શુક્રવાર, 14 જુલાઈ, 2023

"ઉમાશંકર જોશીની વાર્તાઓ" એક સમીક્ષાત્મક લેખ

" ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ ”
 વિદ્યાર્થીઓ ઉપયોગી 
સમીક્ષાત્મક લેખ
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 
પ્રશ્ન-૧ “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ”ને આધારે ઉમાશંકર જોશીની વાર્તાકાર તરીકેની સિદ્ધિ મર્યાદાઓ ચર્ચો.
અથવા “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ”ને આધારે ઉમાશંકર જોશીની વાર્તાકાર તરીકેની વિશેષતા મર્યાદા ચર્ચો.
 અથવા
  “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ”ને આધારે ઉમાશંકર જોશીની વાર્તાકાર તરીકેની વાર્તાકલા મૂલવો.

જવાબ: 
પ્રસ્તાવના
 ઉમાશંકર જોશીની   સર્વતોમુખી સર્જક છે. પ્રતિભાશાળી સર્જક ઉમાશંકર જોશી ઈયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કર્યું છે. અને ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર બનાવ્યું છે.  એમના "નિશીથ" સંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા નાટક, એકાંકી, નિબંધ, ચરિત્ર, સંસ્મરણો, પ્રવાસ, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ.. એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોના તમામ ક્ષેત્રોમાં સત્વશીલ સર્જન કર્યું છે. ગાંધીયુગના સર્જક ઉમાશંકર જોશી મુખ્યત્વે કવિ તરીકે સુપ્રસિદ્ધ છે,  પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં ધૂમકેતુ અને દ્વિરેફની જેમ સુંદરમ અને ઉમાશંકર જોશીનું પણ વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. ઉમાશંકર જોશીએ ‘વાસુકિ’ ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું.

“ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” 
 ઉમાશંકર જોશીએ   (૧) શ્રાવણી મેળો (૨)  વિસામો એમ બે સંગ્રહો આપ્યા છે. આ બે સંગ્રહની કુલ ૩૭ વાર્તાઓ છે. ઉમાશંકર જોશી સંપાદિત “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” 1985માં પ્રગટ થઈ છે. તેમાં આ 37 વાર્તાઓમાંથી ચૂંટેલી  14 વાર્તાઓ છે. 

આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ છે. (૧)પીપાસુ(૨) અમુચમુ (૩) પરબીડિયાં (૪) ગુજરીની ગોદડી (૫)ઝાકળિયું (૬) છેલ્લું છાણું (૭) મારી ચંપાનો વર (૮)પગલીનો પાડનાર(૯) હિલ્લી (૧૦)બે બહેનો (૧૧)તરંગ (૧૨)કલંકિની (૧૩) મુકુલનાં બહેન (૧૪) શ્રાવણી મેળો. લેખકે પોતાના પ્રથમ સંગ્રહ “શ્રાવણી મેળો”માંથી નવ અને “વિસામો”માંથી પાંચ વાર્તાઓ અહીં પસંદ કરેલ છે.

ઉમાશંકર જોષીનો ટૂંકી વાર્તા વિશેનો ખ્યાલ
“ ટૂંકી વાર્તામાં કંઈક આછું અમથું ઘટનાસૂત્ર હોવાનું. ઘટનાની પોતાની કોઈ કિંમત નથી. વાર્તામાં ઘટનાની કિંમત છે કોઈને કોઈ ભાવના ઉદ્ઘાટન-આકલનને એ શક્ય બનાવે છે તે કારણે. એ શક્ય બન્યાનો સબૂત વાર્તાલેખકના ભાષાકર્મ દ્વારા મળે છે. આમ, ટૂંકી વાર્તાનો પુદગલ છે ભાવપ્રાણિત ઘટના. કહો કે ભાવપરિસ્થિતિ. ભાષાનું એમાં પ્રફુલ્લસુરેખ આકારિત થવું એનું જ નામ ટૂંકી વાર્તા.” 
                  -ઉમાશંકર જોશી

વાર્તાકાર ઉમાશંકર જોશી ની વિશેષતાઓ
-પાત્ર માનસને બખૂબી ઉજાગર કરતી વાર્તાઓ
 -સર્જકની હેસિયતથી પ્રયોગશીલ વાર્તાકાર
 -વાર્તાની ટેક્નિક પ્રત્યેની સભાનતા
 -માનવમનની વિચિત્રતાનું સફળ રીતે નિરૂપણ
-વાતાવરણ પ્રધાન વાર્તા
ગ્રામ પરિવેશ ઝીલતી વાર્તાઓ ‘છેલ્લું છાણું' , ‘ઝાકળિયું’,  'ગુજરી ની ગોદડી’, ' મારી ચંપાનો વર' કલાગુણે ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છે.

બહુમુખી સર્જક પ્રતિભાનો સર્જક : ઉમાશંકર જોશી
બહુમુખી સર્જક પ્રતિભાનો સર્જક  ઉમાશંકર જોશીએ ટૂંકી વાર્તાઓ લખવાનો પ્રારંભ કર્યો ત્યારે ઉમાશંકર જોશી ‘વિશ્વ શાંતિ’ના કવિ તરીકે સુખ્યાત બની ચૂક્યા હતા. ‘ગંગોત્રી’ની પણ ઘણી બધી કવિતાઓ લખાઈ ચૂકી હતી. ‘સાપના ભારા’ના એકાંકીઓ અને ‘નિશીથ’ની કવિતાઓનો એ ઉત્તમ સમયગાળો હતો. કવિ ઉમાશંકરની ઉભરતી સર્જકતા કવિતા સિવાયના અન્ય સાહિત્ય સ્વરૂપોમાં પણ ખીલી ઉઠી હતી.


વાર્તાકાર તરીકે પ્રયોગોશીલ ઉમાશંકર જોશી
 ઉમાશંકર જોશીની ઘણી બધી વાર્તાઓની રચના રીતિ પરસ્પરથી ભિન્ન છે. ભાવ પરિસ્થિતિઓ પણ ભિન્ન ભિન્ન છે અને જુદી જુદી રીતે આકારિત થતી જોવા મળે છે. કથાકાર તરીકે સામાજિક વાસ્તવ પ્રત્યે ઝુકાવ હોવા છતાં ટેકનીક પરત્વે ઉમાશંકર અત્યંત સભાન છે. તેમને મતે ટૂંકી વાર્તા લેખકની કોઈ વિશિષ્ટ ભાવપરિસ્થિતિને સાકાર કરવા મથતી શુદ્ધ કલા સર્જનની પ્રવૃત્તિ છે. એટલે આ વાર્તાઓને ચોથા દાયકાની ગાંધી માર્ક્સ પ્રેરિત ભાવનાવાદ કે વાસ્તવવાદની અભિવ્યક્તિ રૂપે નહીં કલા સ્વરૂપની દ્રષ્ટિએ જોવી રહે છે.

 મનોવૈજ્ઞાનિક ભૂમિકામાં લખાયેલી વાર્તાઓ

ચરિત્ર પ્રધાન વાર્તા ‘પિપાસુ’ 
પ્રથમ પુરુષમાં કહેવાયેલી આ વાર્તાના કેન્દ્રમાં સુમંત છે. કથક સુમંતનો મિત્ર છે અને તે એના ભૂતકાળને જાણે છે. એ ભૂતકાળની ભૂમિકામાં વર્તમાનને આલેખતા જઈ એના વિલક્ષણ વર્તાવને સમજવાનું સૂત્ર વાચકને પણ પકડાવે છે. પ્રથમ પુરુષમાં કહેવાતી રીતિનો લાભ લઇ સુમંત વિશે ઘણું કહી દેવાય છે. ખાસ તો તેની ‘અતાગ પિપાસા' વિશે. એ ભૂમિકા પછી સુમંતના જીવનમાં એક સાંજે જે કંઈ ‘ઘટે’ છે એનું બયાન એની પાસેથી સાંભળી, એના શબ્દોમાં કથક વાચક સામે ધરે છે. ભાવ પરિસ્થિતિના આ રીતના સંકલનથી વાર્તા વાચાળ લાગતી નથી. એટલું જ નહીં, સુમંતની પિપાસાનો સંકેત કલાત્મક રીતે સ્ફૂટ થાય છે.
 માનવ માનવ વચ્ચે રહેલી દૂરતાની સદા વાત કરતી અને અંદરથી કોઈકનીય મમતા પામવાની અદમ્ય પિપાસા હોવી આ બે વિરોધબિંદુઓની સહોપસ્થિતિ વાર્તાની શક્તિ બને છે.

અમુચમુ : મનોવિજ્ઞાનની ભૂમિકામાં બે જુદાજુદા મિત્રોના વર્તનનું હળવાશથી અર્થઘટન
આ વાર્તામાં વાર્તાકાર ઉમાશંકર જોશી મનોવિજ્ઞાનની ભૂમિકામાં બે અભિન્ન મિત્રોના વર્તનનું હળવાશથી અર્થઘટન કરે છે. જોકે વાર્તામાં કટ્ટર માનસવૈદ્ય એવા શિક્ષક વિજુદાદાના ચિકિત્સાવૃત્તિથી થતા પ્રશ્નો અને એમના મનમાં જાગતી પ્રતિક્રિયાઓ થોડી મુખર બની જાય છે. ‘કંટાળો’ શબ્દ આ વાર્તામાં ચાવીરૂપ છે. તેનું ઉદભવસ્થાન મનોવૈજ્ઞાનિક છે. વિજુદાદા માનસવૈદ્ય હોવા છતાં મિત્રો વચ્ચે જાગેલા આ ‘બોધ’નું મૂળ ક્યાં છે, તે પકડી શકતા નથી.

‘મુકુલના બહેન' પણ મનોવિજ્ઞાનની ભૂમિકામાં લખાયેલી વાર્તા
‘મુકુલના બહેન'  મનોવિજ્ઞાનની ભૂમિકામાં લખાયેલી વાર્તા છે અને જરા વિશિષ્ટ પ્રકારની વાર્તા છે. શીર્ષક સૂચવે છે તેમ વાર્તાના કેન્દ્રમાં મુકુલ નામનું માતા વિનાનું બાળક છે. વાર્તામાં મુકુલના પિતા પ્રીતમલાલ અને એનાં  બહેન -શિક્ષિકા-માલિનીબહેન વચ્ચે કડીરૂપ બને છે. એટલું જ નહીં, એ બાળક દ્વારા માલિની પ્રીતમલાલના મૃત પત્ની પ્રત્યેના ઉત્કટ પ્રેમભાવનો અંદાજ મેળવે છે. અને તેથી પ્રીતમલાલ પ્રત્યે માલિનીનો પ્રેમ વળે છે.  મુકુલ એમાં નિમિત્ત છે લગ્ન પછી પ્રીતમ લાલ પૂછે છે.  વાર્તામાં પ્રીતમલાલનું ચરિત્ર સુંદર રીતે પ્રગટ થયું છે. બાળકને ધ્યાનમાં રાખીને પ્રૌઢ મનોની લીલા આલેખતી બહુ ઓછી આવી વાર્તાઓ લખાઈ છે.

‘પરબીડિયાં' એક વિશિષ્ટ વાર્તા
‘પરબીડિયાં' એક વિશિષ્ટ વાર્તા છે. એક નવી ભાવોપરિસ્થિતિનું આલેખન આ વાર્તામાં થયું છે. વાર્તાનો સુર અને શૈલી સાદ્યંત વ્યંગ્યાત્મક રહ્યાં છે. વવિડંબનનો વાર્તાકાર પ્રભાવક ઉપયોગ કરી શક્યા છે. એ પ્રભાવ વાર્તા પ્રથમપુરુષમાં કહેવાતાં દ્વિગુણિત બની જાય છે. વાર્તાનો ‘હું’ તે રાજ્યોનો આજનો કાનૂન મંત્રી છે. જે આ વાર્તાના અન્ય પાત્રોની જેમ સ્વતંત્રતા આંદોલનનો સૈનિક હતો. સૌ નેતાઓનો ચળવળ વખતનો ઇતિહાસ જાણે છે.

‘બે બહેનો' અને ‘તરંગ’માં  મનોવૈજ્ઞાનિક ટેકનિકનો આધાર
‘બે બહેનો' અને ‘તરંગ’માં વાર્તાકાર મનોવૈજ્ઞાનિક ટેકનિકનો આધાર લે છે.  રચના સમયની દ્રષ્ટિએ આ વાર્તાઓ પરર્વતી સમયગાળાની છે. સ્વપ્નની ટેકનીક પ્રત્યે આ વાર્તાકાર ‘શ્રવણ’ને પક્ષપાત છે. વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું હોત તો કદાચ આ પ્રકારના પ્રયોગોની દિશામાં વાર્તાકારને જવું ગમ્યું હોત. એ વિશે સ્વયં વાર્તાકારે બીજે નિર્દેશ કરેલો છે.
નાની બહેન લલિતાના અવચેતન મનની પ્રક્રિયા ઝીલાઈ છે. મોટી બહેન સૂર્યા ગોપીકાંત સાથે જવા નીકળે છે ત્યારે ગોપીનાથ લલિતાને પણ આવવા કહે છે. તેનું સગપણ સૂર્યા સાથે થયું છે પણ લલિતા સાથે એના મનમાં અસ્પષ્ટ આકર્ષણભાવ અવશ્ય જોઈ શકાય છે. વાચકને સંકેત આપ્યા વિના લલિતાના મનમાં ડોકિયું કરાવે છે. જેમાં તે જાણે મોટી બહેનના અવસાન પછી ગોપીકાંત સાથે સંસાર માંડે છે. પણ આ લલિતાના અચેતન મનની સૃષ્ટિ છે. એની વાર્તાના અંતમાં જતા ખબર પડે છે.

ગ્રામમાનસનું યથાર્થ ચિત્રણ કરતી વાર્તાઓ 
મનોવૈજ્ઞાનિક વાસ્તવની કલાત્મક વાર્તા સ્થાપના દ્વારા અને એકાંકીઓની જેમ જ કામ પરિવેશ અને ગ્રામમાનસનું યથાર્થ ચિત્રણ ઉમાશંકર જોશીની કેટલીક વાર્તાઓમાં જોવા મળે છે. 

‘પગલીનો પાડનાર'
‘પગલીનો પાડનાર' વાર્તા પુત્રનું મુખ જોવાની શાંતારામની તીવ્ર વાસનાને વાર્તાકારે  ગ્રામ પરિવેશ અને ગ્રામ માનસ દ્વારા પ્રગટ થવા દીધી છે. પુત્ર કિસનની લીલી વાડી જોવાની શાંતારામની એષણા તીવ્રથી તીવ્રતમ થતી નાની મોટી પ્રતિક્રિયાઓ દ્વારા નિરુપાઈ છે. પડોશીની નાની જયતીના “પગલીનો પાડનાર” ગાનથી તો આ એષણા શાંતારામમાં વિકૃતિની કક્ષાએ પહોંચતી જોવા મળે છે. પગલીના પાડનારની આશામાં ડોસાને મરણ સ્થિતિએ પહોંચાડવામાં કોઈને થોડી અતિ થતી હશે. પણ વાર્તાના સહજ વિકાસ ક્રમમાં જ તે આવે છે. વાર્તાકારે એવી પરિસ્થિતિ નિર્મી છે કે એક બાજુ શાંતારામની અંતિમ ક્ષણો હોય અને બીજી બાજુ કિસનની વહુને પુત્ર અવતરે. શાંતારામની મૃત્યુ પથારીએ પૌત્ર જન્મની વધામણી કહેવામાં આવે છે ત્યારે એને મનમાં થાય છે કે, “શીદને મારી મરતી વખતે દુખિયારાની મશ્કરી કરો છો ?”અને આખું ગામ કહે છે કે,” લો આટલું સુખ કમી હતું તે ડોસા પામીને મૂઆ.” પરંતુ આ વાક્ય જુઓ : “ ડોસાએ ખોળિયું બદલ્યું, મારા ભાઈ ! આગલા ખંડમાંથી અંદરના ખંડમાં ગયા એટલું !” ડોસા પોતે પોતાના પૌત્ર રૂપે જન્મ્યા એવી લોક માનસની આકાંક્ષાપૂર્તિની વાત અહીં કહેવાઈ છે.

‘કલંકિની’માં ગ્રામ માનસની ભૂમિકા
‘કલંકિની’માં પણ ગ્રામ માનસની ભૂમિકા છે. વાર્તા શુદ્ધ ઘટના પ્રધાન છે. છતાં ઘટના કહી જવામાં વાર્તાકારને રસ નથી. એ ઘટના બનવાની પ્રક્રિયામાં વાર્તા રચાતી જાય છે. શુદ્ધ ચરિત્ર સાધન નંદજી દ્વારા ખોટા આપવાથી ગામ નજરે કલંકિની ઠરનાર નિર્દોષ, શુદ્ધ શીલવાન લખીને વાર્તાને અંતે કોઈ ચરિત્રહીન બાવા સાથે ભાગી જવાનું થાય એ પરિસ્થિતિમાં એક વિડંબનાત્મક સૂર પ્રગટ થાય છે.

હિલ્લી'  અસરકારક જૂની ઢબની વાર્તા
‘હિલ્લી'  અસરકારક જૂની ઢબની વાર્તા છે પણ વાર્તાના અંત ભાગમાં હીલ્લીનું સ્વાભાવિક ભાવ સંક્રમણ વાર્તાને વિલક્ષણ બનાવી રહે છે. પોતાની માની શોધ અને એ માટે રોજની બસની પ્રતીક્ષાની વાત પ્રભાવક બની છે. હિલ્લી પોતાની મા વિશે બાવાજીને પૂછતી ત્યારે તેઓ કહેતા, “ તું જ તારી માં છે.” ધના સાથે પરણ્યા પછી સંતાન થતા બાવાજી તેને કહે છે કે “તું તારું નામ હવે બદલી નાખ. આનું નામ હવે હિલ્લી.” ખરેખર તો બિલ્લી નામ અનાથ બાળકીને દૂધ પીવડાવવા માટે રાખેલી બકરીનું નામ હતું. અને તેને યાદ દેવડાવે છે કે હું તને કહેતો હતો કે તું જ તારી માં છે. તો હિલ્લીને તેમાં બધા શબ્દો નવા ભાવમાં સમજાયા છે.

‘છેલ્લું છાણું’ કરુણ અંત ધરાવતી હૃદયસ્પર્શી વાર્તા.
‘છેલ્લું છાણું’ કરુણ અંત ધરાવતી હૃદયસ્પર્શી વાર્તા છે. ઉમાશંકર જોશીની વાર્તામાં અહીં નાટ્યકાર ઉમાશંકર વાર્તાકારની મદદે આવે છે. વાર્તા-પ્રધાનપણે  સંવાદથી જ ગતિ કરે છે. સંવાદમાં તો આકરી ટપાટપી છે. ટપાટપીમાં એક શબ્દ એવો આવે  કે ટપાટપીને આગળ લઈ જાય. જીવીના હાથમાંનું છાણું વેણીરામના આંગણામાં ટુકડે ટુકડા થઈ વેરાઈ ગયા પછી થતા ઝઘડામાં વેણીની માં જીવીની સાસુના શબ્દો સાંભળી, જીવ ટાઢો રાખવાનું કહીને જ્યારે કહે છે કે, “ તું તો કટમ્બણ મૂઈ છે- પછી તરત જ, “ કટમ્બણ ગયું મસાણમાં.” એવો જવાબ સામો અપાય. એમાંથી મસાણમાં જવાની વાત આવે તે તરત તે વખતે છાણું લઈને  કુટુંબી તરીકે નીકળવાની વાત સ્વાભાવિક રીતે નીકળે. વેણીમાં કહે છે-“ તમે બે જણાં શરાપ દેશો તોય  આ મારાં છોકરાને છાણું દોર્યા વિના છૂટકો છે ?” આ શબ્દો ઠંડા વેરના જ છે.
વાર્તાકારે સાસુ વહુના મરણનું અનુમાન કૂનેહપૂર્વક વાચક પર છોડી દઈ વાર્તાને મેલોડ્રામિક થતી બચાવી લીધી છે. 

છેલ્લું છાણું વાર્તાનો અંત
ટાઢમાં ધ્રુજતી જીવીને સાસુ કહે છે, “મરી જશું એ જ ને ? ભલે કંઈ નહીં. તને લાગે છે એટલી બધી ટાઢ ?... નથી, ખરું ? ખૂબ નથી ટાઢ, ખરું ? 
“જરી પેલો સાલ્લોને પેલી તૂટેલી ગોદડી મને ઓઢાડને.” 
ટાઢ અને આ ઘરની દરિદ્રતિ વિશે હવે કશું કહેવાનું નથી રહેતું. બારણું વાસ્યુ છે, પણ બારણામાં કઈ રહ્યું નથી, પવન વાયા કરે છે. હવે આ ઘરમાં ત્રીજું પાત્ર તે આ પવન. પછીના સાસુ વહુના સંવાદની મર્મ ભેદી પ્રભાવકતા ગુજરાતી ભાષામાં તો વિરલ છે. પોતાના મરી ગયા પછી સાસુ વહુને, તો વહુ સાસુને છાણું લઈને નીકળવાનું કહે છે: પછી એ બે ઊંઘ્યા કે નહીં એની ખબર પડી શકે તેમ નથી.
 કારણ કે આખી રાત બારણા પર પછડાઈ પછડાઈને પવન સામસામા બે સવાલજવાબો સાંભળ્યા જ કરતો હતો-
“હં ?”
“હં !”
 વાર્તામાં છેવટે વેણીને પુત્ર મંગુનો પ્રવેશ થાય છે. જીવી કોઈ જવાબ આપતી નથી એટલે તે છાણાના દેવતાથી સળગાવેલું બોયું જીવીના હાથે ચાંપે છે. આ ક્રિયા દ્વારા વાર્તાકાર સિદ્ધ કરે છે સાસુ વહુનું છાણું તો હવે વેણીને જ દોરવાનું રહ્યું. પણ શિશુ દ્વારા અજાણ્યે થતી અગ્નિ ચાંપવાની ક્રિયામાં આ બે નજીકના કુટુંબો વચ્ચેના ખારનું નિરસન સૂચવાય છે. દુઃખ સહન કરવાની આખરી સીમારૂપ જીવીના “ ખસ-હં” એ છેલ્લા શબ્દો સાથે વાર્તાનો અંત પ્રભાવક બની રહે છે.

‘તરંગ’એક જુદી વાર્તા
 ‘તરંગ’શીર્ષકમાં પ્રશ્ન સૂચક છે.   વાર્તામાં જે બને છે તે ખરેખર અજીતના મનનો તરંગ છે કે બનેલો સાચો પ્રસંગ છે ? હજી હમણાં જ મૃત્યુ પામેલા મિત્ર મોહનને જુએ છે- એટલું જ નહીં, બંને વચ્ચે સંવાદ થાય છે પરંતુ વાર્તામાં એવા સંકેતો છે. જેથી વાર્તા પૂરી થતાં વાચક સમજી જાય છે કે મોહનને એ સાક્ષાત જુએ છે.

‘મારી ચંપાનો વર'- ગુજરાતી ભાષાની વિશેષ વાર્તા
‘મારી ચંપાનો વર' ઉમાશંકર નહીં જ નહીં, ગુજરાતી ભાષાની વિશેષ વાર્તા છે. અ-મૉરલ-નીતિનિરપેક્ષ આવી વાર્તા સદીના ચોથા દશકમાં ગુજરાતી ભાષામાં લખાઈ છે તેની નોંધ લેવી જોઇએ. ખૂબી તો એ છે કે ક્યાંય સુરુચિનો પણ ભંગ થતો નથી. પણ એ વાત મહત્વની નથી મહત્વ તો વાર્તાકાર જે રીતે પોતાની સામગ્રી સાથે કામ પાર પાડે છે તેનું છે. વર્તાકાર લક્ષ્મીના વૈધવ્ય જીવનની વાત લક્ષ્મીના અપૂર્વ રૂપના સંદર્ભમાં આલેખી વાચકની સહાનુભૂતિ જીતી છે એવું નથી એ સહાનુભૂતિ તો જીતે છે બાળ ચંપા પ્રત્યેના લક્ષ્મીના વલણથી.” હું લક્ષ્મી નથી, ચંપાની બા છું.” એ ભાવ સાથે આત્મવિલોપન કરી દીકરીને ઉછેરતી લક્ષ્મીને બતાવવામાં આવી છે. પરંતુ જ્યારે લક્ષ્મી પોતાની દીકરી માટે વર શોધે છે ત્યારે જાણેઅજાણે પોતાની પસંદગીનો વર શોધે છે. પોતાની બહેનપણી ગૌરીનું મૃત્યુ થયું છે એના પતિની તે પસંદગી કરે છે. લક્ષ્મી પૂનમલાલ વચ્ચે બંધાતા સંબંધો અત્યંત વ્યંજનાથી આલેખાયેલા છે. વાર્તાકાર અંતે લખે છે, “ અને ચંપા, બાનું વેર લેવા જાણે બમણા વ્હાલથી દીકરીને ઉછેરતી રહી.” આ છેલ્લું વાક્ય વાર્તા સંદર્ભે અત્યંત સાંકેતિક છે. ચંપા પણ પોતાની મા લક્ષ્મીના આચરણનુ અનુકરણ કરશે કે શું ?એ પ્રશ્ન સાથે વાચકને એકાએક અચંબો પામતો રાખી વાર્તાનો અંત લાવવામાં વાર્તાકારની મોટી સિદ્ધિ છે.

‘ગુજરીની ગોદડી' એક વિશિષ્ટ વાર્તા
‘ગુજરીની ગોદડી' એક વિશિષ્ટ વાર્તા છે. ટૂંકી વાર્તાને ઉમાશંકર જોશી ઊર્મિ કવિ અને લલિત નિબંધની સહોદર કહે છે. એમણે લખ્યું છે કે ઘણી ટૂંકવાર્તાઓ એવી હોય છે કે જેને લલિત નિબંધ ન કહેવા માટે કોઈ કારણ ન હોય. આ એવા પ્રકારની વાર્તા છે. રચનાકારના સ્વાનુભવનો અંશ એમાં એટલો અનુભવાય છે કે કોઈ એને લલિત નિબંધ કહી શકે. એ રીતે વાર્તાની રચનારીતિ જરા મુક્ત છે અને અંત પણ ખુલ્લો છે. વાર્તાના કેન્દ્રમાં નાયક તરીકે ખાસ કોઈ એક પાત્ર નથી. હા, લેખકે કહ્યું છે તેમ ઠંડી ગુજરીની ગોદડીની નાયિકા છે. એ રીતે આ વાતાવરણ પ્રધાન વાર્તા છે. અહીં વાર્તાકાર ઉમાશંકર જોશી માનવતાવાદી હ્યુમિનિસ્ટ ઉમાશંકર તરીકે અછતા રહેતા નથી. પણ એ બોધ વાર્તાના ચરિત્ર દ્વારા જ પ્રગટ થાય છે.

‘ઝાકળિયું’ વર્ગ સંઘર્ષની વાર્તા
‘ગ્રામ પરિવેશની વાર્તા છે. પરંતુ એ આ પરિવેશની અન્ય વાર્તાઓ કરતા વ્યાપક સંદર્ભ ધરાવે છે. એક રીતે વર્ગસંઘર્ષની આ વાર્તા છે. પ્રથમ પુરુષમાં કહેવાતી આ વાર્તામાં વાર્તા કથકની ચેતના એક વિવેકશીલ કિશોરની છે. જે કિશોર અવસ્થાની એ ચેતનાને સમયમાં જરા દૂર રહી વિશ્લેષણ કરી શકે એટલો મોટો થયો છે. એટલે તો વાર્તાનું પહેલું વાક્ય છે, “છેક નાનપણની વાત છે.” પ્રથમ પુરુષની કથનરીતિ લેખકકીય ટીકા ટિપ્પણનું વ્યવધાન વાર્તાને નડતું નથી. આ વાર્તા આજે પણ એટલી જ પ્રભાવક લાગે છે. ગુજરાતીમાં પ્રગતિવાદ આવ્યા પહેલાની પ્રાગતિક  ચેતનાની આ વાર્તા છે. પ્રગતિ હોવા છતાં તે જરાય બોલકી નથી, તેથી તેની ઘેરી અસર વાચક પર પડે છે. કવિ ઉમાશંકર કરતા ‘ઝાકળિયા’ની હોળીની પોઢી જવા કરતી ઝળોના વર્ણનથી વાર્તાનો અંત કરતા વાર્તાકાર ઉમાશંકરનો કલાત્મક સંયમ દાદ માંગી લે છે.

‘શ્રાવણી મેળો'  વર્ગ સંઘર્ષની
‘શ્રાવણી મેળો'  વર્ગ સંઘર્ષની વાર્તા છે. પરંતુ આ વાર્તામાં આદિવાસી વિસ્તારમાં ભરાતા મેળાનું જે ઉત્સવી વાતાવરણ છે અને વાતાવરણની સાથે પ્રણયસંવેગોની જે ચઢઉતર છે તે વધારે છાઈ રહે છે. મેળાના સમયે આનંદમાં ઉલ્લાસમય મોજા પર બે હૈયા ક્ષણિક સવાર થયેલા લાગે છે પણ પછી વિષાદની ગર્તામાં  ધકેલાઈ જાય છે. એ વિષાદ વાચકના હૈયામાં પણ ઘર કરી જાય છે. ચકડોળમાં બેઠેલા દેવો અને અંબી એકબીજાનું ગામ કે નામ જાણ્યા વગર, તેમને પોતાને ખબર પડે તે પહેલા એકબીજાને પસંદ કરી લે છે.
પરંતુ વાર્તાકાર યુગલના અને વચ્ચે એક પાત્રનો પ્રવેશ કરાવે છે. જે આ મેળાના વાતાવરણમાં સૌથી વિસંવાદી છે. બાપનું દેવુ ભરાય તે પહેલા પરણવાની દેવાને ઉતાવળ નહોતી. પણ આ તો થતામાં થઈ ગયું અને વીરચંદ શેઠની નજરે અંબી સાથે જતો દેવો ચડે છે. દેવો અંબી પ્રણયમગ્ન અર્ધસ્પૂટ શબ્દોના ઉજાસમાં છે ત્યાં દુરિતનો પડછાયો પડે છે. શેઠ ચતુરાઈથી અંબીથી દૂર દેવા સાથે શબ્દોની આપલેમાં ખેતરની વાત આવતા કહે છે, “એ તો ચડી ગયા ચોપડે ક્યારના !” 
દેવાના બાપ કાના તરારને દેવો અંબી સાથે આવે છે એવા ખબર વીરચંદ શેઠ દ્વારા મળ્યા હશે, તેથી બે ખાટલા જોડે એમણે પાથરી રાખ્યા હતા. પણ દેવો 'બે'ના વિચારે મગજ ઝાલ્યું ન રહેતા ખૂણામાંથી કુહાડો ઉપાડી કાળી ઘોર રાત્રિમાં વીરચંદના ઘર તરફ ધસી જાય છે. અને આ પ્રેમની વિફલતાના કારણમાં આર્થિક શોષણ પડેલું જણાય છે અને એ રીતે વર્ગ સંઘર્ષના બીજી વાર્તામાં  જોઈ શકાય છે. વાર્તાનો અંત પણ એક ઉચિત હતો. બીજા શ્રાવણે, મેળા વખતે, ચક્કર લેતા ચકડોળ સામે શૂન્ય નજરે જોતી ઉભી અંબીને બતાવી છે. રાજની તુરગ/જેલમાં દેવો શું કરતો હશે ? એની પણ કલ્પના છેલ્લે વાર્તાકારે કરી છે. 
ઉપસંહાર 
આમ, ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યને ઉત્તમ વાર્તાઓ આપી છે. કવિ ઉમાશંકર જોશી તરીકે તેઓ ખ્યાતનામ છે; પરંતુ વાર્તાકારોમાં ઉમાશંકર જોશી પણ  નોંધપાત્ર રહ્યા છે, એ વાતની સાબિતી “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” વાંચતા આપણને મળે છે.

સંદર્ભ
(૧) “ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” સંપાદન-ઉમાશંકર જોશી
(૨) ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ” માં “આ વાર્તાઓ” વિષયક ભોળાભાઈ પટેલનો પ્રારંભિક લેખ.
(૩)“અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ” ડૉ. રમેશ એમ ત્રિવેદી

ગુરુવાર, 13 જુલાઈ, 2023

પદ સ્વરૂપ સમજાવો. #જયશ્રી ચૌધરી

પદનું સ્વરૂપ 
|અર્થ | વ્યાખ્યા| લક્ષણો|

# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 
ગુજરાતી પદનું સ્વરૂપ સમજાવી તેના લક્ષણો ચર્ચો./મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો ઉદ્ભવ અને વિકાસ આલેખો/પદના મુખ્ય સ્વરૂપો સમજાવો.

પ્રસ્તાવના 
પદ એ મધ્યકાળનું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે. માનવ હૃદયના ભાવોને અભિવ્યક્ત કરતું મધ્યકાળનું લઘુ ગેય અને ઊર્મિ પ્રધાન કાવ્ય સ્વરૂપ છે. તે અર્વાચીન ઉર્મિકવિતા જેવું એક મધ્યકાલીન કાવ્ય સ્વરૂપ છે. મધ્યકાળમાં પદ કાવ્ય સ્વરૂપનું ખૂબ ખેડાણ થયું છે. મધ્યકાળમાં નરસિંહ મીરાં, ભાલણ, પ્રીતમ, ભોજો, દયારામ વગેરે ગુજરાતી કવિઓ, સૂરદાસ તુલસીદાસ જેવા હિન્દી કવિઓ તથા ચંડીદાસ વિદ્યાપતિ વગેરે બંગાળી કવિઓએ પદ કાવ્ય સ્વરૂપમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં  નરસિંહ, મીરાં અને દયારામ મધ્યકાળના  શ્રેષ્ઠ પદ કવિઓ છે.

પદ સ્વરૂપનો ઉદભવ અને સમજણ
 'પદ' શબ્દ  સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. પદ સ્વરૂપ ગુજરાતીમાં અપભ્રંશમાંથી ઉતરી આવ્યું છે.
પદ શબ્દના ત્રણ અર્થ
 પદ શબ્દ ત્રણ અર્થમાં વપરાય છે
 (૧) વ્યાકરણની રીતે પ્રત્યય લાગેલા નામ કે ધાતુના રૂપને 'પદ' કહેવાય છે.
(૨) ચરણ કે પંક્તિને પણ 'પદ' કહે છે.
(૩) કડીઓના સમૂહ ધરાવતા કાવ્યને  'પદ' કહેવામાં આવે છે.
 આમ પદનો અર્થ વિસ્તાર આ રીતે સમજાવી શકાય.
ચરણ ➡️કડી ➡️કડી સમૂહ.

 આમ, પદનો અર્થ પંક્તિનું એક ચરણ, કડી, અને કડી સમૂહ એ રીતે અર્થ વિસ્તાર થતો ગયો. પદનો દ્વિપદી, ત્રિપદી, ચતુષ્પાદિકા(ચોપાઈ), ષડપદી(છપ્પો) એ રીતે એનો વિસ્તાર થયો.ધીરે ધીરે પદ એટલે અમુક કડીનું નાનકડું કાવ્ય એવો અર્થ સ્થાપિત થયો. 
પદ નાનું ઊર્મિસભર કાવ્ય 
પદનું જન્મ સ્થાન ઊર્મિ કે પ્રબળ લાગણી છે. કદમાં નાનું પણ ઊર્મિસભર કાવ્ય છે.તેને ઊર્મિ કાવ્ય કહી શકાય. પદમાં પ્રવાહી લાગણી હોય છે. પદનું ઉત્પત્તિ સ્થાન ઊર્મિનો ઉભરો છે.
આ પદમાં પ્રસ્તુત ઊર્મિ બે પ્રકારની હોય છે:
(૧) પ્રેમલક્ષણા
(૨) ઉપદેશાત્મક 

 પદ સ્વરૂપ
પદનું મહત્વનું અંગ
પદનું મહત્વનું અંગ ધ્રુવપદ કે ટેકની પંક્તિ છે.
પદની વ્યાખ્યા
(૧)માનવ હૃદયના ભાવોને અભિવ્યક્ત કરતું મધ્યકાળનું લઘુ ગેય અને ઊર્મિ પ્રધાન કાવ્ય સ્વરૂપ.
(૨) " કવિઓ ભાવના ઉભરાઓને શબ્દમાં આકાર આપવા માંડે કે પદનો જન્મ થાય... પદ્યમાં સહજ રીતે, સરળ રીતે, લાગણીના જે ઉદગારો નીકળે તે બધાં પદો જ બની રહે." 
                     ઉમાશંકર જોશી
(૩) "પદ મધ્યકાલીન ગુજરાતી કવિતામાંનો ઊર્મિપ્રધાન, નાનકડો, નાજુક સુગેય પ્રકાર છે." 

                  -  નિરંજન રાજ્યગુરુ
                 "ગુજરાતી વિશ્વકોશ" 
(૪) "પદ ગુજરાતી સાહિત્યમાં વૈવિધ્યપૂર્ણ રીતે પ્રાચીન કાળથી પ્રયોજાતો આવેલો એક પદ્ય પ્રકાર છે કે જેમાં રાગ, ઢાળ,તાલ, પદબંધ અને વિષયનું સાયુજ્ય રહેલું હોય છે. જે
 પરબ્રહ્મ કે પરમાત્મા પ્રત્યેનો ભક્તિભાવ, અંગત ઊર્મિપ્રધાન ભાવો અને સંગીતાત્મક અંશોને રજૂ કરે છે."
 
 પદની વિશેષતા 

 પદ મુક્તક કરતાં મોટો અને આખ્યાન કાવ્ય કરતાં નાનો પ્રકાર છે. 
 પદ મુક્તક અને આખ્યાન કાવ્યની વચ્ચેનો પ્રકાર છે.

  પદનું ખેડાણ

પદ જૈન અને જૈનેતર  વૈષ્ણવ, શૈવ, શાક્ત, વેદાંતી વગેરે તમામ મતના કવિઓએ લખ્યા છે.

પદના લક્ષણો 
(૧) ટૂંકું અને સઘન કાવ્ય રૂપ

(૨)સહજ, સરળ અભિવ્યક્તિ

(૩) ભાવ વિચારની એકસૂત્રતા

(૪) નાટ્યાત્મકતા સંવાદાત્મક 

(૫)સંબોધન જેવી નિરૂપણ રીતિ
 (૬)વર્ણનાત્મકતા

 (૭)ચિત્રાત્મકતા 

(૮) ઊર્મિ પ્રધાન- પ્રબળ લાગણીની અભિવ્યક્તિ 

(૯)ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય 

(૧૦)ગેયતાને અનુકૂળ 
(૧૧) ભાવને અનુરૂપ ઢાળ

(૧૩) માનવ હૃદયના ભાવોનું સહજ સરળ આલેખન

(૧૪) કથનાત્મકતા

(૧૫) એક જ ભાવસ્થિતિનું નિરૂપણ (૧૬)શબ્દયોજના અને ભાવગૂંફન 

(૧૭)નાના નાના પ્રસંગોનું નિરૂપણ

 (૧૮)ગહન ચિંતનની રજૂઆત

(૧૯)વિચાર, સંવેદના, ઊર્મિ, પ્રેરણાની મેળવણી

(૨૦) આકર્ષક ધ્રુવ પંક્તિ-પ્રત્યેક કડીને અંતે વારંવાર આવતી ધ્રુવપંક્તિ.

પદના વિવિધ પ્રકારો 

 પદના સાહિત્ય સ્વરૂપોમાં ભજન, થાળ, આરતી, ધોળ, હાલરડું કે ઝૂલણું, કાફી, કટારી, પ્યાલો, આસદ આગમ, પરજ, રામગીરી, પ્રભાતી, પ્રભાતિયાં, ઝૂલણાં, પ્રબંધો, રાસાઓ આખ્યાનો વગેરેનો સમાવેશ થાય છે.

પદના મુખ્ય સ્વરૂપો 
(૧) ભજન : પ્રભુ ભક્તિ પદ. ઈષ્ટ દેવી દેવતાને ભજવા માટે ભજન મંડળમાં ગવાય તેવું સ્વરૂપ. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય અને પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવનું પ્રદર્શન.
ઉદા૦ " મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા"
 મીરા 
"હરિનો મારગ છે શૂરાનો.."
 પ્રીતમ તથા પૂજા નું કાચબા કાચબીનું ભજન પ્યાલો કબીર પંથી વગેરે અન્ય ભજનો
(૨)  કીર્તન : ભજનનું જ એક સ્વરૂપ. પ્રભુ કીર્તન, સ્તવન, સ્તુતિ, વર્ણન મંગળા, શણગાર, ભોગ, થાળ, આરતી, શય્યા, હિંડોળાના પદોમાં આરાધ્યદેવનું કીર્તન.
 (૩) પ્રભાતિયા : પ્રભાતના પ્હોરમાં ગવાતા પદ. નરસિંહ પ્રભાત કવિ. ઉદા૦ "જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા"
 નરસિંહ મહેતા ઇષ્ટદેવ પ્રત્યેના જ્ઞાન અને ભક્તિના પદો 
 (૪) થાળ :ઇષ્ટદેવ કે દેવીને થાળ ધરાવવાના પ્રસંગે થાળ આરોગવાની પ્રાર્થના કરતા પદો. થાળની વાનગીઓ અને ભગવાનના ગુણો વર્ણવતાં પદ તે થાળ. થાળમાં વાનગીઓની યાદી હોય છે અને ભગવાનને તે આરોગવા માટેની નમ્ર અરજ કરવામાં આવે છે.
 (૫) આરતી : ભક્ત હૃદયની આરત કે આરઝૂ.  ઇષ્ટદેવ કે દેવીના અવતાર, ગુણ, પરાક્રમ, રૂપના વર્ણનનો જયનાદ.  વૈષ્ણવ, શાકત અને સ્વામિનારાયણ કવિઓએ આરતીમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.
(૬) પારણું કે હાલરડું : બાલકૃષ્ણ કે બાલરામને ઝુલાવતી વખતે ગવાતું વાત્સલ્ય અને ભક્તિમય પદ તે હાલરડું. માતા બાળકને પોઢાડતી વખતે ગીત ગાય તે હાલરડું જ તે બાળક ભગવાન હોય તો તે ભક્તિપદ.
(૭) પ્રાર્થના : પ્રભુ, ઇષ્ટદેવ કે દેવીને ઉદ્દેશીને થતી કોઈ વિનંતી. વિનંતી, યાચના, કૃપાની માગણી કે  અરજને પ્રાર્થના કહેવાય છે.
(૮) ગરબી-ગરબો-રાસ :
ધૂમીને નાચવા ગાવાનું ગતિશીલ ઊર્મિ પદ છે. કવિતા, સંગીત અને નર્તનનો ત્રિવેણી સંગમ. ગરબી પ્રેમભક્તિનું  સમૂહ ગીત છે. દયારામની ગરબી ઉત્તમ તેમનું દ્રષ્ટાંત છે. ગરબા મોટેભાગે અંબાજી, બહુચરાજી મહાકાળી માતાજી વગેરે દેવીઓની આરાધન કરતું ભક્તિગીત.તે સમૂહમાં નૃત્યમય રીતે શક્તિના રૂપ, ગુણ, પરાક્રમનું વર્ણનાત્મક કથનાત્મક પ્રસ્તુતિ. રાસ એ જીવનના ઉલ્લાસનું ગાન છે. તાળી, દાંડિયા વગેરેના તાલ સાથે સમૂહમાં ઘૂમીને નાચવા ગાવાનું ગેય સ્વરૂપ છે. અને રાધાકૃષ્ણ ગોપીઓ રાસનું પ્રતીક છે.  રાસડા વીર ચરિતના પરાક્રમના લાંબા કથાનાત્મક વર્ણનો છે. ઉદા૦ભાથીજીનો રાસ
(૯) માસ : (મહિના-બારમાસી) જૈન બારમાસી પ્રકૃતિ વર્ણન. 
ઉદા૦રાજુલનેમિનાથ વિનયચંદ્રકૃત નેમિનાથ ચતુષ્પાદિકા
ભક્તિ કવિઓ રાધા વિરહના 12 માસ કહે છે, તેરમા માસે પ્રીતમ આવી મળે છે.
 તિથિ : 15 તિથિના વિરહ વર્ણન
 વાર :  સાત વારના વર્ણન 
માતૃકા-કકકા : માતૃકા 'અ' થી શરૂ થાય. કક્કો 'ક' થી શરૂ થાય છે

ઉપસંહાર
 પદ એ મધ્યકાળનું લઘુ, ઊર્મિપ્રધાન એવું કાવ્ય સ્વરૂપ છે જે માનવ હૃદયના ભાવોને રજૂ કરે છે. વિચાર, સંવેદના, ઊર્મિ પ્રેરણા વગેરેનું વર્ણનાત્મક,કથાનાત્મક તથા સંવાદાત્મક સ્વરૂપ એ પદ છે. જેમાં લય કે છંદ  મહત્વનું લક્ષણ ગણાય છે. જે દ્રુત, મધ્ય કે વિલંબિત લયમાં ગવાય છે. એક જ ભાવસ્થિતિનું નિરૂપણ થાય .છે પદમાં ચોક્કસ પંક્તિ સંખ્યા નિશ્ચિત નથી હોતી. "બંસી બોલ"  પદકવિ દયારામને માનવામાં આવે છે.

સંદર્ભ 
(૧)"મધ્યકાલીન અર્વાચીન સાહિત્ય સ્વરૂપો"- ડૉ. ભરતકુમાર ઠાકર શબ્દલોક પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ 2009.
(૨) "મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ તથા અર્વાચીન સુધારક યુગ" યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય અમદાવાદ.
(૩) વિશ્વનાથ જાનીકૃત "પ્રેમપચીસી" સં.પ્રસાદ બ્રહ્મભટ્ટ, આદર્શ પ્રકાશન

⚫ વિનંતી 🙏 
જો આપને આ માહિતી રોચક અને ઉપકારક લાગી હોય તો મારા  બ્લોગને  
⬇️
⬇️
મારી આ ચેનલને 
⬇️
લાઈક સબ્સ્ક્રાઇબ અને શેઅર કરવા નમ્ર વિનંતી છે. આપનું આ પ્રોત્સાહન મને વધારે અભ્યાસલક્ષી માહિતી પૂરી પાડવામાં ઉત્સાહ વધારે છે.

 ➡️ આપનો આભાર 🙏


મંગળવાર, 11 જુલાઈ, 2023

મુદ્દાઓ પરથી વાર્તાલેખન # જયશ્રી ચૌધરી@STP College, Ankleshwar

રૂપરેખા કે મુદ્દાઓ પરથી વાર્તા લેખન કરવા માટે કેટલાક ધ્યાનપાત્ર મુદ્દાઓ

લગભગ દરેક માણસની વાર્તા વાંચવી કે સાંભળવી ગમે છે. સદીઓથી માણસ વાર્તા રસિક રહ્યો છે. વાર્તા સાંભળવા કરતાં વાર્તા કહેવાનું કે લખવાનું વધારે કઠિન હોય છે. તેથી આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખવાનો મહાવરો કરવાથી વિદ્યાર્થીની કલ્પનાશક્તિ ખીલે છે અને તે સ્વતંત્ર રીતે વાર્તા લેખન કરતાં શીખી શકે છે. વાર્તા લેખન કરવું એ કળા છે.  એમ કહેવાયું છે કે Poets are born, not made- કવિઓ જન્મતા હોય છે; બનતા નથી. પરંતુ મુદ્દાઓને આધારે  સતત મહાવરાથી સારી વાર્તા લખવાની કળા વિકસે છે.  પ્રયત્ન કરો તો સારા વાર્તાકાર બની શકાય છે. વાર્તા લેખન કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે.

 રૂપરેખા કે મુદ્દાઓ પરથી વાર્તા લેખન કરવા માટેના કેટલાંક ધ્યાનપાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે : 

(૧) વાર્તા લેખન માટે અગત્યના મુદ્દાઓ , કેટલીકવાર અંતસૂચક વાક્યો કે બોધાત્મક ઉક્તિ અથવા તો શીર્ષક આપવામાં આવ્યું હોય છે. આ મુદ્દાઓ કે રૂપરેખાને આધારે આખી વાર્તા બનાવવાની હોય છે. સૌથી પહેલાં આપેલા મુદ્દાઓ કે રૂપરેખાને બરાબર સમજી લો. 

(૨)આપેલા મુદ્દાઓ કે રૂપરેખાને બરાબર સમજીને વાર્તાના વિષયને શોધો. કોઈ અગત્યનો મુદ્દો રહી ન જાય તેની કાળજી રાખો. તેની સાથે અન્ય મુદ્દાઓનો ક્રમ જળવાય તે બાબત ધ્યાનમાં રાખીને વાર્તાનો કલ્પના શક્તિથી વિસ્તાર કરો. જ્યાં જરૂર જણાય ત્યાં સ્થળ કે સમયનું વર્ણન ઉમેરતા જાઓ.

(૩) વાર્તાનો પ્રારંભ કરતી વખતે કોઈ ભૂમિકા કે પ્રસ્તાવના ન બાંધતા સીધેસીધી વાર્તા લેખન કરવાની શરૂઆત કરજો. આપેલા મુદ્દાઓ કે રૂપરેખા કે તેને આધારે  શોધેલા વિષયના સંકેતના આધારે કલ્પના શક્તિથી આખી વાર્તાનો વિસ્તાર કરો. તે એક સુરેખ વાર્તાકૃતિ બને તેવી રીતે એની ગોઠવણી કરો.

(૪) એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે વાર્તાનો આરંભ અસરકારક અને આકર્ષક હોવો જોઈએ. એ જ રીતે વાર્તાનો અંત ચમત્કારિક, ઉપદેશાત્મક સુત્રાત્મક, વિચારપ્રેરક કે નવાઈ ઉપજાવે એવો હોવો જોઈએ. જાણીતા વાર્તાકાર ધૂમકેતુએ કહ્યું છે તેમ વાર્તા એવી લખાવી જોઈએ કે એ એક તણખો મૂકી જાય. 

(૫) વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી રાખવી જોઈએ. જો તમને જરૂર જણાય તો રૂઢિપ્રયોગો, કહેવતોયુક્ત ભાષાનો ઉપયોગ કરીને વાર્તા લેખનની કળા તમે સાધી શકો છો.

(૬) વાર્તાની શરૂઆત તમે સ્થળ કે સમયના વર્ણનથી પણ કરી શકો અને તેની સાથે જ પહેલા મુદ્દાને વિસ્તાર કરીને વાર્તા ગોઠવણી કરી શકો છો.

(૭) વાર્તામાં વિચાર કે પ્રસંગ બદલાય ત્યાં ફકરો પાડવો જરૂરી છે.

(૮) ખાસ યાદ રાખવું કે વાર્તામાં પ્રસંગ, વર્ણન અને સંવાદ એકબીજા સાથે સુમેળ સાધતા હોવા જોઈએ.

 (૯) જ્યાં શક્ય હોય ત્યાં સંવાદ ઉમેરો. સંવાદ વગરની વાર્તા આત્મા વગરના શરીર જેવી લાગશે. સંવાદ ટૂંકા, અસરકારક અને જીવંત હોવા જોઈએ.

(૧૦) વાર્તા લખતી વખતે આપેલા મુદ્દા કે રૂપરેખાને વળગી રહીને વાર્તા વિસ્તાર કરતા રહો. 

(૧૧) વાર્તાલેખન કરતી વખતે બહુ લાંબા કે ગુંચવાડાભર્યા ન સમજાય તેવા વાક્ય પ્રયોગ કરવા કરતાં ટૂંકા અને સરળ વાક્યોનો ઉપયોગ કરો.

(૧૨) ખાસ એ યાદ રાખો કે વાર્તામાં બિનજરૂરી લંબાણ ન થાય અને મુદ્દા કે રૂપરેખા બહારની વાતનું ઉમેરણ એમાં ન થાય.

(૧૩) વાર્તા લેખન કરતી વખતે ભૂતકાળનો ઉપયોગ કરવો જરૂરી છે. મોટેભાગે વાર્તા ભૂતકાળમાં જ લખવી જોઈએ.

(૧૪) વાર્તાના મુખ્ય ઘટકોમાં  વિષયવસ્તુ, પ્રસંગ,પાત્રો, સંવાદ, વર્ણન, કથનશૈલી, ભાષાશૈલી, વાતાવરણ અને  ઉદ્દેશ હોવા જોઈએ. આ બાબતોને આધારે વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ.

(૧૫) વાર્તા લેખન કરતી વખતે ભાષાશુદ્ધિ, જોડણી અને વિરામચિહ્નોનો  યથાર્થ પ્રયોગ કરવાથી વાર્તા આકર્ષક બને છે.

(૧૬) વાર્તાને યોગ્ય શીર્ષક આપવાનું હોય તો 
-વાર્તામાં કોઈ મહત્વનો પ્રસંગ હોય કે -વાર્તાનું પરિણામરૂપ કોઈ અવતરણ હોય  
-વાર્તા માટે કોઈ અગત્યનું  પાત્ર હોય -વિષયવસ્તુના આધારે કે કોઈ પ્રસંગના આધારે 
 આ બાબતોને આધારે અર્થપૂર્ણ, ટૂંકું અને સચોટ શીર્ષક આપવું જોઈએ.

(૧૭) જો કોઈ ઉપદેશ આપવામાં આવ્યો હોય તો વાર્તાના ઉપસંહારમાં તે પણ દર્શાવી શકાય. 

 વિદ્યાર્થી મિત્રો, આટલી વાતો ધ્યાનમાં રાખીને તમે મુદ્દા પરથી સરસ વાર્તા લેખન કરી શકશો.

 નીચે આપેલા મુદ્દા પરથી આશરે 200 જેટલા શબ્દોમાં એક વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો.

(૧)મુદ્દા : એક એકલવાયી વૃદ્ધ સ્ત્રી-અંધાપો આવવો-દાકતરની દવા શરૂ કરી-દૃષ્ટિ પાછી આવે તો દાક્તરને ફી આપવાની કબૂલાત- દાકતરનું સારવાર અર્થે રોજ ઘેર આવવું - સુંદર અને મોંઘુ રાચરચીલું ઉઠાવી જવું-વૃદ્ધ સ્ત્રીનો અંધાપો દૂર થવો-રાચરચીલું દેખાતું નથી- દાકતરની ફી માટે માગણી- ફી આપવાની ના પાડવી-દાક્તરનો અદાલતમાં દાવો માંડવો- વૃદ્ધ સ્ત્રીની દલીલ દેખતી હોત રાચ રચીલું ન દેખું?- વૃદ્ધ સ્ત્રીની તરફેણમાં ચુકાદો.

(૨)એક વિધવાના એકના એક પુત્રનું અવસાન-આઘાત-પુત્રના શબનો સ્મશાને લઈ જવાનો વિરોધ -એક સજ્જને તેને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી-પુત્રને સજીવન કરવાની ભગવાન બુદ્ધ પાસે સ્ત્રીની આજીજી-ભગવાન બુદ્ધનું આશ્વાસન- જે કુટુંબમાં કોઈનું કદી મરણ ન થયું હોય એવા ઘેરથી મુઠ્ઠી રાઈ લઈ આવવા કહેવું - સ્ત્રીનું નગરમાં ફરવું- નિરાશા-બોધ.

(૩)એક રાજા છુપા વેશે બહાર નીકળવું- સિપાઈને માર્ગ પૂછવું-સિપાઈનો સભ્ય જવાબ-સાથે આવવા આગ્રહ- લાલચ આપવી-સિપાઈનો આક્રોશ- છુપાવેશે આવેલા રાજાને થપ્પડ મારવી-બીજે દિવસે સિપાઈને દરબારમાં બોલાવીને સન્માન કરવું- બોધ.

(૩)અંધ યુવાન-તપ કરવા ચાલ્યા જવું મંદિરમાં કઠોર તપ -પ્રભુનું પ્રસન્ન થવું- વરદાન માંગવા કહેવું-સમૃદ્ધિ ભોગવતાં મારા પૌત્રને જોઉં એ વરદાન માંગવું-એક જ વરદાનમાં દ્રષ્ટિ, વૈભવ અને દીર્ઘાયુની યાચના- ઈશ્વર કૃપા.


ઈશ્વર પેટલીકરનું જીવન અને કવન - જયશ્રી ચૌધરી


ઈશ્વર પેટલીકરનું જીવન અને સર્જન 

| વિદ્યાર્થી ઉપયોગી|

# જયશ્રી ચૌધરી

@ STP College Ankleshwar 


પ્રસ્તાવના 

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક અને સમાજચિંતક. ઈશ્વર પેટલીકરે  ઈયત્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન કર્યું છે. સાહિત્ય જગતમાં ઈશ્વર પેટલીકરના હુલામણા નામે જાણીતા ઈશ્વર પેટલીકરે વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે.  નવલકથા નવલિકા ચરિત્ર નિબંધ પત્રકારત્વ ક્ષેત્રે  તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેઓ લેખક સમાજ ચિંતક અને સમાજસેવક તરીકે વિવિધ સ્તરે નોંધપાત્ર વ્યક્તિ રહ્યા છે.

 (૧)ઈશ્વર પેટલીકરનું જીવન

ઈશ્વર પેટલીકરનો જન્મ

ઈશ્વર પેટલીકરનો જન્મ ઉત્તર ગુજરાતના ચરોતર  પ્રદેશમાં પેટલાદ પાસેના પેટલી ગામે 9 May 1916 ના રોજ થયો હતો. 

ઈશ્વર પેટલીકરના માતા-પિતા

ઈશ્વર પેટલીકરના પિતાનું નામ મોતીભાઈ પટેલ. માતાનું નામ જીવીબા પટેલ.


 ઈશ્વર પેટલીકરનું મૃત્યુ 

ઈશ્વર પેટલીકરનું મૃત્યુ 22 મી નવેમ્બર 1983 ના રોજ 67 વર્ષની વયે થયું હતું. તેમનું અવસાન  હ્રૃદયરોગના હુમલાથી થયું હતું.

ઈશ્વર પેટલીકરને પ્રાપ્ત થયેલ પારિતોષિક

ઈશ્વર પેટલીકરને પારિતોષિક સાહિત્યિક પ્રદાન માટે 1965 માં રણજિતરામ  સુવર્ણચંદ્રક  પ્રાપ્ત થયો હતો.

શિક્ષણ 

ઈશ્વર પેટલીકરે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજીત્રામાં લીધું હતું. 1935માં મેટ્રિકની પરીક્ષા તેમણે આપી હતી. તેમણે વડોદરાની પુરુષ અધ્યાપન શાળામાં તાલીમ લઈને 1938માં ઉત્તમ પદની પદવી પ્રાપ્ત કરી હતી.

 વ્યવસાય

ઈશ્વર પેટલીકરે 1944 સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણ કાર્ય કર્યું હતું. વ્યવસાયે લેખક, શિક્ષક અને પત્રકાર હતા. સામાજિક સેવા ક્ષેત્રે તેમનું પ્રદાન રહ્યું છે. 'લોકનાદ', 'ગુજરાત સમાચાર', 'સંદેશ', 'સ્ત્રી', 'નિરીક્ષક'વગેરે વર્તમાનપત્રો અને સામાયિકોમાં નિયમિત કટાર લેખન તેમણે કર્યું હતું.

 સામાયિકોમાં સંપાદન
 'પાટીદાર' અને આર્ય સમાજ સંસ્થાના  મુખપત્ર 'આર્યપ્રકાશ' સામાયિકોના તંત્રી પદે કામ કર્યું હતું. તેમણે થોડો સમય રેખા માસિક પણ ચલાવ્યું હતું.

(૨) ઈશ્વર પેટલીકરનું સર્જન

નવલકથા
જાણીતા ઈશ્વર પેટલીકરની પહેલી નવલકથા 'જન્મટીપ'1944 માં પુસ્તક રૂપે પ્રગટ થઈ તે પ્રથમ  'પ્રજાબંધુ' સાપ્તાહિકમાં હપ્તે હપ્તે પ્રસિદ્ધ થતી હતી.
(૧) 'જન્મટીપ'-1944
(૨) 'લખ્યા લેખ'-1945
(૩) 'ધરતીનો અવતાર'- 1946
(૪) 'કંકુ ને કન્યા'- 1947
(૫) 'પંખીનો મેળો'- 1948
 (૬) 'કળિયુગ'-1948 
(૭)'કાજળની કોટડીમાં'-1949
(૮) 'મારી હૈયાસગડી' (ભાગ ૧-૨)- 1950
(૯)'મધલાળ' -1950 (૧૦)'ભાવસાગર'- 1951 
(૧૧)'આશાપંખી' 1953
 (૧૨)'તરણા ઓથે ડુંગર'-1954 (૧૩)'કલ્પવૃક્ષ'-1956 
(૧૪)'શકુંતલા'-1957
(૧૫) 'પ્રેમપંથ'-1959
(૧૬) 'યુગના એંધાણ'-1961 (૧૭)'ઋણાનુબંધ'-1963 
(૧૮)'જય પરાજય'-1963
(૧૯) 'લાક્ષાગૃહ'-1965
(૨૦) 'જુજવાં રૂપ'- 1967
(૨૧) 'સેતુબંધ'- 1969
(૨૨) અભિજાત-1971

 વાર્તા સંગ્રહો
(૧)'તાણાવાણા'-1946
(૨) 'પટલાઈના પેચ'- 1946
(૩) 'માનતા'-1947 
(૪) 'પારસમણિ'- 1949
(૫) 'કાશીનું કરવત'- 1949
(૬) 'ચિનગારી'-1950 
(૭)'લોહીની સગાઈ'-1952 (૮)'અભિસારિકા'-1954 
(૯)'આકાશગંગા'-1958
(૧૦)'મિનપિયાસી'-1960 
(૧૧)'કઠપૂતળી'-1962

 રેખાચિત્રો 
(૧)'ગ્રામચિત્રો'-1944 
(૨)'ધૂપસળી'-1953
(૩) 'ગોમતીઘાટ'-1961 

નિબંધ સંગ્રહો 
(૧)જીવનદીપ-1953 
(૨)'લોકસાગરને તીરે તીરે'-1954 (૩)'મહાગુજરાતના નીરક્ષીર'- 1956
(૪) 'સંસારનાં વમળ'- 1957
(૫) 'જીવનસંગમ'- 1960
(૬) 'સુદર્શન'-1960

ઉપસંહાર 
ઈશ્વર પેટલીકરે  ગ્રામીણ સમાજને તેની સંપૂર્ણ વિલક્ષણતાઓ સાથે તેમની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ આલેખ્યો છે. આ તેમની લેખક તરીકેની મુખ્ય વિશેષતા છે. તેને લીધે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર સ્થાન મળ્યું છે.'જનમટીપ', 'કાજળની કોટડી', 'ધરતીનો અવતાર', 'કંકુને કન્યા', 'મારી હૈયાસગડી', 'ભાવસાગર' વગેરે ગ્રામીણ સમાજને આલેખતી નવલકથાઓ છે. 'તરણા ઓથે ડુંગર','યુગના એંધાણ' 'ઋણાનુબંધ', 'લાક્ષાગૃહ', 'જુજવાં રૂપ', 'સેતુબંધ', 'અભિજાત' વગેરે નગરજીવનને આલેખતી નવલકથાઓ છે. 'લોહીની સગાઈ', 'ચતુર મુખી' વગેરે હૃદયસ્પર્શી અને નોંધપાત્ર વાર્તાઓ છે.  જીવનનો વિશાળ અનુભવ, આંતરમનનું પ્રગટીકરણ,વિધ્યપૂર્ણ પાત્રો, પ્રસંગ અને પાત્રોનું સચોટ આલેખન, બળકટ લોકબોલી,  કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ તથા સાદાઈભરી અને સરળ શૈલી ઈશ્વર પેટલીકરની સર્જકતાની વિશેષતા છે.  પેટલીકર ગુજરાતી સાહિત્યના  લોકપ્રિય અને અગ્રણી લેખક  છે.
સંદર્ભ 
(૧)'અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને વિકાસ રેખા -ગાંધી યુગ'- ધીરુભાઈ ઠાકર
(૨) 'અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'- રમેશ એમ. ત્રિવેદી
(૩) 'વિકિપીડિયા'-ઈશ્વર પેટલીકર (૪)'ગુજરાતી વિશ્વકોશ' પેટલીકર, ઈશ્વર મોતીભાઈ-રમણલાલ જોશી 

શનિવાર, 24 જૂન, 2023

મધ્યકાલીન કવિ વિશ્વનાથ જાનીનું જીવન અને કવન - ડૉ.જયશ્રી ચૌધરી ( શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ,અંકલેશ્વર)

મધ્યકાલીન કવિ
વિશ્વનાથ જાનીના જીવન અને કવન

# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 

પ્રશ્ન-૧  વિશ્વનાથ જાનીના જીવન અને કવન વિશે વિસ્તારથી લખો.

                    પ્રસ્તાવના 

"વિશ્વનાથના લાક્ષણિક કવિગુણો એમને મધ્યકાળમાં કવિગણમાં ઊંચે સ્થાને સ્થાપે છે."
                                   - જયંત કોઠારી
 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતીકી મુદ્રા અંકિત કરતી કૃતિઓનું પ્રદાન કરનાર વિશ્વનાથ જાની પોતાની ભાષાને 'ગુર્જર ભાષા' તરીકે ઓળખાવે છે. મધ્યકાળના કવિ વિશ્વનાથ જાનીનો સમયકાળ 17મી સદીનો માનવામાં આવે છે. 

વિશ્વનાથ જાનીનું જીવન 

(૧) વિશ્વનાથની અટક -જાની 
વિશ્વનાથ જાનીએ પોતાની કૃતિઓમાં પદને અંતે 'જ્યાની' એવો ઉલ્લેખ વારંવાર કર્યો છે.
 દા.ત. 
-"કોટિ કામ મુકી કરીને કરવો એહે ઉપાય રે જાની પ્રભુ જદુવીરને જ્યે કીધે સુખ થાયે"
-"પ્રેમે અવગુણ સઘ લા ઢાંકે, જો જ્યાની તું સમર્યા વાંકે." પદ-૭
- જૂઠા જ્યાની જેહવા તુંને લાગે છે, વાહાલા !.. મુજને.. પદ-૯
 આ 'જ્યાની' શબ્દ દરેક પદના અંતિમ ચરણમાં જોવા મળે છે. તેથી તેમની અટક જાની હશે એવું જણાય છે. તેઓ જ્ઞાતિએ અ ઔદીચ્ય બ્રાહ્મણ હતા .

(૨) વિશ્વનાથ જાનીનું વતન
 વિશ્વનાથ જાની પાટણ કે તેની આજુબાજુના પ્રદેશના વતની હતા. કારણ કે તેમની 'મોસાળા ચરિત્ર'ની રચના પાટણમાં થઈ છે. બીજી બે હસ્તપ્રત પાટણમાંથી મળી આવી છે. તેને આધારે તથા અન્ય સંદર્ભને ધ્યાનમાં રાખીને તેઓ પાટણના વતની હતા એમ અભ્યાસકર્તાઓએ જણાવ્યું છે. જો કે આજે પાટણમાં વસતા જાની કુટુંબો મૂળ પાટણના નહીં પણ મહેસાણા જિલ્લાના ધીણોજ પાસે આવેલ કનોડા ગામથી પાટણ આવીને વસ્યા છે. તેઓ કનોડિયા જાની કહેવાય છે. વિશ્વનાથ જાની પણ મૂળ કાનોડાના વતની હોઈ શકે અને પછી પાટણ જઈને વસ્યા હોય એવી સંભાવના છે.

 (૩) વિશ્વનાથ જાનીનો કુલ ધર્મ 
વિશ્વનાથ જાનીનો કુલધર્મ કદાચ શૈવ હોઈ શકે. એમના 'સગાળચરિત્ર'માં શિવભક્તિ જોવા મળે છે. પરંતુ તેમની અન્ય કૃતિઓમાં કૃષ્ણભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. જો એ વાતને ધ્યાનમાં રાખીએ તો એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાની સંભાવના પણ સાચી લાગે છે.

 (૪)વિશ્વના જાનીનો સમયખંડ 
વિશ્વનાથ જાણી 17 મા શતકના કવિ છે. એમની બે કૃતિઓ 'સગાળચરિત્ર' અને 'મોસાળાચરિત્ર'માં ૧૬૫૨ રચનાવર્ષ મળે છે. તેથી તે 17મી સદીના મધ્યભાગમાં થયા થશે એ વાતને પુષ્ટિ મળે છે. જો 'સગાળચરિત્ર'માં સત્યાસિયા દુકાળનું વર્ણન છે. જે સંવત 1686 થી 88 માં ગુજરાતે અનુભવ્યો હતો. જો વિશ્વનાથ જાનીને દુષ્કાળ જોયાની સંભાવના સ્વીકારીએ તો તેનો જન્મ સંબંધ 1670 ની આસપાસ મૂકવો પડે.

 વિશ્વનાથ જાનીનું કવન 
મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ 
વિશ્વનાથ જાનીના નામે ચાર કૃતિઓ જોવા મળે છે.
 (૧)  'સગાળ ચરિત્ર' - આખ્યાનકૃતિ
(૨) 'મોસાળાચરિત્ર'- આખ્યાનકૃતિ
(૩)  'ચતુરચાલીસી'- પદમાળા
(૪) 'પ્રેમ પચીસી'- પદમાળા
 આખ્યાન કૃતિઓ 
 (૧) સગાળ ચરિત્ર' - આખ્યાન કૃતિ 

'સગાળ ચરિત્ર' (1652) અન્નદાનનો મહિમા કરતી આખ્યાન કૃતિ 

 'સગાળ ચરિત્ર' આખ્યાનકૃતિ છે. મધ્યકાળમાં સગાળની કથા આલેખતી અન્ય આઠ કથા મળે છે. પરંતુ વિશ્વનાથનું 'સગાળચરિત્ર' અન્નદાનનો મહિમા કરે છે. અહીં શિવશિવા(શિવ-પાર્વતી) દુષ્કાળગ્રસ્ત સમયમાં સગાળની કસોટી કરે છે, તે પ્રસંગનું આલેખન થયું છે.આ પ્રસંગમાં કવિએ દસમા કડવામાં ભયંકર દુકાળનું વર્ણન કર્યું છે. આ દુકાળમાં સગાળે કરેલી લોકસેવાનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. સંવત 1686 થી 88 દરમિયાન ગુજરાતમાં સત્યાશિયો દુકાળ અને તેની ભીષણતા ઇતિહાસમાં પણ નોંધાઈ છે અને તત્કાલીન કેટલાક કવિઓની કૃતિઓમાં પણ આલેખાઈ છે. 
સગાળશાની ભક્તિભાવના આતિથ્ય સત્કાર અને નિયમનું વિલક્ષણ વર્ણન કૃતિને શ્રેષ્ઠ બનાવે છે. કુંવર ચેલૈયાને ખાંડતી માતા-પિતાની વાત્સલ્ય ભર્યા વેદનાના ઉદગાર હૃદયસ્પર્શી છે. કવિએ કાવ્યના પ્રારંભે શિવકથા શ્રવણના સુખો વર્ણવ્યા છે. સગાળના પૂર્વ જન્મરૂપ કર્ણના જીવનના બે પ્રસંગો અવાંતરકથારૂપે આલેખ્યા છે. કર્ણના ત્યાગ સમયે કુંતીની વેદનાનું હૃદય સ્પર્શી ચિત્રણ થયું છે. કવિની પ્રારંભની આ કૃતિમાં કરૂણ રસનું અસરકારક આલેખન થયું છે.


 (૨ ) 'મોસાળાચરિત્ર'(૧૬૫૨)- આખ્યાનકૃતિ

 'મોસાળાચરિત્ર'- આખ્યાનકૃતિ છે. તે આ કથાવસ્તુની કૃતિઓની સમગ્ર પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું મામેરુ ભગવાન શ્રીકૃષ્ણએ સગાળશાશેઠ રૂપે મામેરુ  કર્યું એ પ્રસંગની આ કૃતિ પહેલાંન કૃતિઓ કરતાં સારો વસ્તુ વિકાસ દર્શાવે છે. પ્રેમાનંદના 'કુંવરબાઈનું મામેરુ' ને ઘણી સામગ્રી પૂરી પાડે છે. જો કે પ્રેમાનંદ ચડિયાતો કવિ છે, છતાં રસસ્થાનોને ખીલવવામાં વિશ્વનાથ પાછા પડ્યા નથી. પ્રેમાનંદના 'કુંવરબાઈનું મામેરુમાં ક્યાંક ક્યાંક તો એના નિરૂપણો પણ એના એ જ રહે છે. પ્રેમાનંદે વિશ્વના જાનીએ દર્શાવેલા પ્રસંગબીજને વધારે રસાત્મક રીતે ખીલવ્યું છે.

 પદમાળાઓ

 (૧ ) ચતુર ચાલીસી

 શૃંગારભાવને પ્રગટાવતી 'ચતુર ચાલીસી' 40 પદોની માળા છે. જે કૃષ્ણ ગોપીના પ્રણય, રાસ અને મનામણાંના પ્રસંગોને આલેખે છે. આ જયદેવના 'ગીતગોવિંદ'નું અનુસરણ કરતી કૃતિ છે. લગભગ 375 કડીઓમાં વહેંચાયેલી આ પદમાળા પ્રસંગ આલેખન કરતાં ભાવ આલેખન તરફ વધારે ઢળે છે. કૃતિમાં સંવાદનો વધારે આધાર લેવામાં આવ્યો છે, તેથી તેની કથનશૈલી નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. 40 પદોમાં કવિએ નાટ્યાત્મક આરંભ કરીને સુરુચિપૂર્ણ રીતે શૃંગારનું સંયત નિરૂપણ કરીને રમણીય શબ્દચિત્રો આપ્યા છે. આ કૃતિમાં ભાવ અને ભાષાની મધુરતા કૃતિને આસ્વાદ્યતા આપે છે.

 (૨)  પ્રેમપચીસી પદમાળા
 શ્રીમદ ભાગવતના 46-47મા બે અધ્યાયોમાં નિરૂપાયેલી ઉદ્ધવ સંદેશની કથાને જાનીએ પ્રેમપચીસીમાં નવા દૃષ્ટિકોણથી નવીન રીતે રજૂ કરી છે. 'પ્રેમપચીસી'માં કુલ 25 પદો છે. આ બધા પદો વસુદેવ-દેવકી, કૃષ્ણ, નંદ-યશોદા અને ગોપીઓ વગેરેની ઉક્તિઓ રૂપે આલેખાયેલ છે. સંવાદ હોવાથી કૃતિને નાટ્યાત્મક ઊર્મિકાવ્યનો ઘાટ મળે છે. નંદ-યશોદા, વસુદેવ-દેવકીનો વાત્સલ્યભાવ તથા કૃષ્ણની સંવેદનાઓનું હૃદયસ્પર્શી મૂર્ત ચિત્રણ થયું છે. કૃષ્ણ-ગોપીના શૃંગાર ભાવ કરતાં  નંદ-યશોદા, વસુદેવ-દેવકીના વાત્સલ્યભાવને મળેલું પ્રાધાન્ય પ્રેમ પચીસીને અનન્ય બનાવે છે.

 ઉપસંહાર 
'સગાળાચરિત્ર' અને 'મોસાળાચરિત્ર' નામના બે આખ્યાનો તથા 'ચતુરચાલીસી' અને પ્રેમપચીસી' નામની બે પદમાળાઓ વિશ્વનાથ જાની પાસેથી મળે છે. આ રચનાઓ વિશ્વનાથ જાનીને મધ્યકાળના મધ્યમકક્ષાના નોંધપાત્ર કવિ તરીકે સ્થાન આપે છે.  કથાકથન નહીં પણ ભાવનિરૂપણ એ તેમની વિશ્વનાથ જાનીની વિશેષતા છે, ખાસિયત છે.
સંદર્ભ
(૧ ) પ્રેમપચીસી સં.પ્રસાદ બ્રહ્મભટ્ટ
(૨) ગુજરાતી વિશ્વકોશ -જાની, વિશ્વનાથ (૧૭ મી સદી)જયંત કોઠારી