મંગળવાર, 11 જુલાઈ, 2023

ઈશ્વર પેટલીકરનું જીવન અને કવન - જયશ્રી ચૌધરી


ઈશ્વર પેટલીકરનું જીવન અને સર્જન 

| વિદ્યાર્થી ઉપયોગી|

# જયશ્રી ચૌધરી

@ STP College Ankleshwar 


પ્રસ્તાવના 

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક અને સમાજચિંતક. ઈશ્વર પેટલીકરે  ઈયત્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન કર્યું છે. સાહિત્ય જગતમાં ઈશ્વર પેટલીકરના હુલામણા નામે જાણીતા ઈશ્વર પેટલીકરે વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે.  નવલકથા નવલિકા ચરિત્ર નિબંધ પત્રકારત્વ ક્ષેત્રે  તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેઓ લેખક સમાજ ચિંતક અને સમાજસેવક તરીકે વિવિધ સ્તરે નોંધપાત્ર વ્યક્તિ રહ્યા છે.

 (૧)ઈશ્વર પેટલીકરનું જીવન

ઈશ્વર પેટલીકરનો જન્મ

ઈશ્વર પેટલીકરનો જન્મ ઉત્તર ગુજરાતના ચરોતર  પ્રદેશમાં પેટલાદ પાસેના પેટલી ગામે 9 May 1916 ના રોજ થયો હતો. 

ઈશ્વર પેટલીકરના માતા-પિતા

ઈશ્વર પેટલીકરના પિતાનું નામ મોતીભાઈ પટેલ. માતાનું નામ જીવીબા પટેલ.


 ઈશ્વર પેટલીકરનું મૃત્યુ 

ઈશ્વર પેટલીકરનું મૃત્યુ 22 મી નવેમ્બર 1983 ના રોજ 67 વર્ષની વયે થયું હતું. તેમનું અવસાન  હ્રૃદયરોગના હુમલાથી થયું હતું.

ઈશ્વર પેટલીકરને પ્રાપ્ત થયેલ પારિતોષિક

ઈશ્વર પેટલીકરને પારિતોષિક સાહિત્યિક પ્રદાન માટે 1965 માં રણજિતરામ  સુવર્ણચંદ્રક  પ્રાપ્ત થયો હતો.

શિક્ષણ 

ઈશ્વર પેટલીકરે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજીત્રામાં લીધું હતું. 1935માં મેટ્રિકની પરીક્ષા તેમણે આપી હતી. તેમણે વડોદરાની પુરુષ અધ્યાપન શાળામાં તાલીમ લઈને 1938માં ઉત્તમ પદની પદવી પ્રાપ્ત કરી હતી.

 વ્યવસાય

ઈશ્વર પેટલીકરે 1944 સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણ કાર્ય કર્યું હતું. વ્યવસાયે લેખક, શિક્ષક અને પત્રકાર હતા. સામાજિક સેવા ક્ષેત્રે તેમનું પ્રદાન રહ્યું છે. 'લોકનાદ', 'ગુજરાત સમાચાર', 'સંદેશ', 'સ્ત્રી', 'નિરીક્ષક'વગેરે વર્તમાનપત્રો અને સામાયિકોમાં નિયમિત કટાર લેખન તેમણે કર્યું હતું.

 સામાયિકોમાં સંપાદન
 'પાટીદાર' અને આર્ય સમાજ સંસ્થાના  મુખપત્ર 'આર્યપ્રકાશ' સામાયિકોના તંત્રી પદે કામ કર્યું હતું. તેમણે થોડો સમય રેખા માસિક પણ ચલાવ્યું હતું.

(૨) ઈશ્વર પેટલીકરનું સર્જન

નવલકથા
જાણીતા ઈશ્વર પેટલીકરની પહેલી નવલકથા 'જન્મટીપ'1944 માં પુસ્તક રૂપે પ્રગટ થઈ તે પ્રથમ  'પ્રજાબંધુ' સાપ્તાહિકમાં હપ્તે હપ્તે પ્રસિદ્ધ થતી હતી.
(૧) 'જન્મટીપ'-1944
(૨) 'લખ્યા લેખ'-1945
(૩) 'ધરતીનો અવતાર'- 1946
(૪) 'કંકુ ને કન્યા'- 1947
(૫) 'પંખીનો મેળો'- 1948
 (૬) 'કળિયુગ'-1948 
(૭)'કાજળની કોટડીમાં'-1949
(૮) 'મારી હૈયાસગડી' (ભાગ ૧-૨)- 1950
(૯)'મધલાળ' -1950 (૧૦)'ભાવસાગર'- 1951 
(૧૧)'આશાપંખી' 1953
 (૧૨)'તરણા ઓથે ડુંગર'-1954 (૧૩)'કલ્પવૃક્ષ'-1956 
(૧૪)'શકુંતલા'-1957
(૧૫) 'પ્રેમપંથ'-1959
(૧૬) 'યુગના એંધાણ'-1961 (૧૭)'ઋણાનુબંધ'-1963 
(૧૮)'જય પરાજય'-1963
(૧૯) 'લાક્ષાગૃહ'-1965
(૨૦) 'જુજવાં રૂપ'- 1967
(૨૧) 'સેતુબંધ'- 1969
(૨૨) અભિજાત-1971

 વાર્તા સંગ્રહો
(૧)'તાણાવાણા'-1946
(૨) 'પટલાઈના પેચ'- 1946
(૩) 'માનતા'-1947 
(૪) 'પારસમણિ'- 1949
(૫) 'કાશીનું કરવત'- 1949
(૬) 'ચિનગારી'-1950 
(૭)'લોહીની સગાઈ'-1952 (૮)'અભિસારિકા'-1954 
(૯)'આકાશગંગા'-1958
(૧૦)'મિનપિયાસી'-1960 
(૧૧)'કઠપૂતળી'-1962

 રેખાચિત્રો 
(૧)'ગ્રામચિત્રો'-1944 
(૨)'ધૂપસળી'-1953
(૩) 'ગોમતીઘાટ'-1961 

નિબંધ સંગ્રહો 
(૧)જીવનદીપ-1953 
(૨)'લોકસાગરને તીરે તીરે'-1954 (૩)'મહાગુજરાતના નીરક્ષીર'- 1956
(૪) 'સંસારનાં વમળ'- 1957
(૫) 'જીવનસંગમ'- 1960
(૬) 'સુદર્શન'-1960

ઉપસંહાર 
ઈશ્વર પેટલીકરે  ગ્રામીણ સમાજને તેની સંપૂર્ણ વિલક્ષણતાઓ સાથે તેમની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ આલેખ્યો છે. આ તેમની લેખક તરીકેની મુખ્ય વિશેષતા છે. તેને લીધે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર સ્થાન મળ્યું છે.'જનમટીપ', 'કાજળની કોટડી', 'ધરતીનો અવતાર', 'કંકુને કન્યા', 'મારી હૈયાસગડી', 'ભાવસાગર' વગેરે ગ્રામીણ સમાજને આલેખતી નવલકથાઓ છે. 'તરણા ઓથે ડુંગર','યુગના એંધાણ' 'ઋણાનુબંધ', 'લાક્ષાગૃહ', 'જુજવાં રૂપ', 'સેતુબંધ', 'અભિજાત' વગેરે નગરજીવનને આલેખતી નવલકથાઓ છે. 'લોહીની સગાઈ', 'ચતુર મુખી' વગેરે હૃદયસ્પર્શી અને નોંધપાત્ર વાર્તાઓ છે.  જીવનનો વિશાળ અનુભવ, આંતરમનનું પ્રગટીકરણ,વિધ્યપૂર્ણ પાત્રો, પ્રસંગ અને પાત્રોનું સચોટ આલેખન, બળકટ લોકબોલી,  કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ તથા સાદાઈભરી અને સરળ શૈલી ઈશ્વર પેટલીકરની સર્જકતાની વિશેષતા છે.  પેટલીકર ગુજરાતી સાહિત્યના  લોકપ્રિય અને અગ્રણી લેખક  છે.
સંદર્ભ 
(૧)'અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને વિકાસ રેખા -ગાંધી યુગ'- ધીરુભાઈ ઠાકર
(૨) 'અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'- રમેશ એમ. ત્રિવેદી
(૩) 'વિકિપીડિયા'-ઈશ્વર પેટલીકર (૪)'ગુજરાતી વિશ્વકોશ' પેટલીકર, ઈશ્વર મોતીભાઈ-રમણલાલ જોશી 

શનિવાર, 24 જૂન, 2023

મધ્યકાલીન કવિ વિશ્વનાથ જાનીનું જીવન અને કવન - ડૉ.જયશ્રી ચૌધરી ( શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ,અંકલેશ્વર)

મધ્યકાલીન કવિ
વિશ્વનાથ જાનીના જીવન અને કવન

# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 

પ્રશ્ન-૧  વિશ્વનાથ જાનીના જીવન અને કવન વિશે વિસ્તારથી લખો.

                    પ્રસ્તાવના 

"વિશ્વનાથના લાક્ષણિક કવિગુણો એમને મધ્યકાળમાં કવિગણમાં ઊંચે સ્થાને સ્થાપે છે."
                                   - જયંત કોઠારી
 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતીકી મુદ્રા અંકિત કરતી કૃતિઓનું પ્રદાન કરનાર વિશ્વનાથ જાની પોતાની ભાષાને 'ગુર્જર ભાષા' તરીકે ઓળખાવે છે. મધ્યકાળના કવિ વિશ્વનાથ જાનીનો સમયકાળ 17મી સદીનો માનવામાં આવે છે. 

વિશ્વનાથ જાનીનું જીવન 

(૧) વિશ્વનાથની અટક -જાની 
વિશ્વનાથ જાનીએ પોતાની કૃતિઓમાં પદને અંતે 'જ્યાની' એવો ઉલ્લેખ વારંવાર કર્યો છે.
 દા.ત. 
-"કોટિ કામ મુકી કરીને કરવો એહે ઉપાય રે જાની પ્રભુ જદુવીરને જ્યે કીધે સુખ થાયે"
-"પ્રેમે અવગુણ સઘ લા ઢાંકે, જો જ્યાની તું સમર્યા વાંકે." પદ-૭
- જૂઠા જ્યાની જેહવા તુંને લાગે છે, વાહાલા !.. મુજને.. પદ-૯
 આ 'જ્યાની' શબ્દ દરેક પદના અંતિમ ચરણમાં જોવા મળે છે. તેથી તેમની અટક જાની હશે એવું જણાય છે. તેઓ જ્ઞાતિએ અ ઔદીચ્ય બ્રાહ્મણ હતા .

(૨) વિશ્વનાથ જાનીનું વતન
 વિશ્વનાથ જાની પાટણ કે તેની આજુબાજુના પ્રદેશના વતની હતા. કારણ કે તેમની 'મોસાળા ચરિત્ર'ની રચના પાટણમાં થઈ છે. બીજી બે હસ્તપ્રત પાટણમાંથી મળી આવી છે. તેને આધારે તથા અન્ય સંદર્ભને ધ્યાનમાં રાખીને તેઓ પાટણના વતની હતા એમ અભ્યાસકર્તાઓએ જણાવ્યું છે. જો કે આજે પાટણમાં વસતા જાની કુટુંબો મૂળ પાટણના નહીં પણ મહેસાણા જિલ્લાના ધીણોજ પાસે આવેલ કનોડા ગામથી પાટણ આવીને વસ્યા છે. તેઓ કનોડિયા જાની કહેવાય છે. વિશ્વનાથ જાની પણ મૂળ કાનોડાના વતની હોઈ શકે અને પછી પાટણ જઈને વસ્યા હોય એવી સંભાવના છે.

 (૩) વિશ્વનાથ જાનીનો કુલ ધર્મ 
વિશ્વનાથ જાનીનો કુલધર્મ કદાચ શૈવ હોઈ શકે. એમના 'સગાળચરિત્ર'માં શિવભક્તિ જોવા મળે છે. પરંતુ તેમની અન્ય કૃતિઓમાં કૃષ્ણભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. જો એ વાતને ધ્યાનમાં રાખીએ તો એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાની સંભાવના પણ સાચી લાગે છે.

 (૪)વિશ્વના જાનીનો સમયખંડ 
વિશ્વનાથ જાણી 17 મા શતકના કવિ છે. એમની બે કૃતિઓ 'સગાળચરિત્ર' અને 'મોસાળાચરિત્ર'માં ૧૬૫૨ રચનાવર્ષ મળે છે. તેથી તે 17મી સદીના મધ્યભાગમાં થયા થશે એ વાતને પુષ્ટિ મળે છે. જો 'સગાળચરિત્ર'માં સત્યાસિયા દુકાળનું વર્ણન છે. જે સંવત 1686 થી 88 માં ગુજરાતે અનુભવ્યો હતો. જો વિશ્વનાથ જાનીને દુષ્કાળ જોયાની સંભાવના સ્વીકારીએ તો તેનો જન્મ સંબંધ 1670 ની આસપાસ મૂકવો પડે.

 વિશ્વનાથ જાનીનું કવન 
મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ 
વિશ્વનાથ જાનીના નામે ચાર કૃતિઓ જોવા મળે છે.
 (૧)  'સગાળ ચરિત્ર' - આખ્યાનકૃતિ
(૨) 'મોસાળાચરિત્ર'- આખ્યાનકૃતિ
(૩)  'ચતુરચાલીસી'- પદમાળા
(૪) 'પ્રેમ પચીસી'- પદમાળા
 આખ્યાન કૃતિઓ 
 (૧) સગાળ ચરિત્ર' - આખ્યાન કૃતિ 

'સગાળ ચરિત્ર' (1652) અન્નદાનનો મહિમા કરતી આખ્યાન કૃતિ 

 'સગાળ ચરિત્ર' આખ્યાનકૃતિ છે. મધ્યકાળમાં સગાળની કથા આલેખતી અન્ય આઠ કથા મળે છે. પરંતુ વિશ્વનાથનું 'સગાળચરિત્ર' અન્નદાનનો મહિમા કરે છે. અહીં શિવશિવા(શિવ-પાર્વતી) દુષ્કાળગ્રસ્ત સમયમાં સગાળની કસોટી કરે છે, તે પ્રસંગનું આલેખન થયું છે.આ પ્રસંગમાં કવિએ દસમા કડવામાં ભયંકર દુકાળનું વર્ણન કર્યું છે. આ દુકાળમાં સગાળે કરેલી લોકસેવાનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. સંવત 1686 થી 88 દરમિયાન ગુજરાતમાં સત્યાશિયો દુકાળ અને તેની ભીષણતા ઇતિહાસમાં પણ નોંધાઈ છે અને તત્કાલીન કેટલાક કવિઓની કૃતિઓમાં પણ આલેખાઈ છે. 
સગાળશાની ભક્તિભાવના આતિથ્ય સત્કાર અને નિયમનું વિલક્ષણ વર્ણન કૃતિને શ્રેષ્ઠ બનાવે છે. કુંવર ચેલૈયાને ખાંડતી માતા-પિતાની વાત્સલ્ય ભર્યા વેદનાના ઉદગાર હૃદયસ્પર્શી છે. કવિએ કાવ્યના પ્રારંભે શિવકથા શ્રવણના સુખો વર્ણવ્યા છે. સગાળના પૂર્વ જન્મરૂપ કર્ણના જીવનના બે પ્રસંગો અવાંતરકથારૂપે આલેખ્યા છે. કર્ણના ત્યાગ સમયે કુંતીની વેદનાનું હૃદય સ્પર્શી ચિત્રણ થયું છે. કવિની પ્રારંભની આ કૃતિમાં કરૂણ રસનું અસરકારક આલેખન થયું છે.


 (૨ ) 'મોસાળાચરિત્ર'(૧૬૫૨)- આખ્યાનકૃતિ

 'મોસાળાચરિત્ર'- આખ્યાનકૃતિ છે. તે આ કથાવસ્તુની કૃતિઓની સમગ્ર પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું મામેરુ ભગવાન શ્રીકૃષ્ણએ સગાળશાશેઠ રૂપે મામેરુ  કર્યું એ પ્રસંગની આ કૃતિ પહેલાંન કૃતિઓ કરતાં સારો વસ્તુ વિકાસ દર્શાવે છે. પ્રેમાનંદના 'કુંવરબાઈનું મામેરુ' ને ઘણી સામગ્રી પૂરી પાડે છે. જો કે પ્રેમાનંદ ચડિયાતો કવિ છે, છતાં રસસ્થાનોને ખીલવવામાં વિશ્વનાથ પાછા પડ્યા નથી. પ્રેમાનંદના 'કુંવરબાઈનું મામેરુમાં ક્યાંક ક્યાંક તો એના નિરૂપણો પણ એના એ જ રહે છે. પ્રેમાનંદે વિશ્વના જાનીએ દર્શાવેલા પ્રસંગબીજને વધારે રસાત્મક રીતે ખીલવ્યું છે.

 પદમાળાઓ

 (૧ ) ચતુર ચાલીસી

 શૃંગારભાવને પ્રગટાવતી 'ચતુર ચાલીસી' 40 પદોની માળા છે. જે કૃષ્ણ ગોપીના પ્રણય, રાસ અને મનામણાંના પ્રસંગોને આલેખે છે. આ જયદેવના 'ગીતગોવિંદ'નું અનુસરણ કરતી કૃતિ છે. લગભગ 375 કડીઓમાં વહેંચાયેલી આ પદમાળા પ્રસંગ આલેખન કરતાં ભાવ આલેખન તરફ વધારે ઢળે છે. કૃતિમાં સંવાદનો વધારે આધાર લેવામાં આવ્યો છે, તેથી તેની કથનશૈલી નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. 40 પદોમાં કવિએ નાટ્યાત્મક આરંભ કરીને સુરુચિપૂર્ણ રીતે શૃંગારનું સંયત નિરૂપણ કરીને રમણીય શબ્દચિત્રો આપ્યા છે. આ કૃતિમાં ભાવ અને ભાષાની મધુરતા કૃતિને આસ્વાદ્યતા આપે છે.

 (૨)  પ્રેમપચીસી પદમાળા
 શ્રીમદ ભાગવતના 46-47મા બે અધ્યાયોમાં નિરૂપાયેલી ઉદ્ધવ સંદેશની કથાને જાનીએ પ્રેમપચીસીમાં નવા દૃષ્ટિકોણથી નવીન રીતે રજૂ કરી છે. 'પ્રેમપચીસી'માં કુલ 25 પદો છે. આ બધા પદો વસુદેવ-દેવકી, કૃષ્ણ, નંદ-યશોદા અને ગોપીઓ વગેરેની ઉક્તિઓ રૂપે આલેખાયેલ છે. સંવાદ હોવાથી કૃતિને નાટ્યાત્મક ઊર્મિકાવ્યનો ઘાટ મળે છે. નંદ-યશોદા, વસુદેવ-દેવકીનો વાત્સલ્યભાવ તથા કૃષ્ણની સંવેદનાઓનું હૃદયસ્પર્શી મૂર્ત ચિત્રણ થયું છે. કૃષ્ણ-ગોપીના શૃંગાર ભાવ કરતાં  નંદ-યશોદા, વસુદેવ-દેવકીના વાત્સલ્યભાવને મળેલું પ્રાધાન્ય પ્રેમ પચીસીને અનન્ય બનાવે છે.

 ઉપસંહાર 
'સગાળાચરિત્ર' અને 'મોસાળાચરિત્ર' નામના બે આખ્યાનો તથા 'ચતુરચાલીસી' અને પ્રેમપચીસી' નામની બે પદમાળાઓ વિશ્વનાથ જાની પાસેથી મળે છે. આ રચનાઓ વિશ્વનાથ જાનીને મધ્યકાળના મધ્યમકક્ષાના નોંધપાત્ર કવિ તરીકે સ્થાન આપે છે.  કથાકથન નહીં પણ ભાવનિરૂપણ એ તેમની વિશ્વનાથ જાનીની વિશેષતા છે, ખાસિયત છે.
સંદર્ભ
(૧ ) પ્રેમપચીસી સં.પ્રસાદ બ્રહ્મભટ્ટ
(૨) ગુજરાતી વિશ્વકોશ -જાની, વિશ્વનાથ (૧૭ મી સદી)જયંત કોઠારી 

મંગળવાર, 3 જાન્યુઆરી, 2023

માવજી મહેશ્વરી : એક નોંધપાત્ર સર્જક

માવજી મહેશ્વરી 
|  એક નોંધપાત્ર સર્જક |

# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar 
માવજી મહેશ્વરી : એક નોંધપાત્ર સર્જક
                                 - જયશ્રી ચૌધરી 
(શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વર)

માવજી મહેશ્વરી વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર તરીકે જાણીતા છે. તેમનું સાહિત્ય ગુજરાતની પાંચ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં છે. તેમની વાર્તાઓના અનુવાદો ભારતની વિવિધ ભાષાઓમાં થયા છે. તેઓ કચ્છ અને કચ્છના લોકજીવનના ઊંડા અભ્યાસુ છે; એના વિશે અધિકારપૂર્વક બોલી શકે છે. મૂળ લોકસંગીતના જીવ છે. તેમણે લોકસંગીતના જાહેર કાર્યક્રમોમાં પણ પ્રસ્તુતિ કરેલી છે.
જન્મ 
માવજી મહેશ્વરીનો જન્મ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ભોજાય ગામમાં ૩૦મી ડિસેમ્બર ૧૯૬૪ના રોજ થયો હતો. તેઓ દલિત સમાજમાંથી આવે છે. તેમના માતા કેશરબેન અને પિતા દાદાભાઈના પાંચ સંતાનોમાં માવજી મહેશ્વરી બીજાં સંતાન છે.
અભ્યાસ
માવજી મહેશ્વરીએ પ્રાથમિક શિક્ષણ પોતાના ભોજાય ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું.  તેમણે એક વર્ષ બિદડા ગામની પ્રાથમિક શાળામાં પણ શિક્ષણ લીધું. પ્રાથમિક શાળા પછીનો અભ્યાસ કોટડી મહાદેવપુરી ગામની હાઈસ્કૂલમાં કર્યો. દસમા ધોરણ પછી બે વર્ષ મુંદ્રામાં પીટીસી કર્યું ત્યાર પછી તેમણે નેવી, ગ્રામીણ બેંક વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરી. શિક્ષણ વ્યવસાયમાં જોડાયા પછી તેમણે શિક્ષા વિશારદ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.
સંગીતપ્રીતિ 
દસેક વર્ષની વયથી જ તેઓ હાર્મોનિયમ વગાડતાં શીખી ગયાં હતાં. તે પછી તેઓ પોતાની જ્ઞાતિના 'રખિયા' ગણાતાં ભજનિકોને વાયક આવે ત્યારે તેમની સાથે જવા લાગ્યા હતા. હાર્મોનિયમ વગાડવાની સાથે સાથે તેમણે ગાવાનું પણ શરૂ કર્યું.
વાંચનશોખ
માવજી મહેશ્વરીએ તરુણાવસ્થા દરમિયાન  ભોજાય ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા કોટડી હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં સેંકડો પુસ્તકો વાંચ્યા હતા. તેમણે હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો છે. ઉર્દુ વાર્તાકાર મંટો, મરાઠી સાહિત્યકાર અનિલ બર્વે, બંગાળી સાહિત્યકાર શરદબાબુ તેમના પ્રિય લેખકો છે. અંગ્રેજી સાહિત્ય તેમને પસંદ છે.'ધ પ્લેગ' અને 'આઉટસાઈડર' એમની પ્રિય કૃતિઓ છે.
સર્જકતાનો આરંભ
કચ્છમિત્રના દીપોત્સવી અંકમાં ૧૯૯૦માં તેમની 'અભણ સરસ્વતી' પ્રથમ પ્રકાશિત વાર્તા છે. ૧૯૯૧ના નવેમ્બર માસમાં ભરૂચ મુકામે નવોદિત વાર્તાકારોના સેમીનારમાં વાર્તાકાર રજનીકુમાર પંડ્યાએ તેમને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે, ' તું વાર્તા લખવા માટે જન્મ્યો છો. વાર્તા સિવાય બીજું કંઈ વિચારતો નહીં.' આ રીતે એમની સર્જકતાનો શુભારંભ થયો અને તેમની સર્જનયાત્રા અવિરત ચાલી રહી છે.
વ્યવસાય
માવજી મહેશ્વરીએ ૧૯૮૩થી અંજારમાં શિક્ષક તરીકે લાંબી સેવા આપ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ તેઓ દાહોદ ખાતે રહે છે.

કુટુંબજીવન 
ધર્મપત્ની  પૂનમ આદર્શ ગૃહિણી તરીકે ઘર સંભાળી રહ્યાં છે. મોટા પુત્ર હેમાંગ  Mass communication સાથે સંલગ્ન છે,
નેશનલ મીડિયામાં કાર્યરત છે. પુત્ર મૃગેશ    
BE Mechanical છે, પર્સનલ ટ્રેઇનર છે અને પુત્રવધૂ 
અનિતા ફાર્માસીસ્ટ (ગુજરાત સરકાર) છે. લેખક પોતે શિક્ષક તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારીને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

વિશેષ સન્માન અને પ્રાપ્ત પારિતોષિકો
 'મેળો'  (નવલકથા) (૨૦૦૭)
૧ ગુજરાત સાહિત્ય અકાદમી   
૨ કલાગુર્જરીના એવોર્ડ

' રત્ત '(૨૦૦૮) (કચ્છી ભાષામાં વાર્તાસંગ્રહ)
શ્રીમતિ તારામતિ વિશનજી ગાલા ઍવોર્ડ

 બોર (નિબંધ સંગ્રહ) (૨૦૦૯)
૧ ગુજરાત સાહિત્ય અકાદમી
૨ ગુજરાતી સાહિત્ય પરિષદ
૩ કલાગુર્જરીના એવોર્ડ
૪ કાકાસાહેબ કાલેલકર એવૉર્ડ

 અજાણી દિશા(નવલકથા) (૨૦૧૫)
 નંદશંકર મહેતા ચંદ્રક

સોનટેકરી (નવલકથા) (૨૦૧૮)
ગુજરાતી સાહિત્ય અકાદમીનું ઇનામ
ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર 

 નિબંધ સંગ્રહ ‘મૌનના પડઘા’ (ભૂકંપના નિબંધો) (૨૦૧૯)

ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ


 નિબંધ સંગ્રહ ‘મૌનના પડઘા’ ( નિબંધો) (૨૦૨૧)

ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ


વિશેષ

ગુજરાતી ભાષામાં નોંધનીય પ્રદાન બદલ કચ્છી તરીકેનો તારામતી વિશનજી ગાલા એવૉર્ડ ( ૨૦૧૬)

કચ્છ શક્તિ ઍવોર્ડ (૨૦૨૨)
શ્રેષ્ઠ શિક્ષક સન્માન 
(૧) રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય ઍવોર્ડ એનાયત થયો. (૨૦૧૬)
(૨) શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ -૨૦૦૭   શ્રેષ્‍ઠ
(૩) ગુજરાત સરકાર દ્વારા તેમની શિક્ષણની વિશિષ્ટ સેવા બદલ શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્યનો ઍવોર્ડ એનાયત થયો. (૨૦૦૯)
અન્ય 

‘ સંત કબીર ‘દલિત સાહિત્ય  ઍવૉર્ડ  -૨૦૧૩


સંસ્કૃતિ દ્વારા ડૉ. જયંત ખત્રી ઍવૉર્ડ    

           


અન્ય ઉપલબ્ધિઓ
 ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જી.સી.ઈ.આર.ટી.જી સંસ્થાએ તેમના સર્જન કૌશલ્યોનો લાભ લીધો છે.
ભૂકંપ આધારિત કૉલમ 'તિરાડ' પરથી એનએસડી નવી દિલ્હીએ નાટકનું નિર્માણ કરી મંચન કર્યું
સર્જન 
માવજી મહેશ્વરીએ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે. તેમણે વાર્તા, નવલકથા, નિબંધ અને અન્ય સાહિત્યમાં રૂપોમાં પ્રદાન કર્યું છે. આ ઉપરાંત,  વિવિધ વર્તમાનપત્રોમાં કટાર લેખન કરતાં રહ્યાં છે.

વાર્તા સંગ્રહો
૧.'અદૃશ્ય દિવાલો'  (૨૦૦૦)
 ૨.'વિજોગ' (૨૦૦૭)
૩.'પવન' (૨૦૦૯) 
૪.'હસ્તરેખા' (૨૦૧૨)
૫.ખોવાઈ ગયેલું ગામ(૨૦૧૬)
૬.સરપ્રાઈઝ' (૨૦૧૬)
૭.ઝાંપો(૨૦૨૦)
 ૮.ધુમ્મસ(૨૦૨૨)
૯. 'રત્ત' (કચ્છી ભાષામાં વાર્તા સંગ્રહ) (૨૦૦૭)
 નવલકથા
૧.'મેળો' (૨૦૦૭)
૨. 'મેઘાડંબર' (૨૦૦૮) 
૩.'કાંધનો હક' (૨૦૦૯)
૪. 'અગનબાણ' (૨૦૧૪)
૫. 'અજાણી દિશા' (૨૦૧૫)
૬.'સોન ટેકરી' (૨૦૧૮)
૭.'હું સોનલ ઝવેરી' (૨૦૨૧)
૮.'છેલ્લું યુદ્ધ'(૨૦૨૨)
 નિબંધ સંગ્રહો 
૧.'બોર' (લલિત નિબંધો) (૨૦૦૯)
૨.'રણભેરી'(ચરિત્ર નિબંધો) (૨૦૦૮)
૩. 'મૌનના પડઘા' (૨૦૨૧)
 અન્ય
૧.'તિરાડની આરપાર' (ભૂકંપની સત્ય કથાઓ)(૨૦૦૩)
૨.'ઉજાસ' (ચિંતનાત્મક વિચારો) (૨૦૧૨)
૩.'હસ્તરેખા' (સંવેદનકથાઓ)(૨૦૧૨)
૪.ભોજાય'-એક જીવંત દસ્તાવેજ (દસ્તાવેજીકરણ) (૨૦૧૬)
૫.'સમયચક્ર' (વિજ્ઞાનશોધનો ઇતિહાસ અને ભારતીય સમાજજીવન ઉપર અસરો)(૨૦૧૯)
અખબારી કોલમ
'કચ્છ મિત્ર', 'જનસત્તા', 'મીડ ડે', 'ગુજરાત મિત્ર' 'દિવ્ય ભાસ્કર'
માહિતી સ્રોત
1. 'માવજી મહેશ્વરીની વાર્તાઓ-એક અભ્યાસ' લઘુશોધ નિબંધ-ભરાડીયા પૂનમ કાનજી
 માર્ગદર્શક : ડૉ.ભાવેશ જેઠવા
 કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ
 2.શ્રી માવજી મહેશ્વરી સાથે થયેલ સંવાદ અને તેમના દ્વારા પ્રાપ્ત માહિતી.


ગુરુવાર, 23 જૂન, 2022

એકવીસમી સદીમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા

 

એકવીસમી સદીમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા 

# જયશ્રી ચૌધરી



" નિરાશાઅે જ્યારે પણ ઘેર્યા ત્યારે ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે પ્રેમ અને સત્યનો સદા વિજય થયો છે. દુનિયામાં ઘણાં હત્યારા અને ત્રાસ આચરનારા વ્યક્તિઓ થઈ ગયા. ઘણીવાર એવું પણ લાગ્યું કે વિજય એમને જ મળશે પરંતુ અંતમાં તેમનો વિનાશ થયો. "


સત્યમેવ જયતે ! મહાત્મા ગાંધી...સત્ય, અહિંસા, પ્રેમ અને માનવતાના હકમાં આજીવન કાર્યશીલ રહેનારા મહામાનવ !

વીસમી સદીના ફલક પર પોતાના વિચારોનો પ્રભાવ છોડનારા  મહાપુરૂષ મહાત્મા ગાંધીના વિચારો કેટલા પ્રભાવશાળી, અતુલ્ય અને સર્વકાલીન છે ?' મહાત્મા ગાંધી ' , ' બાપુ ' અને ગાંધીજી ના હુલામણા નામથી જાણીતા  ભારત દેશના રાષ્ટ્રપિતા ગાંધીબાપુના જન્મને એકસો પચાસ વર્ષો વીતી ગયા. એકવીસમી સદીમાં ગાંધી વિચારો કેટલા પ્રસ્તુત છે તે એક પ્રશ્ન છે.


ગાંધીબાપુ અર્થાત્ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ ૧૨ સંવત ૧૯૨૫ ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના દાદા ઉત્તમચંદ ગાંધી મૂળ પોરબંદરના રહેવાસી હતા પરંતુ રાજકીય કારણોસર જૂનાગઢમાં આવી વસ્યાં હતાં તેમના પુત્ર કરમચંદ ગાંધીના લગ્ન પુતળીબાઈ સાથે થયા હતા. કરમચંદ ગાંધી સ્વભાવે કુટુંબ પ્રેમી ,સત્યપ્રિય અને ઉદાર હતા અને પુતળીબાઈ ધાર્મિક અને વ્યવહાર કુશળ સ્ત્રી હતા . તેઓના પુત્ર એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. ૧૩ વર્ષની વયે ગાંધીજીના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા . એક સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ પત્ની તરીકે કસ્તુરબા ગાંધીજી સાથે જીવનની દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા . 



ગાંધી વિચારો


સત્ય અને અહિંસા

માનવતા

કોમી એકતા 

ખાદી 

અસ્પૃશ્યતા નિવારણ

દારૂબંધી 

સ્વચ્છતા

ગ્રામ ઉદ્યોગો 

રાષ્ટ્રભાષા 

સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ

ખેડૂતલક્ષી  વિચારો

વિદ્યાર્થીઓની પ્રગતિ માટેના વિચારો 

ગાંધીજીના વ્રત વિચાર ' મંગળ પ્રભાત'


સત્ય અને અહિંસા


" મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય ઈશ્વર છે અને અહિંસા તેને પ્રાપ્ત કરવાનું સાધન. "

                                                       -  ગાંધીજી 


 સત્ય અને અહિંસા બે એવા ગુણ છે જે દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જોઈએ. સત્ય અને અહિંસા આચરનાર વ્યક્તિ નિર્ભય હોય છે. સત્ય એ જ ઈશ્વર છે અને સત્યની તાકાત અગણિત છે. સત્યને વળગી રહેવું મુશ્કેલ જરૂર છે પરંતુ તેનું દૂરગામી પરિણામ હંમેશાં સારું હોય છે. સત્યને જીરવવું ઘણું મુશ્કેલ છે. ગાંધીજી માનતા હતા કે સત્ય જ પરમેશ્વર છે અને તેઓ કહેતા કે સત્યને પામવા માટે મારી પ્રિયમાં પ્રિય વસ્તુ છોડવી પડે તો હું એ પણ છોડી શકું છું.


આજે અસત્ય સત્ય ઉપર હાવી થતું જણાય છે પરંતુ સત્ય એ જ છે કે સત્ય સર્વોપરિ છે. આ વાસ્તવિકતા દરેક જણે સ્વીકારવી જોઈએ. સત્યનો રસ્તો અઘરો જરૂર છે ઘણી મુશ્કેલીઓ છે એમાં, થોડા સમયના સુખની લાલચમાં સત્યનો સાથ કદી છોડવો નહીં જોઈએ કેમ કે ઇતિહાસ સાક્ષી છે કે અસત્યનો વિજય ક્યારેય નથી થયો હંમેશાં સત્ય જ જીત્યું છે.


 ગાંધીજી માનતા હતા કે સત્યની શોધ પણ પોતાના વિરોધી પર હિંસા આચરવાની પરવાનગી આપતું નથી. 


જ્યાં પણ અન્યાય છે એનો વિરોધ થવો જ જોઈએ પ્રશ્ન એ છે કે વિરોધનું ઉદ્દેશ્ય પરિવર્તન છે કે બદલો કેમ કે દંડ આપવાનો અધિકાર એકમાત્ર ઈશ્વરને જ છે . એ વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ અને ઈશ્વરના નિર્ણયને આપણે હાથમાં ન લેવા જોઈએ અને ક્યારેય હિંસા ન આચરવી જોઇએ .


અહિંસાથી ગાંધીજીએ ભારતને સ્વતંત્રતા અપાવી અને આજે જુઓ તો અહિંસા  વિલુપ્ત થઈ ગઈ જણાય છે. લોકોમાં ધીરજ અને સહનશક્તિ ખૂટી પડી છે . હિંસા સામે દરેક વ્યક્તિ હિંસા જ કરતો જણાય છે. લાેકાે અહિંસાનો માર્ગ પસંદ નથી કરતા. આજના સમયમાં અહિંસા ખૂબ જ આવશ્યક છે એકવીસમી સદીમાં જો યુદ્ધ થાય તો એનાથી થનાર નુકશાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જો સમગ્ર વિશ્વ અહિંસાને ધ્યાનમાં લઈને ચાલતું હોય તો સંરક્ષણ પાછળ જે નાણાં વપરાય છે એ દરેક દેશ પોતાના દેશના વિકાસ માટે વાપરી શકે તો ગરીબી ભૂખમરો બેરોજગારી દૂર થઇ શકે .


ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચાર એકવીસમી સદીમાં પ્રસ્તુત છે જ પરંતુ તમામ લોકોએ એ વિચારો જીવનમાં ઉતારવાની પણ જરૂર છે.


માનવતા

 જીવનમાં સૌને ઉપયોગી બનું ;

અને કરું હું શ્રેષ્ઠ કર્મ .

કોઈ પૂછે મારા ધર્મ વિશે ;

અને કહું માનવતા મારો ધર્મ .


 માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે ગાંધીજીના મત અનુસાર બીજાના દુઃખને આપણે પોતાનું દુઃખ સમજવું જોઈએ ભેદભાવ છોડીને માનવતા તેમજ નમ્રતાથી રહેવું જોઈએ.


માનવતા એ તો માણસ હોવાનું ગુણ છે જેનામાં માનવતા જ નથી રહી તેમને માણસ ઘણી જ ન શકાય 


આજના સમયમાં લોકો ક્રૂર અને કપટી બન્યાં છે. માત્ર પોતાનો સ્વાર્થ જોતા થયા છે. લોકો બીજાની પીડા દુઃખ દર્દ જોઈ મદદની ભાવના નથી રાખતા. બીજાનું સુખ જોઈ નથી શકતા. ઉપરાંત બીજાને દુઃખ આપતાં, નુકસાન પહોંચાડતા થયા છે. આવા સમયે માનવતા કેળવવી ખૂબ આવશ્યક છે.


વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો આતંકવાદ વધ્યો છે. આતંકવાદીઓ ગમે તેમ લોકોની હત્યા કરી નાખે છે નિર્દયતાથી સ્ત્રીઓ અને બાળકો પર અત્યાચાર ગુજારે છે.


માનવતા એ તો ઈશ્વરે આપેલી ભેટ છે એને ક્યારેય ખોવવી નહીં જોઈએ .


માનવતાનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત અને આવશ્યક છે .


કોમી એકતા 


ભારત એક સંગઠિત દેશ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે દરેક ધર્મના  લોકો આ દેશમાં હળી મળીને રહે છે.


" હિન્દુ અને મુસલમાન મારી બે આંખો છે . "

  • ગાંધીજી

કોમી ધોરણો અને અલગ મતદાર મંડળો બ્રિટિશ સરકાર દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા જે આજે પણ દૂર નથી થઈ શક્યા.


દરેક વ્યક્તિને ઈશ્વરે બનાવી છે. કોમ, જાતિ આ બધું મનુષ્યે ઉભું કરેલું  છે.


 " પૂર્ણ સ્વરાજ એકતા વગર પ્રાપ્ત ન થઈ શકે ."

-ગાંધીજી


ગાંધીજી કહેતા હતા " મેં હું મુસલમાન ઔર હિન્દુ ભી હું ઈસાઈ ભી હું પર જયુ ભી હું  ઔર વહી તુમ સબ હો. જબ તુમ ઝંડે લેકર ચિલ્લાતે હો તબ દૂસરે ભાઈ ઘબરા જાતે હૈ ઐસા હિન્દુસ્તાન નહીં ચાહિયે મુઝે. "


આજે આપણા દેશમાં અવાર નવાર કોમવાદ અને જાતિવાદને લીધે હિંસા ભડકી ઉઠે છે . સેંકડો નિર્દોષો ખુવાર થાય છે.  દેશ સ્વતંત્ર થયો છે, પરંતુ પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવા માટે એકતા જરૂરી છે . ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. તેની સંસ્કૃતિ અને સંસ્કાર વિવિધ ધર્મના લોકોને પોતાનામાં સમાવવાની ઉદારતા ધરાવે છે. પરિણામે ભારત દેશ વિવિધ પ્રકારના ધર્મ અને સંપ્રદાય અપનાવવાની સ્વતંત્રતા આપે છે. 


કોમી એકતાનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત અને આવશ્યક છે .

 


ખાદી 

ખાદી માત્ર વસ્ત્ર નથી પણ વિચાર છે . ગાંધીજી  માનતા હતા કે,

"  ખાદીનો ઉપયોગ એટલે દેશના 

વતનીઓની આર્થિક સ્વતંત્રતા 

તેમજ સમાનતાની શરૂઆત. "


ખાદીનો અર્થ છે પૂરેપૂરી સ્વદેશી વૃત્તિ કેળવવી અને રાખવી. એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો દેશમાંથી અને ગામડામાં રહેનારી આમ જનતાની મહેનત તથા બુદ્ધિથી નિપજતી ચીજો વડે પૂરી કરવી. 


ખાદીનો એક અર્થ થાય છે સ્વાશ્રયી બનવું, પોતાની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરવું. ખાદી એ આત્મનિર્ભરતા કેળવવા માટેનો તે સમયનો મુખ્ય વિચાર હતો. 


આજે દેશમાં એક બાજુ અબજોપતિ વ્યક્તિઓ છે અને એક બાજુ જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુ પણ પ્રાપ્ત ન કરી શકતા લોકો પણ છે. કોળિયા જેટલા લોકો કરોડપતિ છે અને કરોડો ગરીબ છે. આપણે દેશમાં જ રોકાણ કરીએ દેશમાં જ બનાવેલા વસ્ત્રો પહેરીએ તો દેશના નાણાં પણ દેશમાં જ રહેશે અને દેશમાં આર્થિક સંતુલન બનશે. 


એકવીસમી સદીમાં ખાદીનો વિચાર પ્રસ્તુત જરૂર છે. પરંતુ એને સંપૂર્ણપણે વળગી રહેવું અશક્ય છે. 


અસ્પૃશ્યતા નિવારણ


 ગાંધીજી કહેતા હતા કે, ગુલામી બે પ્રકારની છે :

(૧) સ્ત્રીઓની

(૨) અછૂતોની 

સ્ત્રીઓની ગુલામી તો આજે ઘણે ભાગે દૂર થઈ ગઈ છે. પરંતુ ઉંચનીચ, જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા વિષયક માનસિકતાનું નિવારણ સંપૂર્ણપણે થઇ શક્યું નથી. એ પ્રકારની માનસિકતા દૂર કરવાની  આજે  ઘણી જરૂર છે. 


આપણે અત્યાર સુધી એ વિચારોને સિંચ્યા છે જેને વર્ષો પહેલાં જડમૂળથી ઉખેડી નાખવાની જરૂર હતી.


અસ્પૃશ્યતાને કારણે હરિજન ભાઇઓ-બહેનોની બાકીના હિન્દુઓ પોતાનાથી બાદ રાખે છે. પરિણામે તેમણે રાક્ષસી અળગાપણું વેઠવું પડે છે. આવી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારતા લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓ હાથ ધરવી જોઇએ . તેના દ્વારા હકારાત્મક વાતાવરણ સર્જવું જોઇએ. સમાજમાં તેમનું પુનઃ સ્થાપન કરીને તેમને પણ ઉજ્જવળ ભવિષ્ય રચવાની તક આપવી જોઈએ.


અસ્પૃશ્ય નો અર્થ થાય છે જેને સ્પર્શી ન શકાય અને એ આપણા દ્વારા જ બનાવવામાં આવેલી સમાજ વ્યવસ્થા છે. જે લોકો ભેદભાવ સહન કરીને પણ જીવન ગુજારે છે એ અસ્પૃશ્ય છે કે એમને નિમ્ન કક્ષાના ગણનારી આપણી વિચારધારા અસ્પૃશ્ય છે ? દરેક મનુષ્ય સમાન હોવા જોઈએ ઉચ્ચસ્તર નિમ્નસ્તર એ બધી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી વ્યવસ્થાઓ છે .  આજે આઝાદીના આટલાં વર્ષો પછી પણ આપણે એમાંથી મુક્ત નથી થઇ શક્યા. આપણા વિચારો હજુ પણ આઝાદી પૂર્વેના જ રહ્યાં છે.


આજે દરેક ક્ષેત્રમાં જાતિવાદ જોવા મળે છે. આપણે એને દૂર કરી એક થઈને રહેવાનું છે. " એક ભારત શ્રેષ્ઠ ભારત "નું સ્વપ્ન સાકાર કરવાનું છે.


અસ્પૃશ્યતા નિવારણનો વિચાર એકવીસમી સદીમાં પ્રસ્તુત છે અને ખૂબ જ આવશ્યક પણ છે. 


દારૂબંધી 


ગાંધીજી દારૂબંધીના હિમાયતી હતા. તેઓ માનતા કે,

  •  દારૂબંધી સૌથી જરૂરી છે.

  •  દારૂ અફીણના વ્યસનમાં સપડાયેલા લોકોને તેમાંથી મુક્તિ અપાવવી જોઇએ.

  • આસપાસ વ્યસની પીણાંને બદલે તંદુરસ્તી આપનારા પીણાં મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.


દારૂ એ ટૂંકા સમયનું સુખ છે, દારૂ પીવાને કારણે વ્યક્તિ પોતાની પરિસ્થિતિ , પોતાનું દુખ થોડા સમય માટે ભૂલી જાય છે પરંતુ એનાથી હકીકત બદલાતી નથી. પોતાની કપરી પરિસ્થિતિઓમાં વ્યક્તિએ તેની સામે ઝઝૂમવું જોઈએ તેનાથી બચવા માટે દારૂ પીવાની ખોટી આદત પાડવી જોઈએ નહીં. દારૂ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે અને પૈસાનો પણ બગાડ કરાવે છે . એક વાર વ્યક્તિને દારૂ પીવાની આદત લાગી જાય છે તો એમાંથી છૂટવું ખૂબ જ મુશ્કેલ છે . 


  ભારત દેશમાં ગાંધીજીના ગુજરાતમાં તો દારૂબંધી છે. અને એના સારા પરિણામ પણ ગુજરાતના લોકોને મળતા રહ્યા છે. હા એકવીસમી સદીમાં દારૂબંધીનો વિચાર સંપૂર્ણપણે પ્રસ્તુત છે. કારણ કે વ્યસન વિનાશ નોતરે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. વ્યસન વ્યક્તિનું અને તેના પરિવારનું માનસિક અને શારીરિક અને આર્થિક પાસું નબળું કરે છે. આજે યુવાધન વિવિધ પ્રકારનો નશો કરે જે સરવાળે રાષ્ટ્ર માટે અહિતકર છે.  


દારૂબંધીનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત છે અને તેનો અમલ કડક રીતે કરાવવામાં આવે એ પણ ખૂબ જરૂરી છે . 


સ્વચ્છતા 


" ગંદકી ગમે ત્યાં ના ફેલાવીએ

 પ્રયાસ કરીએ સૌ સહિયારો, 

સ્વાસ્થ્ય સૌનું સારું રહે 

સ્વચ્છ રહે દેશ મારાે . "


દરેક વ્યક્તિએ સ્વચ્છતા રાખવી જોઈએ. કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ અને ગંદકી ફેલાવવી જોઇએ નહીં.

સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે . જ્યાં સ્વચ્છતા ન હોય ગંદકી ફેલાયેલી હોય એવી જગ્યાએ માનસિક શાંતિ મળતી નથી, મન અસંતુલિત થઈ જાય છે. 


સ્વચ્છતા જીવનમાં ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે કેમકે સ્વચ્છતા તંદુરસ્તી સાથે જોડાયેલી છે . તંદુરસ્તીનો અર્થ થાય છે શારીરિક અને માનસિક બન્ને રીતે સ્વસ્થ રહેવું . સ્વચ્છતા ન રાખવાને કારણે ગંદકી ફેલાય છે. ગંદકીને કારણે રોગો ફેલાય છે અને લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. આ ગંદકીમાંથી ઘણાં બધા બેક્ટેરિયા, વાઇરસ, મચ્છર અને અનેક એવા જીવો ઉત્પન્ન થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આજે જોઈએ તો લોકોને ફિટ રહેવું છે પણ માનસિક સ્વાસ્થ્યની તેમને ચિંતા નથી. વ્યક્તિનું શારીરિક સાથે માનસિક રીતે સ્વસ્થ રહેવું પણ ખૂબ જ જરૂરી છે. આજે લોકોનું માનસિક આરોગ્ય કથળેલું છે. માનસિક અસ્વસ્થતાને કારણે આત્મહત્યા ,રેપ, લૂંટફાટ અને ઝઘડા જેવા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. જો મન નિરોગી હશે તો જ શરીર નિરોગી રહેશે. શુધ્ધ વિચારો કરવા મનમાંથી નક્કામાં મેલા વિચારો કાઢી નાખવાં એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.


સ્વચ્છતાનો વિચાર એકવીસમી સદીમાં પ્રસ્તુત છે 


ગ્રામ ઉદ્યોગો 


ગાંધીજી માનતા હતા કે ભારત દેશ એ ગામડાઓનો બનેલો દેશ છે . 


આજે સરકાર દ્વારા ગ્રામ ઉદ્યોગો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે જે બિલકુલ સરાહનીય છે તેનાથી ગ્રામ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. દેશની આર્થિક સધ્ધરતા માટે ગ્રામ ઉદ્યોગો ખૂબ મહત્વનો ફાળો ભજવે છે કારણ કે ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે . ગ્રામ ઉદ્યોગો સ્થાપીને ગામના લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ . ગામને આર્થિક રીતે સધ્ધર કરવા માટે ગ્રામ ઉદ્યોગો આવશ્યક છે .ગામડા વિકસિત થશે, શહેર વિકસિત થશે અને અંતે દેશ વિકસિત થશે. આજે દેશને ૬૮% વસ્તી ગામડામાં વસે છે અને ખેતી પર નિર્ભર છે. ખેતી આધારિત ગ્રામ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ .


એકવીસમી સદીમાં ગ્રામ ઉદ્યોગોનો વિચાર પ્રસ્તુત છે અને દેશના વિકાસ માટે આવશ્યક પણ છે .


રાષ્ટ્રભાષા 


" અનેક ભાષા અનેક બોલી

 અનેક છે પ્રદેશ 

હિન્દી મારી રાષ્ટ્રભાષા 

જેનાથી ઓળખાય મારો દેશ "


ભારતમાં અનેક પ્રકારના લોકો વસે છે અને વિવિધ પ્રકારની ભાષાઓ અને બોલીઓ  બોલે છે. ગાંધીજી માનતા હતા કે સમગ્ર દેશ માટે એક સામાન્ય ભાષા હોવી જરૂરી છે જેને દરેક લોકો સમજી શકે. ભાષાથી સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા જળવાય છે. આજે જુઓ તો લોકો અંગ્રેજી માધ્યમ પાછળ ઘેલા થયા છે જ્યાં જુઓ ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલી રહી છે. પારકી ભાષા શીખવામાં વિદ્યાર્થીઓ પોતાના કેટલાક કિંમતી વર્ષો ગુમાવી દે છે .  અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે એના માટે અંગ્રેજી માધ્યમની શાળાઓની જરૂર નથી . આપણે વિકાસશીલ દેશ છીએ. બીજા દેશો સાથે  વ્યાપાર વ્યવહાર માટે આપણને અંગ્રેજી ભાષા ખૂબ ઉપયોગી અને આવશ્યક છે  પરંતુ એના માટે આપણે આપણી રાષ્ટ્રભાષા ભૂલવી જોઇએ નહીં. જાપાન ,જર્મની એવા ઘણા દેશો છે જેમણે અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાનો સ્વીકાર કર્યો નથી અને પોતાના દેશમાં પોતાની જ ભાષાથી વ્યવહાર રાખ્યો છે અને એ દેશો આજે વિકસિત પણ બની ગયા છે.


ટેલિવિઝન ફિલ્મો જોઈને આપણે હિન્દી બોલતા જરૂર શીખ્યા છે પરંતુ અભ્યાસમાં આપણને એની વિશે એટલું જ્ઞાન નથી. હિન્દી માત્ર દેશના કેટલાક ચોક્કસ વિસ્તાર માટે જ નથી. સમગ્ર દેશે તેને પદ્ધતિસર શીખવાની અને શીખવાની જરૂર છે. દેશના દરેક રાજ્યોમાં તેમની રાજ્ય ભાષા સાથે હિન્દી ભાષા પણ પદ્ધતિસર શીખવવી જોઈએ. દેશના દરેક નાગરિક રાષ્ટ્રભાષાને વ્યવસ્થિત રીતે જાણતા હોવા જોઈએ.  


રાષ્ટ્રભાષા અંગેનો ગાંધીજીનો વિચાર એકવીસમી સદીમાં બિલકુલ પ્રસ્તુત છે અને એને યોગ્ય રીતે આચરવો જોઈએ .


સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ


ગાંધીજી માનતા હતા કે સ્વદેશી વસ્તુના ઉપયોગથી લોકો આર્થિક રીતે સધ્ધર થશે અને આર્થિક અસમાનતા દૂર થશે.

વિદેશી રીત ભાતની નકલની આપણે આપણી પ્રગતિ કઈ રીતે માની શકીઅે! 


 આજે જ્યાં જુઓ ત્યાં બધી જ જગ્યાએ વિદેશી વસ્તુઓ જોવા મળે છે. સ્વદેશી વસ્તુનાે ઉત્પાદન  ખર્ચ ઘણીવાર વધી જાય છે જેથી તેમનો ભાવ વધારે હોય છે અને તેની સામે ગુણવત્તા વગરની વિદેશી સસ્તી વસ્તુઓ હોય છે. એક બૌદ્ધિક નાગરિક તરીકે આપણે વિચારવું જોઈએ કે એક જ ઉત્પાદનના બે અલગ અલગ ભાવ શા માટે છે ! વિદેશી વસ્તુ ખરીદીને આપણે આપણા જ દેશના નાણાં બીજા દેશમાં શા માટે મોકલીએ સ્વદેશી ખરીદીને આપણા જ દેશને આર્થિક રીતે સધ્ધર ન કરીએ !


આ બધા વિચારોની સામે એક હકીકત એ પણ છે કે માત્ર અને માત્ર સ્વદેશી વસ્તુઓનો જ સંપૂર્ણપણે  ઉપયોગ આજે શક્ય નથી . એક જાગૃત નાગરિક તરીકે આપણે વધુ વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. 


૨‍૧મી સદીમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાનો ગાંધીજીનો વિચાર બિલકુલ પ્રસ્તુત છે પરંતુ સંપૂર્ણપણે અમલમાં નથી અને સંપૂર્ણપણે અમલમાં લાવવું પણ અશક્ય છે   .


 ખેડૂતલક્ષી વિચાર 


ખેડૂતને જગતનો તાત ગણવામાં આવે છે . 


ગાંધીજીના સમયે અંગ્રેજો દ્વારા ખેડૂતોની જમીન લઇ લેવામાં આવી હતી. તેમની પોતાની જ જમીન માટે તેઓ પાસેથી કર વસૂલવામાં આવતો હતો. જો ખેડૂતો કર ભરી ન શકે તો અંગ્રેજો કરના બદલામાં તેમનાે ઘર વખરીનો સામાન, ઘર અને બીજી મૂલ્યવાન વસ્તુઓ લઈ જતા હતા. તે સમયે ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો જે હિંદ સ્વરાજ મેળવવા માટે કરવામાં આવેલ મહત્વનાે સત્યાગ્રહ હતો .


સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો ખેડૂતોએ સજીવ ખેતી તરફ ગતિશીલ થવું જોઈએ . આજના સમયે ઝેરી દવા અને રાસાયણિક ખાતર વાપર્યા વગર ખેતી કરવી ખૂબ જ આવશ્યક બની છે કારણ કે ઝેરી દવા અને રાસાયણિક ખાતરોને કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે, લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું છે ,જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. આજના સમયે પશુ સંવર્ધનને પણ મહત્વ આપવું જોઈએ. દુધાળા પશુઓ પાડવા જોઈએ જેમની મદદથી દૂધ, દહીં, ઘી જેવી વસ્તુઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત દેશી ખાતર પણ જમીનની ફળદ્રુપતા વધારવામાં કામ લાગી શકે છે.


આજના સમયે ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળવા જોઈએ . ઘણી બધી વાર થતાં આબોહવા પરિવર્તનને કારણે ઘણીવાર પાક નિષ્ફળ જાય છે તે સમયે ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા કરી લે છે આવા સમયે સરકારે અને દેશના દરેક લોકોએ ખેડૂતની સાથે ઉભા રહેવું જોઈએ અને તેમને આમ કરતા અટકાવવા જોઇએ. આવા સમયે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓ ઘણી જ સહાયક નીવડતી હોય છે.  દરેક વ્યક્તિના જીવનનો આધાર ખેડૂત પર છે જ .  


ખેડૂતોના હિતમાં ગાંધીજીના વિચારો ખૂબ પ્રસ્તુત છે .


વિદ્યાર્થીઓ માટે ગાંધીજીના વિચારો 


બાળપણમાં ગાંધીજી માનતા કે કસરતને શિક્ષણ સાથે સંબંધ નથી. પરંતુ મોટપણે તેમના વિચારો બદલાયા. તેમણે માન્યું કે વ્યાયામ , શારીરિક કેળવણીને પણ વિદ્યાભ્યાસમાં સ્થાન આપવું જોઇએ.

તેઓ બાળપણમાં એવું પણ માનતા કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી પરંતુ તેમણે જ પછી કહ્યું કે ,

" નઠારા અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે  "

  • ગાંધીજી

ગાંધીજી માનતા હતા કે ,

  • વિદ્યાર્થીઓએ રાજકારણમાં  કે કોઇ પક્ષમાં ન પડવું. કારણ કે તેઓ વિદ્યા ખોળનારા અને જ્ઞાન શોધનારા છે.


  •  રાજકીય હડતાળો ન પાડવી .

  • ત્રિરંગી ધ્વજનું સંદેશ જીવનમાં ઉતારી, કોમવાદ કે અસ્પૃશ્યતાને પેસવા ન દેવી.

  • દર અઠવાડિયે પોતે નવું શીખે ત્યાં આસપાસના ગામમાં શીખવાડવું.

  • પોતાની વિદ્યાર્થી બહેનો સાથે સ્વચ્છ અને સભ્યતા વાળું વર્તન રાખવું .


ગાંધીજીના માર્ગદર્શન હેઠળ આઝાદી સમયે કેટલાક યુવાનોએ મુક સેવકનું વ્રત લઇને દેશના પછાત વિસ્તારોની સેવા કરી અને પોતાનું જીવન સમર્પિત કર્યું . ગાંધીજીએ આપેલા વારસાને આજની યુવા પેઢીએ જાળવવી જોઈએ અને કેટલાક ચોક્કસ નિયમો પાળવા જોઈએ .


  • પોતાના જ્ઞાનનો ઉપયોગ નબળા વર્ગોના ઉત્થાન માટે કરવાની ભાવના જગાડવી જોઈએ.

  • આળસનો ત્યાગ કરીને સ્વાશ્રયી બનવું જોઈએ.

  • સ્વચ્છતા રાખવી જોઈએ અને વિકાસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ .

  • વિદ્યાર્થીઓએ રચનાત્મક કાર્યો કરવા જોઇએ .

  • પોતાનામાં રહેલી રચનાત્મકતાનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવાે જોઈએ .


વિદ્યાર્થીઓ દેશની એ મૂડી છે જે દેશને ઉન્નત કરવામાં વિકસિત કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે .

આજે જોઈએ તો વિદ્યાર્થીઓ જ્યાં ત્યાં રાજકીય સંગઠનોમાં જોડાઈ રહ્યા છે. રાજકીય હડતાળમાં તેમને મદદરૂપ થાય છે અને હિંસક પ્રવૃત્તિઓ પણ આચરે છે. વિદ્યાર્થીઓ તો દેશનું યુવાધન છે વિદ્યાર્થીએ વિચારવું જોઈએ કે તે કઈ રીતે પોતાના પરિવાર, ગામ, શહેર અને રાષ્ટ્રને આગળ લાવી શકે છે અને એ જ રીતે રાજકીય સંગઠનોએ પણ વિચારવું જોઈએ કે પોતાના ફાયદા માટે તેઓએ વિદ્યાર્થીઓનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે નુકસાન તો છેવટે રાષ્ટ્રને જ છે . આ ઉપરાંત વિદ્યાર્થીઓ મનોરંજનમાં ખોવાઈ ગયેલા જણાય છે વિદ્યાર્થીઓએ પોતાના ફ્રી સમયમાં નવું શીખવાનું છે, જાણવાનુ છે નહીં કે પોતાના સમય વેડફવાનો છે. 


વિદ્યાર્થીઓ અંગેના ગાંધીજીના વિચારો એકવીસમી સદીમાં પ્રસ્તુત છે .


ગાંધીજીના વ્રત વિચાર ' મંગળ પ્રભાત'


ગાંધીજીએ 'મંગળ પ્રભાત' માં વિવિધ વ્રતોની વાત કરી છે. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય ,અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મસમભાવ , નમ્રતા અને સ્વદેશી વ્રતનો ઉલ્લેખ કર્યો છે. 


ભારત એ ભોગવાદી દેશ નથી. આપણી સંસ્કૃતિ ત્યાગને મહત્વ આપે છે. ત્યાગીને ભોગવી જાણવાની વાત કરે છે. ભોગ વિલાસની સત્ય ક્યારેય પ્રાપ્ત નથી થતું . બ્રહ્મચર્ય મન વચન અને શરીરથી પાડવાનું હોય છે .ગાંધીજી માનતા હતા કે જનેન્દ્રિયવિકારનો વિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એ અધૂરી અને ખોટી વ્યાખ્યા છે. વિષયમાત્રનાે નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ભણવા દે એક જ ઈન્દ્રને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે.


બ્રહ્મચર્યનો મૂળ અર્થ છે બ્રહ્મની-સત્યની શોધમાં ચર્યા એટલે કે તેને લગતો આચાર. બ્રહ્મચર્યનો વિશેષ અર્થ છે સર્વેન્દ્રિયસંયમ.


અસ્વાદ એ બ્રહ્મચર્યની સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવે છે.સ્વાદ એટલે સ્વાદ ન લેવાે.   અસ્તેયનો અર્થ થાય છે ચોરી ન કરવી . અપરિગ્રહ એટલે વસ્તુનો ખોટી રીતે સંચય ન કરવો.અભય એટલે બાહ્ય ભયમાત્રથી મુક્તિ.  જાત મહેનત મનુષ્ય જાત માટે ખૂબ જ અનિવાર્ય છે . સર્વધર્મસમભાવ આપણને બીજા ધર્મ પ્રત્યે સમભાવ અને આદર રાખવાનું શીખવે છે. આ વ્રતમાં નમ્રતા એક વિશેષ સ્થાન ધરાવે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં નમ્રતા કેળવાવી જ જોઈએ.


આ બધાં વ્રતો બ્રહ્મચર્ય સાથે જોડાયેલા છે ૨૧મી સદીમાં આ તમામ વ્રતોની ખૂબ જ આવશ્યકતા છે. આજે જોવામાં આવે તો અવૈધ સંબંધો વધ્યા છે. યુવાનો પણ ભોગ વિલાસ તરફ જતા જણાય છે .  ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ વધ્યા છે. લોકો સંગ્રહખોરી કરતા જણાય છે .


૨૧મી સદીમાં ગાંધીજીના 'મંગળ પ્રભાત' ના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જે દેશની કરોડરજ્જુ યુવાનો છે અે યુવાનોના ઘડતરમાં આ વ્રતો પાયાનો ભાગ ભજવશે જો એમને અપનાવવામાં આવે તો. 


ઉપસંહાર 


ગાંધીજીમાં ભારતીય હોવાનો ગર્વ અને દેશ પ્રત્યે સમર્પણ ભાવ હતા. દેશને ઉન્નત કરવાની જવાબદારી એમણે મક્કમપણે નિભાવી. ગાંધી વિચારો ખુમારીથી જીવતા શીખવાડે છે અને આ વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજના યુવાનો પાસે કોઈ આદર્શ નથી જો તેઓ ગાંધીજીને અને ગાંધી વિચારોને પોતાનો આદર્શ માને તો નિશ્ચિતપણે એક ઉન્નત ભારતનું નિર્માણ થઈ શકે.


ગાંધીજીના વિચારો દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ, બંધુત્વ, સમાનતા માટે માત્ર આજે જ નહીં હંમેશા પ્રસ્તુત હતા, છે અને રહેશે કારણ કે ગાંધીજી માત્ર વ્યક્તિ ન હતા પરંતુ એક જીવંત વિચાર હતાં જે માનવતા અને બંધુત્વની લાગણીને ઉન્નત કરી શકે. 


ગાંધી વિચાર ૨૧મી સદી માટે આદર્શ પુરવાર થઇ શકે છે.