ જણાવ્યું હતું.
પ્રા શીતલ પટેલે નર્મદના કન્યા કેળવણી વિષયક વિચારોને યાદ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ.જયશ્રી ચૌધરીએ કર્યા હતા. અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓએ નર્મદ વીર કવિ નર્મદને પુષ્પાંજલિ અર્પી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે અર્પિત કલારા લતા વસાવા, વિરાંગીની પંડ્યા વગેરેએ સહયોગ આપ્યો હતો.